જે પરિવારના દરેક સભ્યો જો રોજ સાથે બેસીને ભોજન કરતા હોય તો તે પરિવારમાં ક્યારેય વિખવાદ ટકતો નથી. ભોજન પૂર્ણ કર્યા બાદ પણ થોડો સમય સાથે બેસીને સંવાદ સાધવો જોઈએ અલક મલકની વાતો તો ખરી જ. બધા થોડા હળવા મુડમાં આવી જાય અને આવા સંબંધો આજીવન ટકે છે ક્યારેય પણ મન ઉંચા કરીને વિખુટા પડતા નથી. ખોરાક માત્ર પેટની ભૂખ સંતોષવા માટે નથી એ એક કનેક્શનની ભુખ સંતોષવા માટે પણ છે. પેટનો ખાલીપો ભરવા માટે અનાજ અને મનનો ખાલીપો ભરવા માટે આનંદથી વિતાવેલો સમય આપણે શું જમીયે છીએ અને કેટલુ જમીએ છીએ એ મહત્વનુ નથી પણ કોની સાથે બેસીને જમીએ છીએ એ મહત્વનું છે. જેમની સાથે ભોજન શેર કરીએ છીએ ક્યારેક પાંચ પકવાન ખાધા પછી પણ આપણે સંતુષ્ટ હોતા નથી. સુખી હોતા નથી તો ક્યારેક મિત્રો સાથે વિતાવેલ આનંદની પળો પણ આપણને સુખ પ્રદાન કરી જાય છે અને એના લીધે આપણે પ્રસન્નતા અનુભવીએ છીએ.
સુરત. – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રજાના સેવકો
અખબારના અહેવાલ અનુસાર એક રાજકારણીએ તેમના સમર્થક કાર્યક્રમ અને મતદારો તેમને જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે તેમને જણાવ્યું કે હું તમારો ગુલામ નથી. તમે વોટ આપ્યો એટલે તમે મારા માલિક બની જતા નથી. તમે મારા દોસ્ત નથી બની ગયા વગેરે… આ વાંચીને મને અચરજ થયું. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ થયા ને 75 વર્ષ થઈ ગયા છે. મને પ્રશ્ન એ થાય છે કે ખરેખર શું આપણે આઝાદ થઈ ગયા છે ખરા? ભ્રષ્ટાચારની ગુલામીમાંથી તો આપણે આઝાદ થયા જ નથી પરંતુ વાણી વિલાસ કે બકવાસ કરનારા નેતાઓના પણ આપણે ગુલામ છે.
પ્રજાના સેવક તો એવા હોવા જોઈએ કે જે પ્રજાની વાત સાંભળીને પ્રજાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવે. આ જ નેતાઓ જ્યારે ચૂંટણી હોય ત્યારે મતદારોને પોતાના ભગવાન ગણે છે. પ્રજાના કામો થતા ન હોય ત્યારે સ્વાભાવિક પણે જે તે વિસ્તારના લોક પ્રતિનિધિ સમક્ષ જ રજૂઆત કરવાની હોય છે. પ્રજાના સેવક તો સ્વપ્નદ્રષ્ટા હોવા જોઈએ. આપણા દેશમાં પ્રજાના સેવક માટે પણ કાયદા કાનૂન તો છે જ છતાં એનું પાલન થતું નથી. ફરજમાં રૂકાવટ, સરકારી સેવક પર હુમલો, ધમકી, સુલેહ શાંતિનો ભંગ, ધાર્મિક લાગણી દુભાવવી. આ બધા ગુનાઓ તો કેટલાક નેતાઓ ગજવામાં લઈને ફરે છે. એઓ ગુનો કરે તો પણ એમને કંઈ થતું નથી. એ પ્રજાની પણ લાચારી છે.
નવસારી -ડો. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.