ભારતના 80 જેવા માછીમારોને 2020માં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડોએ દરિયામાંથી પકડયા હતા. એ બધાને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. છેક ત્રણ વર્ષ પછી એ માછીમારોને પાકિસ્તાને છોડયા છે અને તે સૈ ભારત આવી ગયા છે. દરિયામાં કોઇ દિવાલ નથી કે માછીમારોને ખબર પડે કે આ દરિયો ભારતનો છે અને પેલો દરિયો પાકિસ્તાનનો છે. બે પાંચ કિલોમીટર દરિયામાં માછીમારો આગળ ધપીને પાકિસ્તાનની દરિયાઇ સીમામાં માત્ર ભુલથી પ્રવેશી જાય એટલે ટાંપનીને બેઠેલા પાકિસ્તાની બોટવાળા એમને ઉપાડી જતા હોય છે.
પાકિસ્તાનવાળા આપણા માછીમારોને શંકાની નજરે જુએ છે અને એમને જાસૂસતરીકે ગણીને જેલમાન ધકેલી દે છે. બીચારા માછીમારો જે પોતાની આજીવિકા માટે મછલા પકડવા દરિયાની જોખમી સફર ખેડતા હોય છે એમને પકડીને પાકિસ્તાન ભેગા કરવાની જૂની ચાલ પાકિસ્તાન ભૂલ્યું નથી. ધારો કે પાકિસ્તાન, ભારતના માછીમારોને દરિયામાંથી પકડી પાડીને પાકિસ્તાનમાં લઇ જાય એની સામે પણ વાંધો ના હોય. પણ એમને ત્રણ ત્રણ વર્ષ ગોંધી રાખીને માનસિક ત્રાસ આપવાનો કોઇ અર્થ ખરો કે?? જે માછીમારો પકડાય છે એમના પરિવારજનોની હાલત કેવી થતી હશે, એનો વિચાર પાકિસ્તાની હાકેમો કેમ કરતા નહિ હોય??
જાસૂસો અને સામાન્ય માછીમારો વચ્ચેનો ભેદ પાકિસ્તાનના સત્તાવાળાઓ કેમ જાણવા માગતા નથી?? માછીમારો ભારતના જાસૂસો જ છે એવી આશંકામાંથી પાકિસ્તાનીઓ કયારે મુકત થશે?? હજુએ પણ કેટલાક માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડે છે. કેટલાક તો ત્યાં મરી પણ જાય છે. આવી નિર્દોષ માછીમારોને હેરાન કરતી પાકિસ્તાનની ચેષ્ટાઓનો અંત લાવવા માટે ભારત સરકારે પાકિસ્તાન સાથે કોઇક ચોક્કસ નીતિ બનાવવી જ રહી. ભારતના અને ખાસ કરીને ગુજરાતના માછીમારોએ પણ પાકિસ્તાનની દરિયાઇ જળ સીમાથી પચીસ પચાસ કિલોમીટર દૂર રહીને જ આપણી જળ સીમામાન જ માછીમારી કરવી જોઇએ.થોડાક ઓછા માછલા પકડાશે તો ચાલશે પણ પાકિસ્તાનીઓના હાથે પકડાઇને ખોટી યાતના શા માટે ભોગવવી?
સુરત – બાબુભાઇ નાઇ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.