ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ગુજરાત ઉપર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના પગલે આગામી 48 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું (Rain) એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે. હવામાન વિભાગના બૂલેટિનમાં જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
- 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
- દક્ષિણ ગુજરાત પર સક્રિય સાયકલોનિક સર્ક્યુલેશનની અસર
- સુરત, વલસાડ અને નવસારીમાં ધમાકેદાર વરસાદ
જયારે આગામી 5મી જુલાઈ સુધીમાં અન્ય જિલ્લાઓ પૈકી રાજયમાં બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ,પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ , તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરી દેવાઈ છે. અરબ સાગર પરથી સરકીને આવેલી સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ હેઠળ ગુજરાતમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થયેલી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ આજે સાંજે જણાવ્યું હતું કે, રાજયમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 204 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં સુરતના પલસાણામાં 6 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ, સુરત સિટીમાં 5.2 ઈંચ, કામરેજમાં 5 ઈંચ, ઓલપાડ, મહુવા અને વાપીમાં 4.7 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, કપરાડામાં 3.6 ઈંચ, ખેરગામમાં 3.5 ઈંચ, ભરૂચમાં 3.4 ઈંચ, ધરમપુર અને મોરબીમાં 3 ઈંચ વરસાદ થયો હતો.
દક્ષિણ ગુજરાત ઉપરાંત મોરબી, અમદાવાદ, અરવલ્લી, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા અને ભાવનગર સહિત રાજયભરમાં સાર્વત્રિક વરસાદ થયો છે. એકંદરે 75 તાલુકાઓમાં 1થી 6 ઈંચ જેટલો વરાસદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 191 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં સરેરાશ 191 તાલુકાઓમાં વરસાદ થયો હતો. ખાસ કરીને ભાવનગરના મહુવામાં 2.6 ઈંચ અને જામનગરના ધ્રોલમાં 2.4 ઈંચ જેટલો વરસાદ થયો હતો.
7 ઈંચ વરસાદથી અમદાવાદ ડૂબ્યું, મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા
અમદાવાદ : અરબ સાગર પરથી સરકીને ગુજરાત પર આવેલી સાયકલોનિક સર્કુયલેશનની સિસ્ટમની અસર હેઠળ અમદાવાદમાં આજે ભારે વરસાદ થયો છે. ખાસ કરીને અમદાવાદના ગોતા, સાયન્સ સિટી, અને બોપલમાં 7 ઈંચ જેટલો ભારે વરસાદ થયો હતો. સરખેજ વિસ્તારમાં 6 ઈંચ વરસાદ થતાં પાણી પાણી થયું છે. તો નરોડા વિસ્તારમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોધપુર અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસા નોંધાયો છે. ચાંદખેડા વિસ્તારમાં સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બોડકદેવ અને ઉસ્માનપુરામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી મકરબા અને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વરસાદને પગલે નીચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાય ગયા છે. જેના પગલે વાહચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેટલાક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા હતા. અમદાવાદ મનપાની વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ નિષ્ફળ ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. 7 ઈંચ વરસાદથી અમદાવાદ ડૂબ્યુ હોય તેમ મોટા ભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. બપોર બાદ થલતેજ, બોડકદેવ, બોપલ, નારણપુરા, આરટીઓ, ઘાટલોડિયા, હેલમેટ ક્રોસ રોડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અખબારનગર, મીઠાખળી, ચાંદલોડિયા, મકરબા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. સાબરમતી નદીમાં પાણીનો આવરો વધતાં વાસણા બેરેજના 4 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. અમદાવાદની કેટલીયે સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા.