સુરત: સુરતમાં (Surat) નાના વરાછા ખાતે ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ દ્વારા સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલમાં (Hospital) તારીખ 30/1/2023નાં રોજ 44 વર્ષીય એક મહિલા દર્દીનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન (Operation) કરવામાં આવ્યું હતું. મહિલા દર્દીની કોથળીમાં 222016 સેમીની તેમજ 4 કિલોગ્રામ વજન ઘરાવતી ગાંઠ કાઢવામાં આવી હતી. હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોકટર કલ્પના પટેલ પાસેથી જાણકારી મળી આવી હતી કે મહિલાને પ્રેશર, પેરાલિસીસની પણ બિમારી હતી જેના કારણે આ ઓપરેશન કરવું કઠિન તેમજ જોખમી હતું. જો કે હોસ્પિટલના ઓ.ટી.સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ તેમજ એનેસ્થેટીક ડોકટર આકાશ ત્રિવેદી દ્વારા આ ઓપરેશન સફળ રીતે કરવામાં આવ્યું હતું. આ સફળ ઓપરેશન બદલ હોસ્પિટલ મેનેજમેન્ટની ટીમે ડોકટર તેમજ તમામ સ્ટાફ મેમ્બરનો આભાર વ્યકત કર્યો હતો.
જણાવી દઈએ કે નાના વરાછા ખાતે ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ દ્વારા સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ બેટી બચાવો બેટી વધાવો યોજના હેઠળ પણ કાર્ય કરે છે. આ કાર્ય હેઠળ તેઓ સમાજને એક નવો રસ્તો બતાવી નવી રાહ ચીંધી રહ્યાં છે. જો હોસ્પિટલમાં કોઈ દંપતિ બાળકીને જન્મ આપે છે તો હોસ્પિટલ આ માટે કોઈ ચાર્જ લેતી નથી. આ સામે તેઓ 1 લાખનો બોન્ડ આપે છે. અત્યાર સુઘીમાં હોસ્પિટલ દ્વારા 2000 દીકરીઓને 20 કરોડના બોન્ડ આપવામાં આવ્યાં છે. જણાવી દઈએ કે આ હોસ્પિટલમાં નોર્મલ ડીલિવરીનો ચાર્જ માત્ર 1800 રુપિયા છે તેમજ સીઝર ડીલિવરીનો ચાર્જ 5000 રુપિયા લેવામાં આવે છે.