લાંબા સમયથી GSRTCની બસોમાં સતત ડ્રાઈવરોની ગતિવિધિનો એક મુસાફર તરીકે અનુભવ કર્યા બાદ આ મુદ્દને ઉખેડયો છે. અમુક બસો સાવ ખખડેલી હોય છે. છતાં સારો ડ્રાઈવર મુસાફરોને એકપણ આંચકાનો અનુભવ કરાવ્યા વિના સોફટલી બસ ડ્રાઈવ કરે છે. જયારે અમુક નહીં મોટા ભાગના ડ્રાઈવરો સારી અને વ્યવસ્થિત બસોને પણ દબંગ રીતે ડ્રાઈવ કરી પાછલી સીટ પર બેસેલા મુસાફરો ખાસ કરીને બિમાર વૃદ્ધ, વગેરેને ફૂટબોલની જે ઊછાળી છત સાથે માથું ટકરાય એટલી ખરાબ રીતે, એમની મસ્તીમાં બસ ડ્રાઈવ કરે છે. મણકા તથા ચેતાતંત્રને નુકશાન થવાની હદે આવું જોખમી ડ્રાઈવ સહન કરવાની બસમુસાફરની મજબુરી જ બની જાય છે.
જાગૃત પેસેન્જર અવાજ ઊઠાવે તો અને તેય કોઇ ફિકસ બસનો નિયમિત પેસેન્જર હોય તો તેને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપી, અન્યપેસેન્જરો દ્વારા બખેડો ઊભો કરાવી બદનામ કરવાનો પ્રયાસ થાય છે. ડેપો મેનેજર કે DC સાહેબ સુધી ફરિયાદ જાય છે. છતાં આવા દબંગોની કાર્યપદ્ધતિ સામે ઠોસ પગલાં લેવાતાં નથી. જગ્યાના અભાવે છેલ્લે ચડનારા મુસાફરોએ પાછલી સીટો પર બેસવું જ પડે યા ઊભા રહેવું પડે છે, એટલે શું એમના સ્વાસ્થ્ય સાથેના ચેડાં બાબતે GSRTCના ડ્રાઈવરો જવાબદાર નથી? બસમાં ખામી હોય તો બસ રીપેર કરાવવી અને ડ્રાઈવરોની ટ્રેનિંગ જ કાચી હોય તો એમને દંડ સહિત ટ્રેનિંગ માટે પાછા મોકલવા પેસેન્જરોની ફરિયાદને ગંભીરતાથીલેવાવી જોઈએ.
મગજના તારો ઝણઝણી ઊઠે એટલી હદે મણકાના ચૂરેચૂરા કરાવે તેવો ઉછાળ જે પેસેન્જરો મજબુરીએ, વેઠે છે એમનાં જ મન જાણે છે. બસની ખરાબી, રસ્તાની ખરાબી એ ગૌણ કારણો છે.અસલ કારણ ડ્રાઈવરની ડ્રાઈવિંગ કચાશ કે બેદરકારી ભર્યું ડ્રાઈવ જ જવાબદાર હોય છે. અવાજ ઊઠાવનાર પેસેન્જરોને બદનામ કરવા આવા દબંગ ડ્રાઈવરો બસની સ્પીડ બાબાગાડી જેટલી ધીરી કરે છે. જેથી નોકરી અર્થો સમયસર જનારા અકળાય છે. આમ ગેરવ્યાજબી રીતે બખેડા કરાવી ડ્રાઈવરો પોતાની મનમાની કરીને જ જંપે છે. રેલ્વેના સ્ટાફ સામે કૂદી આવી ફરિયાદ સાંભળી નથી. GSRTCના સ્ટાફને જ કેમ લોકો ભાંડે છે? જવાબદાર અધિકારીઓ ઘટતાં પગલાં લ્યે.
નવસારી- સાજીદા મોહમંદ છીપકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.