ચેન્નાઈ, તા. 6 (PTI): વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર ભારતના અજોડ પરાક્રમનો એક ઝળહળતો પુરાવો છે અને ભારતીય સશસ્ત્ર દળોએ દુશ્મન પર ઝડપી, સચોટ અને નિર્ણાયક પ્રહારો કરવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.
અધિકારીએ અહીં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કર્યા પછી જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરે ત્રણ સેવાઓ વચ્ચે અસાધારણ સંકલન અને અન્ય એજન્સીઓ સાથે તાલમેળ અને એકીકરણનું પ્રદર્શન કર્યું છે.
ભારતીય સેનાના વિવિધ અંગો અને સેવાઓમાં કુલ 130 ઓફિસર કેડેટ્સ અને 25 મહિલા ઓફિસર કેડેટ્સને કમિશન આપવામાં આવ્યું હતું, જ્યારે નવ મિત્ર દેશોની 9 અને 12 મહિલા ફોરેન ઓફિસર કેડેટ્સે સફળતાપૂર્વક તેમની તાલીમ પૂર્ણ કરી હતી, જેનાથી આંતરરાષ્ટ્રીય સરહદો પાર સૌહાર્દ અને સહયોગને પ્રોત્સાહન મળ્યું છે.
સભાને સંબોધતાં સિંહે કહ્યું, ‘’જ્યારે આપણે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ ત્યારે બે બાબતો ચોક્કસ છે – યુદ્ધનું ઝડપથી વિકસતું સ્વરૂપ અને લશ્કરી શક્તિની વધતી જતી સુસંગતતા.’’ અધિકારીએ કહ્યું, ‘’ઓપરેશન સિંદૂર આપણા અજોડ પરાક્રમનો ઝળહળતો પુરાવો છે. ભારતીય સશસ્ત્ર દળોએ દુશ્મન પર ઝડપી, સચોટ અને નિર્ણાયક પ્રહારો કરવાની તેમની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. આ દળોના ભવિષ્ય તરીકે તમારે સમજવું જોઈએ કે સંરક્ષણ દળો હંમેશાં પ્રથમ પ્રતિભાવ આપનારા રહ્યા છે અને હંમેશાં રહેશે.’’
અમર પ્રીત સિંહે કહ્યું, ‘’આ યુવાન ઓફિસર કેડેટ્સનું તેમની સેવા કારકિર્દીમાં વ્યાવસાયિક વર્તન આ પ્રશિક્ષકોના માર્ગદર્શન અને આ એકેડેમીના ઉચ્ચ તાલીમ ધોરણનું મજબૂત પ્રતિબિંબ હશે.’’અધિકારી કેડેટ્સને અપીલ કરતાં સિંહે કહ્યું, ‘’યાદ રાખો કે આપણી તાકાત ફક્ત વ્યક્તિગત શ્રેષ્ઠતાથી જ નહીં, પરંતુ સમગ્ર ટીમના સંકલનથી આવે છે. કોઈપણ સેવા એકલા કામ કરતી નથી, પછી ભલે તે આકાશમાં હોય, જમીન પર હોય કે સમુદ્રમાં. તમારે સેવામાં વૃદ્ધિ પામતા રહેવું જોઈએ.’’