વલસાડ(Valsad) : મધ્યપ્રદેશથી (Madhya Pradesh) 1500 કિલો અફીણના (opium) ડોડા કન્ટેઈનરમાં ભરીને સેલવાસમાં ડિલીવરી માટે જઈ રહ્યું હતું ત્યારે વલસાડ એસઓજીએ પકડી પાડ્યું છે. નાના પોંઢા સેલવાસ રોડ પર પોલીસે વોચ ગોઠવીને આ કન્ટેઈનર પકડ્યું છે. કન્ટેઈનરમાં સૂકા પોષ અફીણના ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ સાથે 2 આરોપીની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
દારૂબંધી ધરાવતા ગુજરાત (Gujarat) રાજ્યમાં યેનકેન પ્રકારે નશીલા પદાર્થ ઘુસાડવાનું નેટવર્ક દાયકાઓથી ચાલતું આવ્યું છે. આવી ગેંગને પકડી પાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે આજે વલસાડ એસઓજી દ્વારા મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવેલો અફીણના ડોડાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં એક મોટું કન્ટેઈનર ભરીને અફિણના ડોડાની ખેપ મારવામાં આવી રહી હોવાની બાતમી વલસાડ એસઓજીને મળી હતી, તેના આધારે વલસાડ એસઓજી દ્વારા કપરાડા ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન નાના પોંઢા સેલવાસ રોડ બાતમી મુજબનું કન્ટેઈનર આવી પહોંચ્યું હતું. આ કન્ટેઈનર ટ્રકને રોકી ચેક કરવામાં આવતા તેની અંદર 100 થેલા મળ્યા હતા. આ થેલાની અંદરથી અફિણના સૂકા ડોડા મળી આવ્યા હતા. જેનું વજન કરવામાં આવતા તે 1500 કિલો હોવાનું બહાર આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 50 લાખ માનવામાં આવી રહી છે. વલસાડ એસઓજીએ ટ્રક, અફિણના ડોડા સાથે બે આરોપીની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે મધ્યપ્રદેશથી અફીણના ડોડા સપ્લાય કરવામાં આવ્યા હતા. આ અફીણના ડોડા સેલવાસમાં પહોંચાડવામાં આવવાના હતા, પરંતુ તે પહેલાં જ વલસાડ એસઓજી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આ અફીણના ડોડો કોણે મોકલ્યા અને કોને પહોંચાડવામાં આવનાર હતા તે દિશામાં વલસાડ એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે નશીલા પદાર્થને ગુજરાતમાં ઘુસાડવામાં આવતી ગેંગને ડામવાના વલસાડ એસઓજી દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દમણ કે મહારાષ્ટ્રથી દારૂની બોટલો લઈને આવનારાઓને ચેકપોસ્ટ પરથી પકડવામાં આવી રહ્યાં છે, બીજી તરફ ગયા અઠવાડિયે વલસાડ એસઓજીની ટીમ દ્વારા ધરમપુર ચોકડી પાસેથી 81 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને પકડવામાં આવ્યા હતા.