મંગળવારે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. કારણકે હજી પણ જમીનની નીચે અનેક મકાનો દટાયા છે. જેમને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ સતત કામ કરી રહી છે. અનેક લાશો પાણીમાં વહી રહી છે. રેસ્ક્યૂ ટીમનું કહેવું છે કે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ મારી રહી છે.
વાયનાડમાં મંગળવારે બનેલી ગોઝારી ઘટના બાદ હજી પણ અનેક લોકો લાપતા છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુંડક્કાઈમાં રેસ્ક્યુ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાંની ટીમનું કહેવું છે કે ભૂસ્ખલનમાં ઉખડી ગયેલા વિશાળ વૃક્ષોને દૂર કરવા માટે ભારે મશીનરીની જરૂર છે. આ ઝાડ નીચે ઘણા ઘરો તેમજ અનેક લોકો દટાયેલા છે. વાયનાડ જિલ્લામાં આપત્તિગ્રસ્ત મુંડક્કાઈમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન વચ્ચે બચાવ કાર્યકરોનું કહેવું છે કે ભૂસ્ખલનમાં ઉખડી ગયેલા વિશાળ વૃક્ષો નીચે હજી પણ અનેક ઘરો દટાયેલા છે.
એક બચાવકર્મીના જણાવ્યા અનુસાર અમે એક મકાનની છત પર ઉભા છીએ જે જમીન નીચે ધસી ગયું છે અને નીચેથી દુર્ગંધ આવી રહી છે જે મૃતદેહોની હાજરી સૂચવે છે. ઈમારત સંપૂર્ણપણે માટી અને ઉખડી ગયેલા વૃક્ષોથી ઢંકાયેલી છે. અભિયાન માટે ઉત્ખનન મશીનો ઉપલબ્ધ છે પરંતુ તે કામ કરવા માટે અપૂરતા છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘મોટા વૃક્ષો હટાવવા અને ધરાશાયી ઈમારતોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે ભારે મશીનરીની જરૂર છે. તો જ અમે સર્ચ ઓપરેશનમાં પ્રગતિ કરી શકીશું.
જણાવી દઈએ કે કેરેલાના વાયનાડમાં ચાર જેટલી જગ્યાઓ પર ભૂસ્ખલન મંગળવારે રાત્રે 2 થી 4:10 વાગ્યાની આસપાસ થયું હતું. આ સમયે લોકો સૂતા હતા, જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી. મુશળધાર વરસાદના કારણે મોટા પાયે ભૂસ્ખલનથી મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝાના ગામો તબાહ થઈ ગયા છે. જ્યાં હજી પણ સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે.