આણંદ : પેટલાદ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવે છે. જે માટે રહિશોએ પાલિકાને વારંવાર રજૂઆત કરી હોવા છતા સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહતો. જેથી બુધવારના રોજ મલાવ ભાગોળ વિસ્તારના રહિશોએ પાલિકા ખાતે હલ્લાબોલ કરી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. બીજી તરફ આ વિસ્તારોમાં ઘરે ઘરે માંદગી જોવા મળી રહી છે. અહીં ઝાડા-ઉલ્ટી, તાવ અને ટાઈફોઈડના અસંખ્ય કેસ નોંધાયા છે. આમ છતા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓના પેટનું પાણી પણ હાલતુ નહી હોવાથી રોષ ભડક્યો છે.
પેટલાદ નગરપાલિકામાં બુધવારના રોજ મલાવ ભાગોળ વિસ્તારના લોકોએ હલ્લાબોલ મચાવ્યો હતો. આ વિસ્તારના સ્થાનિક રહિશોએ પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતુ કે, મલાવ ભાગોળના નવાકુવા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી દૂષિત આવે છે. આ રહિશોએ પાલિકાને અવાર નવાર રજૂઆત કરી હતી. પરંતુ રહિશોની ફરિયાદ ધ્યાને લેવાતી ન હતી. છેલ્લા પંદર દિવસ દરમિયાન આ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી, તાવ, ટાઈફોઈડ જેવો રોગચાળો ઘેરઘેર ફાટી નીકળ્યો છે.
આ રહિશોએ વધુમાં જણાવ્યું હતુ કે, બે-ત્રણ દિવસમાં દૂષિત પાણી આવતુ બંધ નહીં થાય તો પાલિકા પાસે અમે ગાંધી ચીધ્યા માર્ગે આદોલન કરીશું. પેટલાદ સિવિલના ઈ.ચા આરએમઓએ જણાવ્યું હતુ કે, પેટલાદ સિવિલમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જુદા જુદા તાવના 32 કેસ નોધાતા તેઓએ સારવાર લીધી છે. આ ઉપરાંત આ સમય દરમિયાન ઝાડા-ઉલ્ટીના 20 તથા ટાઈફોઈડના 7 કેસ દાખલ થયા હતા.
પેટલાદમાં ડેન્ગ્યુ કેસ મળતાં ફફડાટ ફેલાયો
પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાં પીવાના પાણી અંગેની ફરીયાદો ઉઠવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં રેતી, માટી ઉપરાંત દૂષીત પાણી આવતુ હોવાની ફરિયાદો વારીગૃહના ચોપડે નોંધાઈ છે. જેથી શહેરના કેટલાક વિસ્તારો પાણીજન્ય રોગોથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત સિવિલમાં ડેન્ગ્યુ પોઝિટીવનો એક કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે. શહેરમા ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, વાયરલ ફિવર ઉપરાંત ડેન્ગ્યુની એન્ટ્રી થતા રહિશો રોગચાળાથી ભયભીત થયા હોવાનુ જાણવા મળે છે.
ફરિયાદ મળતાં જ ક્લોરિનેશનની કામગીરી હાથ ધરી છે ઃ ચીફ આેફિસર
આ અંગે ચીફ ઓફિસર સંજય રામાનુજે જણાવ્યું હતુ કે, શહેરના મલાવ ભાગોળ, રોહિતવાસ, તાઈવાડ વગેરે વિસ્તારોમાં દૂષિત પાણી આવવાથી ટાઈફોઈડના કેસ નોંધાયા હોવાની ફરિયાદ અમોને મળી છે. જેના અનુસંધાનમાં સવારથી ક્લોરિનેશન તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અર્બન હેલ્થ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
અધિકારીઓ પાસે પાણીનું સમયસર ટેસ્ટિંગ કરવાની ફુરસદ નહી હોવાનો સૂર
આશરે 55 હજારની વસ્તી ધરાવતા શહેરના લોકોને 11,118 કનેક્શન દ્વારા દૈનિક એક કરોડ લીટર પાણી પુરવઠો પાલિકા દ્વારા પુરો પાડવામાં આવે છે. આ માટે પાલિકા પાસે 5 ટાંકી, 14 બોરની વ્યવસ્થા ઉપલબ્ધ છે. પીવાના પાણીની સુવિધા માટે પાલિકાનું વારીગૃહ વિભાગ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ વિજબીલ અને મેઈન્ટેનન્શ પાછળ કરે છે. પરંતુ પાલિકાના સત્તાધીશો કે વારીગૃહના અધિકારીઓ પાસે પાણીનું સમયસર ટેસ્ટિંગ કરવાની ફુરસદ નહી હોવાની ચોકાવનારી વિગત બહાર આવી હતી. ત્રણ – ત્રણ વર્ષ સુધી પાલિકા દ્વારા પીવાના પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું જ ન હતુ. ત્રણ વર્ષ બાદ તાજેતરમાં પાણીના ટેસ્ટિંગ કરાવ્યા તો સબ સલામતની વાતો અધિકારીઓ અને સત્તાધીશો કરી રહ્યા હોવાની વાત ચર્ચાસ્પદ છે.