આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો : સાંજે કાળા ડીંબાગ વાદળોથી ચડી આવ્યાં: સોજિત્રામાં સતત બીજા દિવસે ચાર ઇંચ વરસાદ: હજુ પણ ભારે વરસાદ ચાલુ રહે તેવો વર્તારો અપાયો
આણંદ : આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદને લઇ હવામાન વિભાગે ઓરેજન્ટ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મંગળવાર સાંજથી જ ભારે વરસાદ પડવાના એંધાણ જોવા મળ્યાં હતાં. નમતી બપોર સાથે કાળા ડીંબાગ વાદળો ઘેરાઇ ગયા હતા અને સમીસાંજે જ રાત્રિના અંધારા જેવો માહોલ સર્જાઇ ગયો હતો અને ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો. જે જોર પકડી રહ્યો હતો.
આણંદ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદની હેલી જોવા મળી રહી છે, સોમવારના રોજ પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સોજિત્રામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પેટલાદ અને બોરસદમાં પણ બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. હજુ પણ વરસાદની હેલી ચાલુ રહે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
આ એલર્ટના પગલે ભારેથી અતિભારે વરસાદનો વર્તારો કરવામાં આવ્યો છે. આ વરસાદ પાંચ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. જોકે, મંગળવારના રોજ ભારે વરસાદની અસર જોવા મળી હતી. દિવસભર વાદળછાંયા વાતાવરણ વચ્ચે નમતી બપોરે જ કાળાડીબાંગ વાદળો આવી ચડ્યાં હતાં અને મોડી સાંજ સુધીમાં વરસાદે જોર પકડી લીધું હતું. આણંદ જિલ્લામાં મંગળવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન આણંદમાં 26 મિમી, આંકલાવમાં 24 મિમી, ઉમરેઠમાં 10 મિમી, બોરસદમાં 41 મિમી, પેટલાદમાં 69 મિમી, સોજિત્રામાં 97 મિમી, ખંભાતમાં 30 મિમી અને તારાપુરમાં 84 મિમી વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વરસાદી માહોલમાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારની હાલત કફોડી બની છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં અવર – જવરના રસ્તા કાદવ કિચ્ચડ થઇ જતાં ગ્રામજનોને બહાર નિકલવું મુશ્કેલ બની ગયું છે. કેટલાક ગામોમાં તો બસ સેવા પણ બંધ થઇ ગઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની હાલત કફોડી બની છે. આણંદ શહેરમાં ગામડી, ખોડિયારનગર સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી પાલિકા દ્વારા કરવામાં આવેલા ખોદકામના કારણે સ્થિતિ ગંભીર બની છે. રસ્તા બિનઉપયોગી બન્યાં છે અને લોકો પાલિકા અને કોન્ટ્રાક્ટર પર ફિટકાર વરસાવી રહ્યાં છે.