આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી, પકોડા, વડાપાઉં, પિત્ઝા, બર્ગર વગેરેને જોખમી ખાદ્યપદાર્થ જાહેર કરી જયાં વેચાણ થતું હોય ત્યાં કયો ખાદ્ય પદાર્થ કેટલો હાનિકારક છે, તેવા સ્ટીકરો કે બોર્ડ લગાવવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. વાત સાચી છે અને આવકાર્ય છે. જે રીતે સિગારેટ પીવી હાનિકારકની સૂચના કે બોર્ડ હોય છે, તેમ ખાદ્ય પદાર્થો માટે પણ બોર્ડ લગાવવાનાં રહેશે. આવા ખાદ્ય પદાર્થો ખાવા પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો, માત્ર ચેતવણી છે. એટલે સિગારેટ પીનારાને સિગારેટ જ દેખાય છે, બોક્ષ પરનું ચિત્ર કે સુચના દેખાતાં નથી તેવી જ રીતે જેને બહારનું ખાવાની આદત પડી ગઇ છે તેને એવાં બોર્ડ દેખાવાના નથી.
આ ખાદ્ય પદાર્થોએ લોકોને એવી લત લગાડી છે કે તેમને કંઇક કહીએ તો એવો જવાબ આપે કે મને તો કંઇ ના થાય, નાં ખાનારા અમર નથી થઇ જવાનાં અને ખાનારા મરી નથી જવાના. દારૂ પીવા પર પ્રતિબંધ છે છતાં દારૂ પીવાય છે, તો આતો માત્ર ચેતવણી છે. જે બહારનું નથી ખાતા તે નથી જ ખાતા, જેમનો પોતાની જાત પર કાબુ છે તેને કોઈ સૂચના આપવી પડતી નથી. પરંતુ આપણામાં કહેવત છે કે ‘પડી પટોળે ભાત’ પટોળુ ફાટે પણ ભાત ના જાય. આવા લોકોને મરણ પહેલાંની અંતિમ ઈચ્છા પુછવામાં આવે તો સમોસા ખાવાની ઇચ્છા બતાવે.
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.