નવી દિલ્હી: દેશના 7 રાજ્યોમાં આજે વિધાનસભાની (Assembly) પેટા ચુંટણી (Election) યોજાઇ હતી. ત્યારે આજે ભારતનું એક રાજ્ય સંપુર્ણપણે વિપક્ષમુક્ત થયું હતું અસલમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના એકમાત્ર ધારાસભ્ય તેનઝિંગ નોર્બુ લામથા આજે બુધવારે સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)માં જોડાયા હતા. આ રીતે સિક્કિમમાં હવે વિપક્ષનો એક પણ ધારાસભ્ય બચ્યો નથી. જેથી કહી શકાય કે હવે સિક્કિમ હવે સંપુર્ણ રીતે વિપક્ષ વગરનું રાજ્ય બન્યું છે.
સિક્કિમમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા અને ભારતીય જનતા પાર્ટીએ અલગ-અલગ ચૂંટણી લડી હતી, પરંતુ SKM પાર્ટી કેન્દ્રની બીજેપીના નેતૃત્વવાળી NDAમાં સામેલ થઇ હતી. જેથી સિક્કિમમાં વિપક્ષના એકમાત્ર નેતા તેનઝિંગ નોર્બુ લામથા પણ એનડીએ ગઠબંધનમાં સામેલ થયા હતા.
સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’ પર પોસ્ટ કરીને કહ્યું, ‘હું આજે મારા સત્તાવાર નિવાસસ્થાને 23-સ્યારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેનઝિંગ નોર્બુ લામથાને મળીને ખૂબ જ ખુશ છું. તેઓ સત્તાવાર રીતે અમારા SKM પરિવારમાં જોડાયા છે.’ તમંગે સ્વીકાર્યું કે લમથાએ તેમના મતવિસ્તારના હિતોને લગતી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ મતવિસ્તારની સમસ્યાઓ હવે વ્યાપક વિકાસ યોજનાના ભાગરૂપે હલ કરવામાં આવશે.
લમથાએ શિક્ષણ મંત્રીને હરાવ્યા હતા
તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવનારા લમથા એકમાત્ર SDF નેતા હતા. તેમણે SKMના વરિષ્ઠ નેતા અને શિક્ષણ પ્રધાન કુંગા નીમા લેપ્ચાને 1,314 મતોના માર્જિનથી હરાવ્યા હતા. પરંતુ SKM માં જોડાવાના નિર્ણય પર તેમણે કોઇ ટિપ્પણી કરી ન હતી. 2 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જ તેમના SKMમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. જ્યારે તેમની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે લમથાએ કહ્યું હતું કે, ‘હું જનતા સાથે ચર્ચા કર્યા પછી આગળ પગલાં લઈશ.’
હાલમાં વિધાનસભામાં 2 બેઠકો ખાલી છે
વિધાનસભા ચૂંટણીમાં SKMએ 31 બેઠકો જીતી હતી, જ્યારે વિપક્ષી SDFને માત્ર એક જ બેઠક મળી હતી. હાલમાં વિધાનસભામાં 32માંથી 30 સભ્યો છે, જે તમામ SKMના સભ્યો છે. સોરેંગ-ચકુંગ વિધાનસભા બેઠક પરથી મુખ્ય મંત્રી તમાંગ અને નામચી-સિંઘથાંગ બેઠક પરથી તેમની પત્ની કૃષ્ણા કુમારી રાયના રાજીનામા બાદ બે બેઠકો ખાલી છે.