ગાંધીનગર: લો પ્રેશર સિસ્ટમ રાજસ્થાનના બિકાનેર તરફ સરકી રહી છે, જેના પગલે ઉત્તર – પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા જોવાઈ રહી છે. ઉત્તર રાજસ્થાન તરફ સરકી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી 24 કલાકની અંદર સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરાયુ છે. આજે સોમવારે દિવસ દરમ્યાન સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 83 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જયારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સવા બે ઈંચ વરસાદ થયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં ખેડબ્રહ્મામાં સવા બે ઈંચ , નડિયાદમાં 1.50 ઈંચ , આંકલાવમાં 1.30 ઈંચ , જાંબુઘોડામાં 1.22 ઈંચ , છોટા ઉદેપુરમાં 1.02 ઈંચ , નસવાડીમાં 20 મીમી , જેતપુર પાવીમાં 16 મીમી , વડાલીમાં 12 મીમી , ઘોંઘંબામાં 12 મીમી દેવગઢબારિયામાં 11 મીમી જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં 28 જિલ્લાના 140 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં મહેસાણાના સતલાસણામાં 4 ઈંચ , દાંતામાં 3.39 ઈંચ , બોટાદના બરવાળામાં 2.72 ઈંચ , ખંભાતમાં અઢી ઈંચ , આણંદમાં 1.97 ઈંચ , નડિયાદમાં 1.81 ઈંચ , ઈડરમાં 1.7 ઈંચ , ભાવનગરમાં 1.46 ઈંચ અને ધોળકામાં 1.42 ઈંચ વરસાદ થયો હતો.
સરેરાશ 24 તાલુકાઓ એવા છે કે જયાં 1થી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજયમાં ચોમાસાની મોસમનો સરેરાશ 49.96 ટકા વરસાદ થયો છે.જેમાં જેમાં જેમાં કચ્છમાં 58.44 ટકા , ઉત્તર ગુજરાતમાં 45.92 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 48.03 ટકા , સૌરાષ્ટ્રમાં 49.19 ટકા , દક્ષિણ ગુજરાતમાં 53.63 ટકા વરસાદનો સમાવેશ થાય છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 51.26 ટકા જળ સંગ્રહ થયેલો છે. જયારે ડેમમાં પાણીની આવક 37200.13 કયૂસેક છે. જયારે પાણીની જાવક 1049.00 કયૂસેક છે. 26 જેટલા ડેમ 100 ટકા છલોછલ છલકાયેલા છે. જયારે 41 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.