કોરોનાના મૃતકોને ન્યાય, તેમના પરિવારને વળતર આપોની માંગ સાથે સોમવારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યો હતો.શોકદર્શક ઉલ્લેખ બાદ તુરંત જ કોંગ્રેસ દ્વારા મૃતક કોરોનાના દર્દીઓના પરિવારજનોને 4 લાખની સહાય આપવાની માંગ કરાઈ હતી. એટલુ જ નહીં કોંગી સભ્યોએ ડોકટરોના એપ્રન પહેરીને તથા બેનર્સ લગાવીને વિરોધ કર્યો હતો.
વિરોધ પ્રદર્શન સાથે કોંગીના સભ્યોએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં વોક આઉટ કર્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની મહામારીમાં 3 લાખથી વધુ લોકોના મોત થયા, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે એટલું જ નહીં મૃતકોના પરિવારને 4 લાખનું વળતર આપવામાં આવે તેવી અમારી લાગણી હતી. જે સત્તાધારી પક્ષ દ્વારા સ્વીકારવામાં ન આવી એટલે ના છૂટકે અમારે વોક આઉટ કરવો પડ્યો છે.
બીજી તરફ સોમવારે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા કોંગ્રેસના બે સિનિયર સભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા એપ્રન પહેરીને આવ્યા હતા એટલું જ નહીં તેમણે પણ કોરોનાના મૃતકોને ન્યાય આપવાની માંગ કરી હતી. બન્ને ધારાસભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોરોનામાં દર્દીઓને બચાવવામાં ભાજપની સરકાર નિષ્ફ્ળ નીવડી હતી. સરકારે કોરોનામાં મૃત્યુના આંકડા પણ છુપાવ્યા છે. એટલું જ નહીં દર્દીઓના મૃત્યના પ્રમાણપત્રમાં અન્ય રોગ એવું લખેલું છે, જેના પગલે તેઓને સહાય નહીં મળે, માટે તેમના મૃત્યના પ્રમાણપત્રમાં કોરોનાથી મૃત્યુ એવું સુધારીને લખી આપવું જોઈએ.
કોંગ્રેસ રાજકીય સ્ટંટ કરી રહી છે: ઋષિકેશ પટેલ
વિધાનસભામાંથી કોંગ્રેસના વોકઆઉટ બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસ રાજકીય સ્ટંટ કરી રહી છે, નાટક કરી રહી છે. વિધાનસભા કોરોનાના નામે રાજકીય દેખાવોનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર મૃતકના પરિવારને 50 હજારની સહાય આપવા જઈ રહી છે. ભાજપ સરકાર ગુજરાતની સાથે છે.