Comments

પતનની ગર્તામાં ધકેલાયું આપણું અર્થતંત્ર

હજી ચાર વર્ષ અગાઉ સુધી ભારત સરકાર ‘સૌથી ઝડપથી વૃધ્ધિ પામતું અર્થતંત્ર એવો શબ્દસમૂહ વાપરતી હતી. વડા પ્રધાન એક શબ્દસમૂહ વારંવાર ઉચ્ચારતા! ‘વૈશ્વિક અર્થતંત્રમાં ચમકતું એક તેજસ્વી બિંદુ.’ આ શબ્દસમૂહ તેમણે તા.8 મી નવેમ્બર, 2016 ના સાંજે આઠ વાગ્યા સુધી વાપર્યો અને તે પણ નોટબંધી વિશે પ્રવચન કર્યું તેમાં. ત્યાર પછી આપણે ‘સૌથી ઝડપથી વૃધ્ધિ અર્થતંત્ર’ અને વૈશ્વિક અર્થતંત્રમાં એક તેજસ્વી બિંદુ’ જેવા શબ્દપ્રયોગો કે અર્થતંત્રની વૃધ્ધિ વિશે ઝાઝું સાંભળ્યું નથી.

અર્થતંત્ર વિશે ઝાઝી વાત જ નથી થતી. છેલ્લાં ચાર વર્ષથી નહીંવત્ વાતો અર્થતંત્ર વિશે થાય છે. ભારતનું અર્થતંત્ર મુશ્કેલીમાં મૂકાઇ ગયું છે. એવું લાગ્યું કે બડાશ બંધ થઇ ગઇ. હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ભારતનું અર્થતંત્ર ખતમ થઇ ગયું છે ત્યારે આપણે એના વિશે વાત કરવાનું જ બંધ કરી દીધું છે. અલબત્ત, સરકાર કંઇ વાત નથી કરતી એનો અર્થ એ નથી કે સમસ્યા હયાત નથી. સમસ્યા છે જ અને આપણે સમજવાની કોશિશ કરવી જોઇએ કે ભારતને શું થયું છે.

સરકારી માહિતી પ્રમાણે આપણી આર્થિક વૃધ્ધિ 2018 ના જાન્યુઆરી પહેલાંથી તીવ્ર રીતે તૂટવા માંડી હતી. આપણે કારણોની અટકળ કરવાની જરૂર નથી, પણ અહીંથી આપણા અર્થતંત્રની એવી અવનતિ થઇ કે આપણે તેને બહાર કાઢી નહીં શકયા. 2018, 2019 અને 2020 ના ચારે ત્રિમાસિક ગાળાઓમાં આપણું પતન થતું રહ્યું. આ કોવિડ મહામારી પહેલાં હતું અને રાષ્ટ્રીય લોકડાઉન સમયે જાહેર કરવામાં આવ્યું કે આપણી વૃધ્ધિ સદંતર અટકી ગઇ છે.

આપણા અર્થતંત્રનો કેમ અંત:સ્ફોટ થયો તે આપણને સરકારે કહ્યું નથી. વડા પ્રધાને આ વિષય પર બોલવાનું બંધ કરી દીધું એટલું જ.દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના પતિ પર કલા પ્રભાકરે ‘ધ હિંદુ’ અખબારમાં અર્થતંત્રની આકારણી કરતાં લખ્યું છે કે દેશમાં આર્થિક મંદી વિશે ચિંતાનું વાતાવરણ છે. સરકાર હજી ઇન્કાર કર્યે રાખે છે, પણ અવિરત રીતે જાહેરમાં બહાર આવતી માહિતી એવું બતાવે છે કે એક પછી એક ક્ષેત્ર પડકારરૂપ પરિસ્થિતિ સામે ડઘાઇને જોઇ રહ્યા છે. ખાનગી ઉપભોગ ઘટયો છે અને તે 18 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચો- 3.1% રહ્યો છે. ગ્રામીણ ઉપભોગનું પ્રમાણ શહેરી ઉપભોગના પ્રમાણ કરતાં બમણું ઘટયું છે. સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો દ્વારા લેવાતું ધિરાણ બંધિયાર થઇ ગયું છે અને ચોખ્ખી નિકાસમાં ભાગ્યે જ કંઇ વધારો થયો છે. એકંદર ઘરેલુ પેદાશ છ વર્ષમાં સૌથી નીચી રહી છે અને 2020 ના નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં આ વૃધ્ધિ માત્ર પાંચ ટકા રહી છે અને બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધુ છે. અર્થતંત્રને શું બીમારી છે તેની પોતાને ખબર છે એવા સંકેત સરકારે હજી આપવાના બાકી છે. પડકાર ઝીલવા માટે સરકાર પાસે કોઇ વ્યૂહાત્મક દૃષ્ટિ છે એવું માનવાને ભાગ્યે જ કંઇ પુરાવા મળ્યા છે.

આ વાત 20 મહિના પહેલાંની છે અને મહામારી પહેલાંની છે અને 2020 ની મંદી અને કોવિડના બીજા મોજા પહેલાંની છે. ગત એપ્રિલમાં પૂરા થયેલા ગત નાણાંકીય વર્ષમાં શું પરિસ્થિતિ હતી તેનું વર્ણન મને આ સપ્તાહે મળેલા એક બિઝનેસ ન્યૂઝ લેટરમાંથી મળ્યું છે.

ઉપભોકતાનો ખર્ચ 9% ઘટયો છે અને રોકાણ 10% થી વધુ ઘટયું છે. ઉત્પાદન, સેવાઓ અને બાંધકામે 8%ના વ્યાપમાં મૂલ્ય ગુમાવ્યું છે. ગત નાણાંકીય વર્ષમાં એ થયું હતું કે આપણે ભૂતકાળમાં પાછા ગયા હતા. આપણું અર્થતંત્ર નબળું પડયું અને આપણે વૃધ્ધિ પામતાં અટકી ગયાં. આપણે પારોઠનાં પગલાં ભરવા માંડયાં. બાકીના વિશ્વમાં વૃધ્ધિ થવા માંડી અને આપણે પાછળ રહી ગયા. આજે સરેરાશ ભારતીય વધુ ગરીબ છે તેનું કારણ આગલા 48 મહિનાઓમાં શોધવાનું છે. એપ્રિલ-2021 સુધીમાં ઉત્પાદન, વેપાર, પરિવહન અને સંદેશવ્યવહાર 2018 ના સ્તરે નીચે પહોંચી ગયો હતો. વૃધ્ધિના ત્રણ વર્ષ ગુમાવ્યાં. બાંધકામે બે વર્ષ ગુમાવ્યાં.

સીમેન્ટ, રિફાઇનરીઓ અને સ્ટીલ જેવા મહત્ત્વના ઉદ્યોગોનું ઉત્પાદન માર્ચ, 2017 જેટલું જ રહ્યું. બાકીના વિશ્વે ઉત્પાદન વધારે કર્યું અને આપણે ચાર વર્ષ ગુમાવ્યાં.કાર સહિતનાં પેસેંજર વાહનોનું વેચાણ 2016 ના સ્તરે પહોંચતાં પાંચ વર્ષની ખોટ ગઇ છે. આ વિચિત્ર વિરોધાભાસ નથી. ઓટો ક્ષેત્રને અત્યાર સુધીમાં વર્ષોથી હથોડા મારવામાં આવ્યા છે અને હવે સ્પષ્ટ થઇ ગયું છે કે મધ્યમ વર્ગ વૃધ્ધિ પામતો અટકી ગયો છે. ટ્રક જેવાં વેપારી વાહનો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે જે નીચલા સ્તરે હતાં ત્યાં આવીને અટકી ગયાં છે. આ કંઇ નવી વાત છે? ના, જાહેર વાત છે અને જે તે ક્ષેત્રનો હિસ્સો હોય તેવા તમામ લોકોને ખબર છે. હા, ‘મનકી બાત’માં આ વાત નહીં થઇ હોવાથી આપણાં લોકોમાંથી કેટલાંકને ખબર નથી.

ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહે ગયા વર્ષે એક મુલાકાતમાં કહ્યું હતું કે સમસ્યા છે એવો તમે સ્વીકાર જ ન કરો તો તમે તેનો ઉકેલ કાઢવાની શરૂઆત નહીં કરો. આથી જ આપણે સમસ્યાનો ઉકેલ નહીં કાઢીએ. આપણે આર્થિક ક્ષેત્રે નિષ્ફળ ગયાં છીએ એવું કહેવામાં ભારતના નેતાને ઘમંડ વચ્ચે આવે છે. તેમના પ્રધાનોમાં પણ કહેવાની હિંમત નથી. ભારતીઓ તે સમયે ગરીબ થઇ રહ્યાં છે. જયારે આપણી સંપત્તિની જમાવટ થોડાં લોકોમાં થઇ રહી છે. એશિયાના બે સૌથી તવંગર માણસે ભારત કરતાં છ ગણું અર્થતંત્ર ધરાવે છે અને તેઓ ચીનના નથી, તેઓ ગુજરાતી છે, જેઓ ભારતના ‘વિકાસ મોડેલ’નું પ્રતિનિધિત્વ કરે છે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top