આણંદ : આણંદની ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહથી સારવાર લઇ રહેલા 39 વર્ષિય મહિલાને ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કર્યાં હતાં. આથી, તેમના પરિવારજનોએ માનવતાભર્યું પગલું લેતાં તેમના કાર્યરત બે કિડની અને લીવરને દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે ત્રણ વ્યક્તિને નવજીવન મળશે. આ અંગદાનના પગલે લીવરને સુરતની હોસ્પિટલ પહોંચાડવા માટે ખાસ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેના પગલે માત્ર અઢી કલાકમાં જ સુરત ખાતે લીવર પહોંચાડવામાં આવ્યું હતું. નડિયાદ શહેરના રઘુવિર પાર્ક ખાતે રહેતા કેતનભાઈ પટેલ વકિલાતનો વ્યવસાય કરે છે, જ્યારે તેમના પત્ની બિજલબહેન ઉર્ફે વિદ્યાબહેન (ઉ.વ.39) ઘરકામ કરે છે. બિજલબહેન 14મી ફેબ્રુઆરીના રોજ ધો.11માં અભ્યાસ કરતાં તેના પુત્ર પાવનને પરીક્ષા હોવાથી શાળાએ મોકલ્યા બાદ ચા પીધી હતી. દરમિયાનમાં તેમની તબિયત અચાનક બગડી હતી અને ઉલ્ટી જેવું લાગ્યું હતું.
જોકે, ઉલ્ટી ન તાત્કાલિક બેડ પર સુવાડવામાં આવ્યાં હતાં, આ સમયે ખેંચ આવતા તબિયત નાજુક બની હતી. જેથી તુરંત નડિયાદની હોસ્પિટલમાં પ્રથમ લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાંથી જરૂરી રિપોર્ટ કર્યા બાદ આણંદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં એક શસ્ત્રક્રિયા પણ કરવામાં આવી હતી. આમ છતાં તબિયતમાં ખાસ કોઇ સુધારો થયો નહતો. આખરે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બિજલબહેનના પરિવારજનોએ સ્વસ્થતા કેળવી અંગદાન કરવા નિર્ણય જાહેર કર્યો હતો. જેના પગલે તેમને બે કિડની અને એક લીવર જરૂરિયાતમંદ દર્દીઓને આપવાનું નક્કી થયું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને લીવર સુરતની કિરણ હોસ્પિટલને આપવાનું જાહેર કરાયું હતું. આ સમયે ખૂબ જ હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયાં હતાં. સૌથી અગત્યની બાબત એ હતી કે, ફક્ત બેથી અઢી કલાકમાં જ લીવરને સુરત સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઝાયડસ હોસ્પિટલના ડો. ધવલ ગોહિલ, પ્રજ્ઞેશ ગોર, નિરવભાઈ તથા કેતનભાઈના મિત્ર મિનેશભાઈ પટેલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.