ક્યારેક કોઇ વ્યક્તિ માટે અન્ય કોઇ વ્યક્તિએ આપેલા અભિપ્રાય પર વિશ્વાસ કરી કોઇ વ્યક્તિ માટે અભિપ્રાય આપી દઇએ છીએ! કહેવાય છે કે, ‘‘સદા આંખે દેખેલું કે કાને સાંભળેલું સાચું નથી હોતું’’. કોઇ પણ વ્યક્તિ માટે આપણો સ્વાનુભવ શું છે એ બાબતને મહત્ત્વ આપવું જરૂરી. દુનિયામાં સૌથી વધુ પ્રિય હોય તો તે ‘‘નિંદારસ’’ છે! કોઇની સાચી પ્રશંસા કરવાની હોય તો મૌન ધારણ કરી લેવાય છે અને કોઇની નિંદા કરવાની હોય તો સહુના મુખ આપોઆપ ખુલી જાય છે! કોઇની અંગત જિંદગી કે પરિવારમાં ઉપસ્થિત થયેલ સમસ્યા, કોઇનાં સંતાનોની સમસ્યા વિ. અનેક બાબતમાં ઘણી વ્યક્તિઓને ‘‘ઊંડો રસ’’ હોય છે! અને ‘રાઇનો પહાડ’ બનાવી અન્ય સમક્ષ એ વાતો રજૂ થતી હોય છે.
જેમાં પોતાના ખોટા મત તથા અભિપ્રાયો પણ ઉમેરાયા હોય છે. આ અયોગ્ય ન કહેવાય? ઘણી વાર કોઇની ખાનગી વાત પણ ‘‘કોઇને કહેતાં નહીં’’. કહીને સૌને કહેતા જાય છે! અપવાદ સર્વત્ર હોય પણ કોઇ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકતાં પહેલાં સો વાર વિચાર કરવો જ રહ્યો. કોઇના કહેવાથી કોઇ વિશે અજુગતું માની લેવું એ યોગ્ય તો નથી જ. વ્યક્તિ સમય-સંજોગ અનુસાર કદાચિત મજબૂર પણ હોઇ શકે. સત્ય જાણ્યા વિના અભિપ્રાય, મત કે ધારણા ન જ બાંધી લેવાય. જેથી જાણ્યે અજાણ્યે કોઇ વ્યક્તિની ‘ઇમ્પ્રેશન’ ન બગડે અને અન્યાય ન થાય.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.