૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું મુખ્ય મૂળ છે સ્વાયત્ત ભારતમાં ૨૬મી જાન્યુઆરીએ ૧૯૫૦ થી અમલી બનેલું બંધારણ. કોઈ પણ દેશનું બંધારણ એટલે દેશની કરોડરજ્જુ. આપણા દેશની કરોડરજ્જુની સંરચનામાં તે સમયના મજબૂત, સર્વહિતેચ્છુ અને અનેક્તામાં એકતાની ભાવના સાથે, સુમેળથી દેશનું સંચાલન કરતા એવા દૂરંદેશી આગેવાનોની ભૂમિકા નોંધપાત્ર હતી.આપણા બંધારણના માર્ગદર્શન થકી આપણા દેશની પ્રગતિને એક વેગ મળ્યો. સર્વને સમાન હક, રંગ, જાતિ,ધર્મ, ભાષાના ભેદભાવ વગર વાણી સ્વાતંત્ર્યની છૂટ સાથે પ્રગતિ કરવાની સમાન તક મળી. ગુલામીમાંથી સ્વતંત્રતાના આનંદને માણવાની તક મળી.
નીતિમત્તા, સર્વ હિતસુખાયની ઉદત્ત ભાવનાનું નિરૂપણ કરીને આઝાદીને માણવાની તક મળી. કાયદાની ભિન્ન ભિન્ન શાખાઓનું પણ મૂળ છે બંધારણ. આપણા વિસ્તૃત બંધારણના ઉચ્ચ હેતુઓને વર્ષોવર્ષ તાજગી આપવા ‘પ્રજાસત્તાક દિન’ તરીકે આ દિવસને આપણે ઉજવીએ છીએ જેથી કરીને લોકો દ્વારા, લોકો માટે, લોકતંત્રની આ સંહિતાને સાચા અર્થમાં સમજી, વિચારીને અમલી બનાવી શકીએ. આ દિવસને મૂલ્યાંકન દિવસ તરીકે પણ જોવો જોઈએ. જેમાં બંધારણની માર્ગદર્શિકાઓની હેતુ અને વાસ્તવિક અમલીકરણ બેઉની સરખામણી થવી જોઈએ જેથી કરીને બંધારણના હેતુઓથી વિપરીત વિસંગતિઓ ઓળખીને તેને નાબૂદ કરી શકાય.
સુરત – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.