ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી બાદ હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામનાર સુરતમાં (SURAT) એક જ દિવસમાં બે અંગદાન (ORGAN DONATION)ની ઘટના બની છે. છેલ્લાં 19 દિવસમાં સુરતમાં એક દિવસમાં બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગોના દાનની આ બીજી ઘટના બની છે. વલસાડના 57 વર્ષીય વિરેન્દ્ર દેઢિયાનું હૃદય આસામના 39 વર્ષીય ખેડૂતમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે (HEART TRANSPLANT), જ્યારે સુરતના કતારગામના 40 વર્ષીય યુવાન જમન ગોંડલીયાના બ્રેઈનડેડ (BRAINDEAD)થતાં તેમના અંગોનું દાન કરાયું છે. આ બંને વ્યક્તિઓના અંગદાનથી વડોદરાના 13 વર્ષીય બાળક સહિત 7 લોકોને નવું જીવન મળ્યું છે. બંને મૃતકોના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવુંજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. સુરતથી ચેન્નાઈનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ આસામના રહેવાસી ૩૯ વર્ષીય ખેડૂતમાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.
વલસાડના વેપારીને બ્લડપ્રેશર વધી જતાં બ્રેઈન હેમરેજ થયું
સુરત ડોનેટ લાઈફના (SURAT DONATE LIFE) સૂત્રો અનુસાર વલસાડના તીથલ રોડ ખાતે રહેતા અને સ્ટેશનરી-ઝેરોક્ષની દુકાન ચલાવતા 57 વર્ષીય વિરેન્દ્ર દેઢિયાનું ગઈ તા. 14 સપ્ટેમ્બરની સવારે બ્લડપ્રેશર વધી જતાં બ્રેઈન હેમરેજ થયું હતું. સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જને ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
કતારગામના રત્નકલાકારને જમ્યા બાદ બ્લડપ્રેશર વધી ગયું
કતારગામ ખાતે રહેતા ૪૦ વર્ષીય જમનભાઈ પોપટભાઈ ગોંડલીયા રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓ બુધવાર તા.૧૫ સપ્ટેમ્બરના રોજ સાંજે ૮:૦૦ કલાકે જમીને બેઠા હતા ત્યારે બ્લડપ્રેશર વધી જવાને કારણે બેભાન થઇ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. શુક્રવાર તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ખાનગી હોસ્પીટલના ડોક્ટરોએ વિરેન્દ્રભાઈ અને જમનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બંને મૃતકોના પરિવારજનો અંગદાન માટે તૈયાર થતા તેઓની ૨ કિડની, ૨ લિવર, ૧ હૃદય અને ૨ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું જેનાથી ૭ વ્યક્તિઓને નવુંજીવન મળ્યું હતું.
સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મી.નું અંતર માત્ર 180 મિનીટમાં કાપ્યું
સુરતથી ચેન્નાઈનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હોસ્પીટલમાં આસામના રહેવાસી ૩૯ વર્ષીય ખેડૂતમાં કરવામાં આવ્યું છે. આ યુવક ૨૦૧૯થી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા મહિનામાં તેના હૃદયનું પમ્પીંગ ૫% થી ૧૦% જેટલું થઇ ગયું હતું. દાનમાં મેળવવામાં આવેલા એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભિલોડા, સાબરકાંઠાના રહેવાસી ૪૬ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી ૧૩ વર્ષીય બાળકમાં અમદાવાદની IKDRCમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાના રહેવાસી ૨૯ વર્ષીય યુવકમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. સુરતમાં સૌપ્રથમ વખત કેડેવરિક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે.