એમબીએની ડિગ્રી લઈને અક્ષત ઘરે આવ્યો. કોલેજમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો અને ઘણાં બધાં સપનાંઓ તેની પાસે હતાં.તેની પાસે એક નહીં સ્ટાર્ટઅપ શરૂ કરવાના અનેક આઈડિયા હતા. તેના પપ્પાએ જિંદગીભર એકાઉન્ટન્ટની નોકરી કરી હતી. અક્ષતે પપ્પાને કહ્યું, ‘ પપ્પા, હવે થોડો જ સમય છે. બસ, હું મારું સ્ટાર્ટઅપ શરૂ કરીશ અને મારી કંપની શરૂ કર્યા પછી બસ આપણે બધા એકદમ આરામથી જીવીશું. મારું સ્ટાર્ટઅપ જામી જાય ને એટલે વોલન્ટેરી રિટાયરમેન્ટ લઈ જ લેજો, પછી આપણે બધા સાથે મળીને જીવનની મજા માણીશું.’ એકાઉન્ટન્ટ પપ્પા જિંદગીની આંટીઘૂંટી અને જિંદગીનો હિસાબ બરાબર સમજતા હતા. તેમણે પોતાના ઉત્સાહથી ઉછળતા દીકરા અક્ષતને કહ્યું, ‘દીકરા, બેસ મારી પાસે, આજે આપણે બાપ દીકરો થોડી મેન ટુ મેન વાતો કરીએ. ચાલ, હું પહેલાં કોફી બનાવીને લાવું.’
અક્ષત બોલ્યો, ‘પપ્પા, તમને કોફી બનાવતાં આવડે છે?’ પપ્પાએ કહ્યું, ‘ હા, આપણને આપણી જરૂરિયાતની બધી વસ્તુઓ આવડવી જ જોઈએ. આ જીવનનો સુખી થવાનો પહેલો નિયમ છે.’ ગરમ કોફીના બે મગ લઇ અક્ષત અને તેના પપ્પા વાતો કરવા ગેલેરીમાં બેઠા. એના પપ્પાએ કહ્યું, ‘દીકરા, શું વિચાર્યું છે? અક્ષતે કહ્યું, ‘ પપ્પા, બે ત્રણ આઈડિયા મગજમાં છે. હવે બરાબર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને નક્કી કરીશ કે સૌથી પહેલાં કોની પર કામ શરૂ કરવું છે. એક સ્ટાર્ટઅપ હીટ જાય પછી બીજાની શરૂઆત કરીશ.’
પપ્પા રાજી થયા. અક્ષત આગળ બોલ્યો, ‘ બસ પપ્પા એક સ્ટાર્ટઅપ સેટ કરી દઈશ પછી બધું કામ લોકો સંભાળી લેશે અને હું નવા સ્ટાર્ટ અપ પર કામ કરીશ.’પપ્પા અક્ષતની સપનાંઓભરી વાતો સાંભળી રહ્યા હતા. અક્ષતે કહ્યું, ‘ તમે તો કંઈક કહો પપ્પા.’ પપ્પા બોલ્યા, ‘ દીકરા, સ્ટાર્ટઅપની બાબતમાં મને બહુ સમજ ન પડે પણ હા, હું મેનેજમેન્ટનો મૂળ નિયમ જાણું છું કે નોકરી કરતો માણસ એટલે કે મારા જેવો એકાઉન્ટન્ટ જે કંપનીમાં કામ કરે ને તે કંપનીને પોતાની ગણીને કામ કરે ને તો સફળ થાય અને સ્ટાર્ટ અપ એટલે કે તારા જેવો સીઈઓ ફાઉન્ડર, જે કંપનીનો માલિક હોય તે પોતાની જ કંપનીમાં નાનામાં નાનો નોકર રહીને બધાં કામ કરે ને ત્યારે સફળ થાય.’
અક્ષત પપ્પાની વાત સાંભળી રહ્યો. મેનેજમેન્ટ ન ભણેલા પપ્પાએ જીવનની કિતાબમાંથી, અનુભવની યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટનો મૂળ નિયમ બરાબર પકડ્યો હતો. સફળ થવું હોય તો દરેકે દરેક કામ આપણી જાતે કરવું પડે ત્યારે કંપનીના માલિક હોઈએ. માલિક બનીને બેસી રહેવાથી કંપની સફળ થતી નથી અને જો કંપનીમાં આપણે નોકરી કરતા હોઈએ ત્યારે આપણી પોતાની કંપની છે એમ ગણીને જ કામ કરીશું તો જ સફળ થવાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
