Vadodara

જીઈબીના સિક્યુરિટી સ્ટાફને બે માસનો પગાર ન ચૂકવાતા રોષ

વડોદરા : મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ચાલતા પાયોનિયર સિક્યુરિટી કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા સિક્યુરિટીના એક્સ આર્મી મેન કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર તથા પીએફ જમા નહીં થતા સિક્યુરિટીના જવાનોએ ગોત્રી જીઈબી સર્કલની કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમજ વહેલી તકે પગાર ચૂકવામાં નહીં આવે તો ભુખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની માં પાયોનીયર સિક્યોરિટી કંપનીનો કોન્ટ્રાક ચાલી રહ્યો છે.

જેમાં કામ કરતા નિવૃત્ત આર્મીમેન સહિતના 110 જેટલા સિક્યુરિટીના જવાનોને છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા પગારની ચુકવણી તેમજ પીએફ ના નાણાં જમા નહી થતા ગત તારીખ 27મીના રોજ અધિકારીને આવેદનપત્ર પાઠવી પગાર અને પીએફ પ્રશ્ને રજૂઆત કરી હતી.અને વહેલી તકે તેનો નિવેડો નહીં આવે તો તારીખ 1લી ઓકટોબરથી આંદોલન કરવા જણાવ્યું હતું.જોકે માંગ નહીં સ્વીકારાતા સામાજીક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં સિક્યુરિટીના કર્મચારીઓએ ગોત્રી સર્કલ જીઈબી ઓફિસ ખાતે દેખાવ કર્યા હતા. આ અંગે એક્સ સર્વિસ મેન અનિલભાઈએ જણાવ્યું હતું કે જીઈબીમાં પાયોનીયર સિક્યોરિટી કંપનીનો કોન્ટ્રાક્ટ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે.અમે 27મી સપ્ટેમ્બરે ગોત્રી સર્કલ ઓફિસ ખાતે એસી અધિકારીને મળ્યા હતા.

અને તેમણે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં પગાર થઈ જશે અને લેખિતમાં આપ્યું હતું કે 30 તારીખ સુધીમાં પગાર નહીં થાય તો તારીખ 1 લીથી આંદોલન કરીશું.પરંતુ આજદિન સુધી ત્રણ મહિના થઇ ગયા છતાં અમારો પગાર થયો નથી.અને પીએફ આજદિન સુધી કોન્ટ્રાક્ટરે જમા કર્યું નથી.કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ તો તમારી ઓફિસે જાણ કરો અને ઓફિસે જાણ કરીએ તો કોન્ટ્રાકટરને મળવાનું કહી રહ્યા છે.ઇસકી ટોપી ઉસકે સર જેવો ઘાટ સર્જાયો છે.હાલમાં ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે.મકાનના ભાડા ભરવામાં પણ તકલીફ પડી
રહી છે. 2018 થી 2020 સુધી પગારમાં પણ વધારો કરવામાં આવ્યો નથી.કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે.જો વહેલી તકે પગાર નહીં ચૂકવવામાં આવે તો ગોત્રી સર્કલ ઓફિસ ખાતે અમે 110 જેટલા સિક્યુરિટીના કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેસીશું તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top