મંગળ-બુધવારની રાત્રીએ ભારતે કરેલા પ્રચંડ હવાઈ હુમલા-ઓપરેશન સિંદૂરને વિશ્વભરના મીડીયાએ વ્યાપક અહેવાલો આપ્યા.અમેરિકાનું અંગ્રેજી અખબારે તો ઓપરેશન સિંદૂરને ભારત-પાકિસ્તાન વચ્ચેની તીવ્ર તનાતની સમાન કહેતાં લખ્યું કે ભારતે આ હુમલા કરતાં પૂર્વે અમેરિકાને જાણ કરી હતી. આ દ્વારા તેણે વૈશ્વિક વિરોધ (ઓપરેશન સિંદૂર સામે) ઊભો ન થાય તે પણ સુનિશ્ચિત કરી લીધું હતું. વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. પાકિસ્તાને બદલો લેવાની જાહેરાત કરી દીધી છે. સાથે તે વિસ્તારમાં તંગદિલી વધી રહી છે.
UKના અંગ્રેજી અખબારે લખ્યું કે ભારતે પાકિસ્તાનની અંદર પ્રહારો કર્યા છે તે સાથે કાશ્મીર તંગદિલી વિસ્ફોટક બની છે. ઇઝરાયેલમાં પણ અખબારે અહેવાલ આપ્યો કે ભારતને આત્મરક્ષણનો પૂરો અધિકાર છે. કાશ્મીરમાં પ્રવાસીઓની હત્યા પછી ભારતે પાકિસ્તાન પર આક્રમણ કરીને વળતો જવાબ આપ્યો છે.
ભરૂચ – વિરેન્દ્રસિંહ અટોદરીયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
વેકેશનમાં પણ જીવવાનું છે
સમયની સાથે શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓનું સ્વરૂપ બદલાયું છે અને બદલાતું રહેશે. હવે,સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર એમ ત્રણ સ્વરૂપની સંસ્થાઓ જોવા મળે છે.સમયના પ્રવાહ સાથે વિવિધ પરિપ્રેક્ષ્યમાં આ ત્રણેય સ્વરૂપની સંસ્થાઓનો સ્વિકાર કરવો જ પડે. ત્રણેય પ્રકારની સંસ્થાઓની પોતાની આગવી જરૂરિયાત, સ્થાન અને વિશેષતાઓ છે.હાલમાં વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે.પરંતુ એવું સાંભળવા મળે છે અને ધ્યાન પર આવે છે કે કેટલીક સ્વનિર્ભર સંસ્થાઓ એના કર્મચારીઓને વેકેશનમાં છૂટા કરી દે છે.
તો વળી, કેટલીક સંસ્થાઓ વેકેશનમાં પગાર પણ આપતી નથી.આ પરિસ્થિતિ દુઃખદ છે. શું આવી સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને વેકેશનમાં જીવવાનું નથી? શું એમને પરિવાર નથી? એમને વેકેશનનો લાભ ન મળવો જોઈએ? આવાં અનેક માનવીય પ્રશ્નો ઉદભવે છે. બધી જ સ્વનિર્ભર સંસ્થાઓમાં આવું થાય છે એવું સામાન્યીકરણ ન જ થઈ શકે. ઘણી સ્વનિર્ભર સંસ્થાઓ પોતાના કર્મચારીઓને બધાં લાભો આપે જ છે. પરંતુ જેમને માટે આવી પરિસ્થિતિ પ્રવર્તે છે એમાં સુધારો આવે એ અપેક્ષિત અને માનવીય છે.
નવસારી – ઇન્તેખાબ અનસારી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.