Charchapatra

રાતવાસો

આખા દિવસના પરિશ્રમ બાદ રાતે  નિરાંતે સુવા ચાહતો માણસ જો ઘરબાર વિનાનો હોય તો ફૂટપાથ પર કે ખાલી ઓટલા પર યા ઓવરબ્રીજ તળે આશ્રય લે છે. કહેવાય છે કે ‘ભૂખે ભરડો ભાવે, ઊંઘ ઊકરડે આવે.’ રોજીરોટી રળવા શ્રમજીવીઓ ગામથી દૂર શહેરમાં આવી જાય છે, ત્યારે ખાવાને રોટલો મળે, પણ સુવાને ઓટલો ના મળે’નો કડવા અનુભવ થતાં ફૂટપાથ પર લંબાવે છે. ‘નીચે ધરતી અને ઉપર આભ’ સ્વીકારી નિંદ્રાધીન થઇ જાય છે. કયારેક પુરપાટ ધસી જતા વાહન તળે કચડાઇ જવાનું જોખમ પણ રહે છે. શિયાળામાં થથરી જઇને પણ પડયા રહે છે. રાતવાસો કરવામાં વસવસો કરવાનો વ્યર્થહોય. કેટલાક દયાળુ પરોપકારી લોકો કયારેક શિયાળાની રાતોમાં લાચાર નિંદ્રાધીનો તરફ ધાબળા નાંખી જાય છે.

શહેરી વિકાસની યોજનામાં કાર્યરત નગરપાલિકાના માનદ સભ્યો હવે આવા બેસહારા ગરીબો તરફ પણ ધ્યાન આપવા પ્રેરાયા છે અને શહેરમાં કેટલીક જગ્યાએ ‘રેનબસેરા’ વ્યવસ્થા કરવા લાગ્યા છે, જયાં ઘરવિહોણા લોકોને રહેવા માટે માનભેર સુવિધા મળી શકે છે. મહાનગર સુરતમાં અંદાજિત સાતસો કરતાં વધારે લોકો માટે આવી વ્યવસ્થા થઇ છે. શ્રમજીવી સિવાય ભિક્ષુક પણ તેનો લાભ લે છે. અંદાજે અગિયારસો કરતાં વધારે ભિક્ષુકો અને પોતાના મકાન વગર માત્ર ફૂટપાથ પર સૂતા લોકો માટે ધીમે ધીમે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગોરાટ અને સ્મીમેર હોસ્પિટલની બાજુમાં ભિક્ષુકો માટે સેન્ટર હાઉસની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આવાં શેલ્ટર હોમ માનવતા મહેકાવે છે. આવા આવશ્યક કાર્યોથી વિકાસ સાથે સુવાસ પણ ફેલાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top