સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એપ્રિલના બીજા સપ્તાહથી શહેરના પીપલોદ વિસ્તારમાં સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કંપનીનો ઘાટ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો થયો છે. દોઢ જ મહિનામાં 100થી વધુ ફરિયાદો સ્માર્ટ મીટર સામે આવતા હવે મજબૂરીવશ કંપનીએ નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અચોક્કસ મુદ્દત માટે અટકાવી દેવી પડી છે. સમગ્ર મામલો સરકાર સમક્ષ પહોંચ્યો છે. સરકાર તરફથી જ્યાં સુધી નિર્દેશ નહીં આવે ત્યાં સુધી કામગીરી બંધ રહેશે. આ સાથે જ સરકારે બીજો એક નિર્ણય પણ લીધો છે. તે અનુસાર હવે સોસાયટીઓમાં 20:5ના રેશિયોથી સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાડવામાં આવશે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગયા એપ્રિલ મહિનામાં સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દોઢ મહિનામાં ડીજીવીસીએલ દ્વારા પીપલોદ વિસ્તારમાં સુમન શેલ, સુમન ઉદય બાદ ઉમરા વિસ્તારમાં નિર્મળ નગર સહિતના વિસ્તારોમાં 11,000 નવા સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવ્યા છે, જેમાં 70 ટકા રહેણાંક મકાનોમાં ફીટ કરાયા છે.
આ મીટરો લગાવાયા બાદ પાછલા દોઢ મહિનામાં અધિકૃત રીતે લેખિતમાં 100 ફરિયાદ વીજકંપનીને મળી છે. જેમાં મોટા ભાગની ફરિયાદ મીટર ફાસ્ટ ફરે છે તેની જ છે. તે ઉપરાંત રિચાર્જ અપડેટ થતું નથી, મોબાઈલ નંબર ખોટો બતાવે છે જેવી ફરિયાદો આવી છે. આ ફરિયાદોને ધ્યાને લઈ વીજકંપની દ્વારા તમામ ફરિયાદોનું એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું છે.
ઉમરાના નિર્મળ નગરમાં પરવાનગી વિના 204 ફ્લેટમાં મીટર ફીટ કરાયા
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ કહે છે કે, ગ્રાહકની પરવાનગી વિના સ્માર્ટ મીટર લગાવાશે નહીં, પરંતુ આશ્ચર્યજનક રીતે ઉમરા વિસ્તારમાં આવેલા નિર્મળનગરના 204 ફ્લેટમાં સોસાયટીના પ્રેસિડેન્ટ કે રહીશોની પરવાનગી વિના વીજ કંપની દ્વારા જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર ફીટ કરાવી દેવાયા હોવાની ફરિયાદ ઉઠી છે.
બંધ મીટરમાં પણ રીડિંગ બતાવે છે: વિશાલ સોલંકી, ગ્રાહક
ઉમરાના નિર્મળનગરમાં રહેતા વિશાલ સોલંકીના ઘરમાં સ્માર્ટ મીટર ફીટ કરાયું છે. બે મહિનાનું 1500 બિલ આવતું હતું. 6 થી 15 મે સુધીમાં 900 રૂપિયાની વીજળી વપરાઈ ગઈ છે. મારા ઘરમાં એસી નથી. છતાં આટલું બધું બિલ આવે છે. વળી, અમારી પરવાનગી વિના અમારા નિર્મળનગરમાં નવા સ્માર્ટ મીટર નાંખવામાં આવ્યા છે. અમારી સાથે ખોટું થયું છે. અમે જૂના મીટર ફરી લગાડવા માંગ કરી છે. ઉચ્ચ અધિકારીઓએ અમારી સમસ્યાનો ઉકેલ લાવી આપવા અઠવાડિયાનો સમય માંગ્યો છે.
સ્માર્ટ મીટર બુલેટ ટ્રેનની ઝડપે દોડે છે
નિર્મળનગરમાં રહેતા ખુશાલભાઈ સોલંકીને અઠવાડિયામાં ત્રણ વાર 2400, 600 અને 300નું રિચાર્જ કરવું પડ્યું છે. ફરિયાદ થતાં કંપનીએ મીટરનો વીડિયો ઉતારવામાં આવ્યો છે. સોલંકીએ કહ્યું કે, મીટર તો બુલેટ ટ્રેનની જેમ ફૂલસ્પીડમાં દોડે છે. ફરિયાદ કરવામાં આવે તો સ્થાનિક અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળી રહ્યાં નથી.
ઉમરાની ડીજીવીસીએલ કચેરી પર લોકોએ હોબાળો મચાવ્યો
મીટર પાછા કાઢો એવી માંગણી સાથે આજે સવારે નિર્મળનગરના રહીશો ઉમરા ખાતેની ડીજીવીસીએલની કચેરી પર ધસી જઈ હોબાળો મચાવ્યો હતો. રહીશોએ એક જ માંગણી કરી હતી કે સ્માર્ટ મીટર કાઢી ફરી જૂના મીટર ફીટ કરી આપો.
હાલ કોઈનું વીજ કનેકશન નહીં કાપવા અધિકારીઓએ ખાતરી આપી
નિર્મળનગરની ફરિયાદો વધતાં આજે ઉચ્ચ અધિકારીઓ મુલાકાતે પહોંચ્યા હતા. સ્થાનિક રહીશ વિશાલ સોલંકીએ કહ્યું કે, ઉચ્ચ અધિકારીએ સમસ્યાના ઉકેલનું આશ્વસન આપ્યું છે. હાલ રિચાર્જ નહીં કરવા સૂચના આપી છે તેમજ રિચાર્જ નહીં હોવા છતાં હાલ કોઈનું વીજકનેકશન નહીં કપાશે તેવી ખાતરી પણ આપી છે. અધિકારીઓએ અઠવાડિયાનો સમય માંગ્યો છે. અમારી તો એક જ ડિમાન્ડ છે કે સ્માર્ટ લઈ જઈ જૂનું મીટર ફરી ફીટ કરી આપો.
નવા સાથે જૂના મીટર પણ લગાવાશે: જયેશ કેદારિયા, ચીફ એન્જિનિયર
ડીજીવીસીએલના ચીફ એન્જિનિયર જયેશ કેદારિયાએ કહ્યું કે, સરકારની સૂચના અનુસાર હાલમાં દર 20 મીટરે 1 મીટર જૂનું લગાડવામાં આવશે. એટલે કે કોઈ સોસાયટીમાં 100 મકાન છે તો ત્યાં 5 જૂના મીટર રહેવા દેવામાં આવશે અને 95 સ્માર્ટ મીટર લગાવાશે. તેથી બંને વીજ મીટરો કેટલી ગતિથી ફરે છે તે ગ્રાહકો જાતે જ ચેક કરી શકે.