સુરત: દિવાળી બાદ ગર્ભાશયની બીમારીનું ઓપરેશન (Operation) કરાવવા રૂપિયા ભેગા કરી રહેલી ત્રણ સંતાનની માતાએ પીડા સહન નહીં કરી શકતાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની રામધન વર્મા છેલ્લા પાંચ વર્ષથી હજીરામાં માતા ફળિયામાં પાના કાકાની ચાલમાં રહે છે. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ તથા એક દીકરો છે. આરતીએ શુક્રવારે રાત્રે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં પોતાની રૂમમાં છતની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
હજીરા પોલીસને થતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી
આ બનાવની જાણ હજીરા પોલીસને થતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હજીરા પોલીસના જણાવ્યા પ્રમાણે આરતી વર્માને ગર્ભાશયની બીમારી હતી. છેલ્લા દોઢ વર્ષથી તેની સારવાર પણ ચાલી રહી હતી. જો કે, દુખાવો વધી જતાં આરતી વર્માએ કંટાળી જઇ આ પગલું ભરી લીધું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેનો પતિ હજીરાની એસ્સાર કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.નોંધનીય છે કે દિવાળી બાદ ગર્ભાશયનું ઓપરેશન કરાવવાનું હોવાથી તે માટે વર્મા પરિવાર રૂપિયા ભેગા કરી રહ્યો હતો.
મરણ પ્રસંગે સુરત આવેલા યુવકનું રિક્ષા પલટી જતાં મોત
સુરત: સુરતમાં મરણ પ્રસંગે આવેલો મહારાષ્ટ્રીયન પરિવાર રિક્ષામાં ગોડાદરાથી પાંડેસરા જઈ રહ્યો હતો. રિક્ષા ડિંડોલી બ્રિજ પરથી પસાર થતી હતી. ત્યારે બ્રિજ પર પડેલા કચરામાં કોથળાના કારણે રિક્ષાના ડ્રાયવરે રિક્ષા પરથી કાબૂ ગુમાવતાં રિક્ષા પલટી ગઈ હતી, જેમાં એક યુવકનું મોત, તો એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી.પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી 40 વર્ષિય દીપક મુરલીધર સીરસાઠ, વિજય સિરસાઠ, પ્રેમીલાબેન સિરસાઠ તથા માયાબેન સિરસાંઠ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનગરમાં તેના સંબંધીને ત્યાં મરણવિધિના પ્રસંગમાં આવ્યાં હતાં. મરણ વિધિનો પ્રસંગ પતાવી ચારેય અન્ય સંબંધીને ત્યાં ગોડાદરા વિસ્તારમાં બેસવા ગયા હતા.
બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
ત્યારબાદ ચારેય જણા રિક્ષામાં બેસીને ગોડાદરાથી પરત પાંડેસરા આવી રહ્યાં હતાં. દરમિયાન ગોડાદરાથી ડિંડોલીના બ્રિજ પર વચ્ચે કચરાનો કોથળો હતો. કોથળાના કારણે રિક્ષાના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રિક્ષા પલટી ગઈ હતી. જેમાં પ્રેમીલાબેન અને દીપકને ગંભીર ઇજા થઈ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જે પૈકી દીપકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વધુમાં દીપક વતનમાં ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. હાલ સમગ્ર બનાવને મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.