બેંકમાં દોરીથી બાંધેલી પેન … પાણીની પરબ પર સાંકળથી બાંધેલો ગ્લાસ… મંદિરના પગથિયે બુટ ચપ્પલ રાખવાનાં લોકરો.. બે ચાર હજારનું પાકિટ મૂળ માલિકને પરત કરતા સમાચારો અખબારોમાં ચમકે… ત્યારે ખબર પડે કે પ્રજા તરીકેનું આપણું ચારિત્ર્ય કેવું છે.. દીકરા બનીને વોટ માંગતો નેતા, વોટ મળ્યા પછી બાપ બની જતો હોય છે. રોડ -રસ્તા પર પ્રજા માટે સીસીટીવી કેમેરા ગોઠવાય છે એવી રીતે દરેક નેતાઓ પર અને સરકારી દફતરોમા કેમેરા ગોઠવાય તો..? જોકે આપણાં વડાપ્રધાન એટલાં પ્રમાણિક છે કે હમણાં દ્રારકામાં સ્કુબા ડાઈવિંગ કર્યું તો સમુદ્રની અંદર પણ કેમેરા લઈને ગયેલા.. મંદિરોનાં ગર્ભગૃહમાં જ્યાં પુજારી સિવાય કોઈને જવાની છુટ નથી હોતી ત્યાં પણ વડાપ્રધાનનાં કેમેરામેનને જવાની છુટ હોય છે..
આમ તો વડાપ્રધાન પોતાની બધી ગતિવિધિઓ પ્રજા હિતમાં કેમેરામાં કંડારાય એવી ઈચ્છા ધરાવતા હોય છે.. અપ્રમાણિકતા, વચન ભ્રષ્ટતા, ભ્રષ્ટાચાર, પૈસો જ મારો પરમેશ્વર ઈત્યાદિ (અવ) ગુણો હવે આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય બની ગયું છે.. નિખાલસતા અને પ્રમાણિકતા બંને સગી બહેનો છે.. જે નિખાલસ હશે એ પ્રમાણિક પણ હશે અને જે પ્રમાણિક હશે એ નિખાલસ પણ હશે.. “દંભ” ને નિખાલસતા અને પ્રમાણિકતા સાથે બાપનાં માર્યા વેર હોય છે.. દંભી માણસ એવું માને છે કે, સત્ય મારી પડખે છે, જ્યારે પ્રમાણિક માણસ એવું માને છે કે, હું સત્યના પડખે છું.. પ્રમાણિક માણસનું એક પ્રમુખ લક્ષણ જાણી રાખવા જેવું છે.. “તેઓ ક્યારેય બડાશ નહીં મારે”
સુરત – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
લોભિયાઓ જાગો
દર બે વર્ષે કોમ્પ્યુટર પર ટાઈપ કરી 15 થી 20 હજાર કમાવો (માસિક) કેટલીક બેરોજગાર, બેકાર ઉમેદવારો આવી જાહેરાતોથી ભરમાવાનું ગમે છે. કારણ સ્પષ્ટ છે તેઓને કામની જરૂર હોય છે. ઉમેદવારોએ અરજી સાથે અમુક રકમની ડીપોઝીટ મૂકવી પડે છે ત્યાં ગયા તેઓને જાણ કરવામાં આવે છે. હવે છેતરપિંડી શરૂ થાય છે. ડીપોઝીટ પરત કરવાની શરતો પાછળથી મગાવવામાં આવે છે. ઉમેદવારો ટાઈપીંગમાં ભૂલો કરે, તે ભૂલો પ્રમાણે આપણી ડીપોઝીટમાંથી કાતરવાનું શરૂ કરી ઝીરો કરી નાંખવામાં આવે છે, લોભિયાઓ જાગો.
અડાજણ – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.