સુરત: સુરત મનપાની સાથે સાથે આજુબાજુના વિસ્તારના ડેવલપમેન્ટ માટે મહત્ત્વના એવા આઉટર રિંગ રોડનું કામ પણ ઝડપભેર આગળ વધી રહ્યું છે. આઉટર રિંગ રોડનો સમગ્ર પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. રોડનું કામ 45 ટકા પૂર્ણ થઇ ગયું છે. ત્યારે સુડા ઉપરાંત સુરત મનપા વિસ્તારમાંથી પસાર થતા આઉટર રિંગ રોડ પર સરોલી બ્રિજથી વરિયાવ પ્રથમ ખાડી બ્રિજ સુધીના 90 મીટર પહોળાઇ અને 4.85 કિ.મી. લંબાઇમાં આઉટર રિંગ રોડ બનાવવા માટે રૂ. 45.52 કરોડનું ટેન્ડર સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું. જેને સ્થાયી સમિતિમાં દફતરે કરી દેવાયું છે અને આઉટર રિંગ રોડ સીસી રોડનો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- 90 મીટર પહોળો અને 4.85 કી.મી. લંબાઇના આ રીંગરોડ માટે 45.52 કરોડનું ટેન્ડર દફતરે કરાયું
- હવે સી.સી.રોડ માટે ટુંકી મુદતનું ટેન્ડર બહાર પાડવા આદેશ : ખર્ચમાં 100 કરોડના વધારાની શકયતા
- શહેરમાં તમામ મોટા રોડ તબક્કાવાર સી.સી.રોડ બનાવાશે : સ્થાયી સમિતિ ચેરમેન
આજે સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના તમામ મોટા રસ્તા સી.સી. રોડ બનાવાઇ રહ્યા છે. તેમજ હાલમાં પેટ્રોલિયમ કેમિકલના ભાવે વધતા સી.સી.રોડ અને ડામર રોડ વચ્ચે ખર્ચમાં જે તફાવત છે તે તેના આયુષ્યની સરખામણી કરતા ડામર રોડ ઉલ્ટાનો મોંઘો પડે છે. તેથી હવે મોટા રોડ સી.સી. રોડ જ બનાવવાનું આયોજન હોવાથી આ આઉટર રિંગ રોડને પણ સી.સી.રોડ બનાવવા માટે ટુંકી મુદ્તનું ટેન્ડર મંગાવી પ્રોજેકટ હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઉટર રિંગ રોડનો સુરત મનપામાં સમાવિષ્ટ ટી.પી. પૈકીના વિસ્તાર સરોલી બ્રિજથી વરિયાવ ખાડી સુધીના રોડને 42 મીટર રોડની પહોળાઇમાં બનાવાશે, જેમાં 12 મીટર પહોળા વચ્ચેના ભાગને બીઆરટીએસ માટે રિઝર્વ રાખી તેની બંને બાજુ 11 મીટરના રોડ તેમજ તેની જરૂરી સ્ટ્રીટ લાઇટ તેમજ સ્ટ્રોમ વોટર નેટવર્ક નાંખવામાં આવશે. આ રોડની આસપાસનો રહેણાક અને કોમર્શિયલ વિસ્તાર ડેવલપ થતાં ભવિષ્યમાં ટ્રાફિકની સરળતા રહેશે અને સાથે આઉટર રિંગ રોડની કનેક્ટિવિટી પૂર્ણ થશે.