Charchapatra

આપણી ઉજવણી કોઈના માટે પજવણી ના બનવી જોઈએ

કોઈકે લખ્યું છે કે, આજ શહર મેં ઇતના સન્નાટા ક્યું હૈ? યકીનન કોઈ ત્યૌહાર હોંગા… ખાસ કરીને ગણેશોત્સવ વખતે વાતાવરણ તંગ અને ઊંચાટભર્યું રહેતું હોય છે. આ વખતે કેટલેક ઠેકાણે કાંકરીચાળો થયો, અને પ્રશાસને ત્વરિત પગલાં ભરી અસામાજિકોને જેર કર્યા.. આ વખતે પણ ગણેશોત્સવમાં ઘણી મૂર્તિઓ ખંડિત થઈ, ક્યાંક આગ લાગી તો ક્યાંક મૂર્તિઓના વિસર્જન વખતે કેટલાક માણસો ડુબ્યા, જેવી દુર્ઘટનાઓ બની.. આપણે કહીએ કે રસ્તાની વચ્ચે મંડપ ન બાંધો, આટલી ઉંચી મૂર્તિઓની સ્થાપના ન કરો, આરતી વખતે ડીજે ન વગાડો, ગણેશ મંડપમાં થતાં કેટલાક દુષણો બંધ કરો, ત્યારે લાગણી દુભાઈ જતી હોય છે, પરંતુ વિસર્જનના બીજા દિવસે રસ્તે રઝળતી, ખંડિત અવસ્થામાં વેરણછેરણ મૂર્તિઓની દુર્દશા જોઈને આપણી લાગણી નથી દુભાતી..

છેલ્લાં થોડાક વર્ષોથી તાપી નદીમાં મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે, જે સારું થયું છે, તો હવે ઊંચા કદની મૂર્તિઓ હજીરા, ડુમસના દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. ધ્યાન રહે, એ દરિયા કાંઠો પણ આપણો જ છે. ઊંચી મૂર્તિઓ પર પ્રતિબંધ છે છતાં એ પ્રજા ગાંઠતી નથી અને તંત્ર ધર્મની વાત હોય આંખ આડા કાન કરી રહી છે. પહેલા કેટલાય દેવદેવીઓની મૂર્તિઓ તાપી નદીમાં પધરાવવામાં આવતી હતી.જેના કારણે આજે જે તાપી નદીની દુર્દશા છે, તે આપણા પાપે થઈ છે.. આપણે જ આપણાં પગ પર કુહાડો મારી રહ્યાં છીએ. તહેવારો આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે.

ઉજવવા જ જોઈએ, પણ આપણી ઉજવણી કોઈના માટે પજવણી ના બને એનું ધ્યાન રખાવું જોઈએ. આપણી ઉજવણીથી પર્યાવરણ પ્રદૂષિત થતું હોય તો તેનો અર્થ એ થાય કે આપણે જે ડાળ પર બેઠાં છીએ એ ડાળ જ કાપી રહ્યા છીએ. આપણાં આજના આનંદ ઉત્સવથી જો પર્યાવરણ બગડતું હોય તો એનો અર્થ એ થાય કે આપણે ભાવિ પેઢીના ભવિષ્યને બગાડી રહ્યાં છીએ. તહેવારો ઉજવવાની પેટર્ન હવે બદલાઈ રહી છે. આસ્થા ઓછી અને દેખાડો વધારે, દર્શન ઓછા અને પ્રદર્શન વધુ દેખાઈ રહ્યાં છે. તહેવારો પેશન માટે છે, ટેન્શન માટે નહીં.
સુરત     – પ્રેમ સુમેસરા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top