સુરત: ડિજિટલ ઇન્ડિયા મિશનમાં સક્રિય ભૂમિકા અદા કરતું પશ્ચિમ રેલવેએ પેપર ચાર્ટનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરીને હેન્ડ હેલ્ડ ટર્મિનલ (એચએચટી)નો ઉપયોગ શરૂ કર્યો છે. તેના રેલવેને સુવિધાની સાથે પ્રવાસીઓનો તેનો ભારે લાભ મળી રહ્યો છે. એક અઠવાડિયામાં એચએચટીથી પ્રવાસીઓને બર્થ મેળવવામાં અને રિફંડ મેળવવામાં ભારે સરળતા રહી છે. એચએચટીથી 42000 પ્રવાસીઓથી વધુ લોકોને તેનો લાભ મળ્યો છે.
- એચએચટીના ઉપયોગના કારણે પેપર ચાર્ટનો ઉપયોગ સંપૂર્ણ બંધ
- હેન્ડ હેલ્ડ ટર્મિનલ 100 ટકા કાર્યરત થવાથી ટ્રેનના 42000 થી વધુ મુસાફરોને લાભ મળ્યો
- પેપર ચાર્ટમાં રિફન્ડ માટે પહેલા એક મહિનાનો સમય લાગતો હતો હવે એચએચટીના ઉપયોગથી 2-3 દિવસમાં રિફંડ મળી જાય
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓની ટિકિટની ચેકિંગ માટે પશ્ચિમ રેલવેથી શરૂ થતી તમામ 298 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 1383 ટિકિટ ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ( એચએચટી) આપવામાં આવ્યા છે. એચએચટીના કારણે ભૌતિક પેપર ચાર્ટ સિસ્ટમ સંપૂર્ણ પણે બંધ કરી દેવાઈ છે. તેનાથી ટિકિટ ચેકિંગનું સંપૂર્ણ કામ પેપર લેસ થઈ જશે.
એચએચટીના ઉપયોગથી પહેલા આરએસી પ્રવાસીઓને બર્થની ફાળવણી માત્ર રિઝર્વેશન ચાર્ટમાં આપેલા ક્રમ અનુસાર કરવામાં આવતી હતી. અને ખાલી બર્થ આરએસી પ્રવાસીઓને સિવાયના અન્ય પ્રવાસીઓને ફાળવી શકાતા ન હતા. એચએચટીના કારણે એક અઠવાડિયામાં 21453 આરએસી પ્રવાસીઓને બર્થની ફાળવણી કરાઈ છે. તેમજ ટ્રેનમાં પ્રવાસીઓને બર્થની ફાળવણી કરાયા બાદ ખાલી બર્થ પોતાની રીતે આગળના સ્ટેશન પર સ્થાનાંતરીત થઈ જશે. ત્યાંથી પ્રવાસીઓ આ ખાલી બર્થનો ઉપયોગ કરી શકશે.
એક અઠવાડિયામાં એચએચટીથી આગળના સ્ટેશન પર 21222 બર્થ રીલીઝ કરાઈ છે. ટિકિટ રિફંડ કરવાના બનાવમાં પ્રવાસીએ યાત્રા કરી હતી કે નહીં તે માટે પહેલા ભૌતિક પેપર ચાર્ટને વેરીફાઈ કરવાની જરૂરત રહેતી હતી. તેના કારણે રિફંડમાં એક મહિનાનો સમય લાગી જતો હતો. હવે એચએચટીના કારણે માત્ર 2-3 દિવસમાં રિફંડ મળી જાય છે. એચએચટી પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા અને કોઈ પણ ટ્રેનમાં ઉપલબ્ધ બર્થની સંખ્યા બાબતે વાસ્તવિક સમયની માહિતી આપે છે. તેવી જ રીતે ભૌતિક ચાર્ટની પ્રિન્ટિંગ બંધ થઈ ગઈ છે. તેનાખી કાગળની બચત થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે.