SURAT

સુરત શહેરમાં જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાય છે ત્યાં 15 દિવસમાં રિચાર્જ બોરવેલ બનાવવા આદેશ

જૂન મહિનાના પહેલાં પખવાડિયામાં ચોમાસાની સિઝનનો વિધિવત આરંભ થવાની શક્યતા જોવામાં આવી રહી છે ત્યારે શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો, રસ્તા પર ખાડા સહિતની સમસ્યા સર્જાતી હોય છે. તે અંગે સુરત મનપા તંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગ, ઝોનના અધિકારીઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો. દરમિયાન પદાધિકારીઓએ ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર-પેચવર્કની કામગીરી તાકીદે પૂરી કરવાનો આદેશ કર્યો હતો.

સુરત મનપાના વહીવટી તંત્રએ સમીક્ષા બેઠક સાથેની ઔપચારીકતા પૂરી કરી હોય હવે કામગીરી કેટલી અસરકારક થઇ છે. તે માટે ચોમાસાની સિઝન પર મીટ મંડાઈ છે.

મેયર દક્ષેશ માવાણી, કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને તમામ ઝોનના વડા સાથે પાલિકામાં તબક્કાવાર ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટિલ, સ્થાથી સમિતિ ચેરમેન રાજન પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયૂર ચપટવાલા, વિભાગીય વડા, ઝોનલ ચીફ હાજર રહ્યા હતા.

બેઠકમાં તમામ ઝોન વિસ્તારમાં આવેલી ખાડી, મેઇન હોલ, ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બરની સાફ-સફાઈ કરવા અને મેન્ટેનન્સની કામગીરી, જાળિયા રિપેર તથા કલર કરવા, ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર અને પેચવર્કની કામગીરી, ફૂટપાથ અને રોડ ડિવાઈડર રિપેરિંગની માહિતી ઝોનના વડા દ્વારા રજૂ કરાઇ હતી.
દરમિયાન અધિકારી, પદાધિકારીઓએ ચોમાસામાં વિવિધ વિસ્તારમાં ટ્રેન્ચ બેસી જતી હોવાની ફરિયાદો ઉઠતી હોય ટ્રેન્ચની કામગીરી ઝડપથી પૂરી કરવા આદેશ કર્યો હતો. આ સિવાય શહેરમાં અનેક વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તે આસપાસ પડેલી માટીને કારણે કાદવ કીચડ થતો હોય મેટ્રોના અધિકારીઓ સાથે સંકલન કરી સફાઈ રાખવા સૂચના અપાઈ હતી.

જ્યાં પાણી ભરાય છે, તે તમામ સ્પોટ પર 15 દિવસમાં રીચાર્જ બોરવેલ બનાવવા આદેશ
શાસકો દ્વારા પ્રિમોન્સુન મામલે બોલાવાયેલી મીટીંગમાં શહેરના દરેક ઝોનમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે, ત્યાં 15 દિવસમાં રિચાર્જ બોર બનાવવાની સૂચના આપવામાં આવી હતી. આ વર્ષે વરસાદ વહેલો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, સ્ટ્રેન્ચ રિપેરના કામને પ્રાથમિકતા આપવા અને અન્ય તમામ કામોને 20 મે પછી સેફ સ્ટેજ પર લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ હાલમાં શહેરમાં જ્યાં ને ત્યાં પાણી અને ડ્રેનેજ લાઈનના કારણે ખોદકામ કરાયા છે, જે ચોમાસા પહેલાં શહેરના તમામ ચાલુ કામોને ઝડપથી પૂર્ણ કરી, સેફ સ્ટેજ પર લઈ જવાની તાકીદ કરવામાં આવી હતી.

Most Popular

To Top