આણંદ : આણંદ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલા પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના 2 હજારથી વધુ અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદની 7 બેઠકો ઉપર 5મી ડીસેમ્બરના રોજ મતદાન યોજાશે. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન ચૂંટણીલક્ષી કાર્ય સાથે જોડાયેલા જિલ્લાના સાતેય મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન સરદાર વલ્લભભાઇ પટેલ હાઈસ્કુલ ખાતે યોજાયું હતું.
આ પોસ્ટલ બેલેટથી મતદાનમાં જિલ્લાના તમામ મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોસ્ટલ બેલેટથી મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી. લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા જિલ્લાના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓએ મળી પોસ્ટલ બેલેટથી ખુબ જ ઉત્સાહભેર મતદાન કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.
ક્યા કેટલા અધિકારી-કર્મચારીએ મતદાન કર્યું?
આણંદના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના 3015 અધિકારી-કર્મચારીઓ પૈકી 2377 અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી. સાતેય મતદાર વિભાગના અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કરેલા મતદાન પૈકી ખંભાત મતદાર વિભાગના 549 પૈકી 454, બોરસદ મતદાર વિભાગના 858 પૈકી 688, આંકલાવ મતદાર વિભાગના 228 પૈકી 194, ઉમરેઠ મતદાર વિભાગના 460 પૈકી 360, આંણંદ મતદાર વિભાગના 308 પૈકી 250, પેટલાદ મતદાર વિભાગના 159 પૈકી 126 અને સોજીત્રા મતદાર વિભાગના 453 પૈકી 305 અધિકારી-કર્મીએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.