SURAT

સુરત મનપામાં આ મામલે વિપક્ષનું વિરોધ પ્રદર્શન, હનુમાન ચાલીસાનો પાઠ કર્યો

સુરત(Surat): સુરત મહાનગર પાલિકાના (SMC) બજેટની (Budget) સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ આપના (AAP) સભ્યોએ સભાગૃહની બહાર વિરોધ પ્રદર્શન (Protest) કર્યું હતું. ઉંબેરમાં મનપાનો સૂચિત ડિસ્પોઝલ પ્લાન્ટ બનવાનો છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી વિપક્ષના સભ્યોએ પ્લે કાર્ડ સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.

મનપાનો પેપરલેસ વહીવટ, સભ્યો લેપટોપ સાથે દેખાયા
સુરત મનપાની બજેટની સામાન્યસભામાં તમામ સભ્યો લેપટોપ સાથે જોવા મળ્યા હતા. બજેટ પર ચર્ચા માટે સભ્યોને પેન ડ્રાઈવ પણ આપવામાં આવી હતી. સ્ટેશનરીનો ખર્ચનું ભારણ ઓછુ કરવા માટે મનપા પેપરલેસ વહીવટ તરફ આગળ વધી રહી છે. સુરત મનપાની તમામ સમિતિના એજન્ડા પણ સભ્યોને ઓન લાઈન પહોચાડવામાં આવે છે. પેપરની બચત કરવા માટે મનપા દ્વારા સભ્યોની ટર્મ શરૂ થતાની સાથે લેપટોપ ફાળવવામાં આવ્યા હતા.

બજેટની બે દિવસની બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં સભ્યોને ફરજીયાત લેપટોપ સાથે હાજર રહેવાની સુચના આપવામાં આવી હતી. આ સાથે બજેટ પર ચર્ચા માટે સભ્યોને પેન ડ્રાઈવ પણ આપવામાં આવી હતી. સભ્યોને મુશ્કેલી નહી પડે તે માટે તમામ સભ્યોને લેપટોપ ફુલ ચાર્જ કરીને આવવા જણાવવામાં આવ્યું હતું.

બે-બે વર્ષ થી મેટ્રોના બેરિકેટથી હેરાન દુકાનદારોને વેરામાં રાહત આપો
બજેટની સામાન્ય સભામાં મેટ્રોના કામ ને કારણે શહેરીજનોને પડી રહેલી હાલાકી નો મુદ્દો વિપક્ષના સભ્ય સેજલ માલવિયા એ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘણી જગ્યા એ બે બે વર્ષ થી મેટ્રો ના બેરિકેટ છે તેથી ઘણા વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ ગયો છે. ભાડા ચૂકવી રહ્યાં છે. એવા વેપારીઓને વેરામાં રાહત આપવી જોઈએ. આ ઉપરાંત તેમને સ્વિમિંગ પુલમાં ફી વધારા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા હતા.

કમિશ્નર શાલિની અગ્રવાલ બધાની ઉપરવટ જઈ કામ કરે છે: સેજલ માલવિયા
આમ આદમી પાર્ટીના સભ્ય સેજલ માલવીયાએ રોષ વ્યકત કરતા કહ્યું હતું કે, સ્વિમિંગ પુલની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ફી ઓછી કરવા માટે શાસકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ મનપા કમિશ્નર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્વિમિંગ પુલ માત્ર રૂપિયાવાળા માટે બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર રજુઆત છતા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મ્યુનિસિપલ કમિશનર શાસકોની ઉપરવટ જઈને કામ કરતા હોવાનો આક્ષેપ પણ તેમના દ્રારા કરવામાં આવ્યો હતો. આ સાથે મ્યુ કમિશનર લોકો પાસે માફી માંગે તેવી માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજગાર બંધ થઈ જતા દુકાનો વેચવાનો વારો આવ્યો હોવાનું સેજલ માલવિયાએ ઉમેર્યું હતું.

સુરતના ઈતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું પ્રજાલક્ષી બજેટ : રેશ્મા લાપસીવાલા
મનપાની બજેટની સામાન્યસભામાં ચર્ચામાં ભાગ લેતા મનપાની સમિતિના પૂર્વ ચેરમેન રેશ્મા લાપસીવાલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2024-25નું બજેટ સુરતના ઈતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું 8873 કરોડનું પ્રજાલક્ષી બજેટ છે. જે ભારત સરકારના 2023-24ના બજેટની સપ્તઋષિ પરીકલ્પનાને સમાવી લઈ પ્રજા ઉપર કોઈપણ પ્રકારના કર બોજા વગરનું તેમજ ભારત અને ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વનું રહે તે પ્રમાણેનું ગણી શકાય.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, સુરત મહાનગરપાલિકા અને શાસક પક્ષ દ્વારા રેવન્યુ જનરેટ કરવા માટે અવનવા આવકના સ્ત્રોત ઉભા કરવામાં આવે છે જેમાંનું ઉતમ ઉદાહરણ પુરૂં પાડતું આયોજન સુએઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગણાવી શકાય. જેના થકી મલિન જળને શુધ્ધ કરી તેમાંથી આવકનો સ્ત્રોત ઉભો કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા આ શુધ્ધ પાણી ઔદ્યોગિક એકમોને પહોંચાડનારી અને તેમાંથી આવકનો સ્ત્રોત ઉભો કરનારી સૌપ્રથમ મહાનગરપાલિકા બની છે.

સુરતમહાનગરપાલિકા દ્વારા આજદીન સુધીમાં સુરતના પાંડેસરા, હજીરા, પલસાણા, સચીન જેવા વિસ્તારમાં અનેક ઔધોગીક એકમોને ટશૅરી ટ્રીટેડ વોટર પુરૂં પાડીને કરોડોની આવકનો એક નવો સ્ત્રોત ઉભો કર્યો છે. નજીકના ભવિષ્યમાં આ રીતે ઔદ્યોગીક એકમોને પાણી પુરૂ પાડી કુલ વાર્ષિક 1000 કરોડ જેટલી આવક ઉભી કરવાનો અંદાજ છે. જેને કારણે પાણીની બચત થશે, પયૉવરણને પણ ફાયદો થશે, અને ઔધોગિક એકમોની જે પાણીની માંગ છે તે પણ સંતોષી શકાશે.

Most Popular

To Top