સુરત: ખજોદ સ્થિત સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ઉપરથી પ્રોસેસ કર્યા વિના હજારો ટન કચરાનો બારોબાર નિકાલ કરવાનાં અને છેતરપિંડીથી સ્વચ્છતાનો નંબર-1 એવોર્ડ મેળવવાનાં કૌભાંડનાં તાર સુરત મહાનગર પાલિકાનાં ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી રહ્યાં છે.
મનપાનાં વિપક્ષનાં નેતા પાયલ સાકરિયાએ આજે કેન્દ્ર સરકારનાં હાઉસિંગ અને શહેરી વિભાગનાં સેક્રેટરીને પત્ર લખી સમગ્ર કૌભાંડની તલસ્પર્શી તપાસ કરવા માંગ કરી છે. ગાર્બેજ ફ્રી સિટીનું સ્ટેટસ મેળવી કચરાનું 100 ટકા પ્રોસેસિંગ કરવાની વાતો માત્ર કાગળ ઉપર જ હોવાથી કેન્દ્ર સરકારની સ્વચ્છતા સર્વેક્ષણની સમગ્ર પ્રોસેસ તથા રેકિંગની પ્રતિષ્ઠા પણ ખરડાઇ હોવાથી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની પણ પાયલ સાકરિયાએ માંગ કરી છે.
પાયલ સાકરિયાએ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બનનાં સેક્રેટરી શ્રીનિવાસ કાટિકિયલાને પત્ર લખીને જણાવ્યું છે કે, સુરત શહેરમાંથી દરરોજ 2500 મેટ્રિક ટન કચરો જનરેટ થાય છે તેનું 100 ટકા પ્રોસેસિંગ કરીને ઓછામાં ઓછા ત્રણ મહિના અને મહત્તમ છ મહિનામાં નિકાલ કરવાનો હોય છે. કેન્દ્ર સરકારનાં સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ઉપરોક્ત બાબત મેન્ડેટરી છે.
સુરત મહાનગર પાલિકાનાં કમિશનર દ્વારા કચરાનું 100 ટકા પ્રોસેસિંગ થતું હોવાની વિગતો જણાવવામાં આવી હતી અને તેને આધારે સુરત શહેરને માર્ક્સ મળતાં સ્વચ્છતા રેકિંગમાં સુરતનો નંબર-1 આવ્યો હતો. પરંતુ વાસ્તવિકતા જુદી છે, તાજેતરમાં વિપક્ષનાં કોર્પોરેટરો હિરપરા, મહેશ સાથે તેમણે ખજોદ ડિયોઝલ સાઈટની મુલાકાત લીધી ત્યારે ત્યાં કચરાનું ટકા પ્રોસેસિંગ થતું જ નહીં હોવાનું જણાયું હતું જેને કારણે આજે પણ 14 લાખ મેટ્રિક ટન કચરાનો ડુંગર ખજોદ સાઈટ ખાતે જોવા મળે છે.
મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ખોટી વિગતો દર્શાવીને સ્વચ્છતા સર્વેક્ષણ મિશન અને કેન્દ્ર સરકાર સાથે છેતરપિંડી કરી છે. કમિશનર શાલિની અગ્રવાલનાં ત્રણ વર્ષનાં વહિવટ દરમિયાન આ ગંભીર બેદરકારી અને કૌભાંડ આચરાયું છે જેથી આ બાબતે કચરાની ગુણવત્તા, કોન્ટ્રાક્ટરને થયેલું ચુકવણું અને મહાનગર પાલિકાનાં હદ વિસ્તારની બહાર ગેરકાયદે કચરો ડમ્પ કરવા બાબતે સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ કરાવી પગલાં લેવા જોઇએ તેવી માંગણી પાયલ સાકરિયાએ કરી છે.
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી છેતરપિંડીની જાણ કરી છે: પાયલ સાકરિયા
મહાનગર પાલિકામાં વિપક્ષનાં નેતા પાયલ સાકરિયાએ કચરા કૌભાંડ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી છે.
પત્રમાં પાયલ સાકરિયાએ જણાવ્યું છે કે, સુરત શહેરમાંથી દરરોજ નીકળતા કચરાને 100 ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરીને નિકાલ કરવાનો હોય છે. કેન્દ્ર સરકારનાં સ્વચ્છતા સર્વેક્ષણ મિશનમાં પણ આ બાબત પૂર્વશરત તરીકે લેખાયેલી છે.
સુરતને ગાર્બેજ ફ્રી સિટી તરીકે 7 સ્ટાર મળેલાં છે અને સ્વચ્છતામાં સમગ્ર દેશમાં નંબર-1નું સ્થાન પ્રાપ્ત કરી એવોર્ડ મેળવ્યો છે પરંતુ હકીકતમાં સુરતની ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે કચરાનું વૈજ્ઞાનિક ઢબે 100 ટકા પ્રોસેસિંગ થતું નથી અને પ્રોસેસ કર્યા વિનાનાં કચરાનો બારોબાર નિકાલ કરી દેવામાં આવે છે.
ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે હાલમાં પણ 14 લાખ મેટ્રિક ટન કચરાનો ડુંગર છે જે કચરાનો નિકાલ થતો નહીં હોવાની સાબિતી છે. કમિશનર શાલિની અગ્રવાલનાં કાર્યકાળ દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણ મિશન માટે કરેલી કામગીરી અને રજૂ કરેલાં દસ્તાવેજોની ચકાસણી કરાવવી જરૂરી છે. ત્રણ વર્ષમાં ગેરરીતિ આચરીને સ્વચ્છતાનો એવોર્ડ મેળવાયો હોય તો પાછલી અસરથી નવા રેન્કિંગ જાહેર કરવા જોઈએ.