SURAT

સુરભી ડેરી જેવા ભેળસેળિયાને પકડવા પોલીસનું ઓપરેશન શુદ્ધિઃ લગ્ન પ્રસંગોમાં જઈ ફૂડ ક્વોલિટી ચેક કરશે

સુરત:લગ્નસરાની મોસમમાં સુરત પોલીસ હવે ખોરાકમાં ભેળસેળ કરનારા માફિયાઓ સામે ‘ઓપરેશન શુદ્ધિ’ નામનું ખાસ અભિયાન શરૂ કરી રહી છે. નકલી ઘી અને પનીરનાં કૌભાંડ બાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા કેટરર્સ, રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય પદાર્થ બનાવનારાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના લગ્ન સમારંભો અને ભોજન પ્રસંગોમાં અચાનક રેડ કરીને ફૂડ સેમ્પલ લેવાશે. જો નકલી કે ભેળસેળયુક્ત પદાર્થો મળી આવશે તો પોલીસ કડક પગલા લેવા તૈયાર છે.

  • ભેળસેળિયા સામે SOGનું ‘ઓપરેશન શુદ્ધિ’
  • કેટરર્સ અને ફૂડ મેન્યુફેક્ચરર્સની યાદી તૈયાર
  • સુધરી જાઓ નહીં તો જેલમાં જાવ : DCP નકુમ

સુરતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી નકલી ખાદ્ય પદાર્થોના રેકેટનો પર્દાફાશ થતો રહ્યો છે ક્યારે નકલી ઘી, તો ક્યારે નકલી પનીર. હવે આ માફિયા માટે પોલીસની સહનશીલતા સમાપ્ત થઈ ગઈ છે. સુરત SOGના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાજદીપસિંહ નકુમે જાહેરાત કરી છે કે આવનારા દિવસોમાં ‘ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સમગ્ર શહેરમાં વિશાળ સ્તરે તપાસ હાથ ધરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત, શહેરના તમામ કેટરર્સ અને ફૂડ મેન્યુફેક્ચરર્સની યાદી તૈયાર થઈ રહી છે. જ્યાં પણ લગ્ન કે મોટા પ્રસંગોમાં ભોજનની વ્યવસ્થા હશે, ત્યાં SOGની ટીમ અચાનક જ પહોંચી ફૂડ સેમ્પલ લેશે. જો આ સેમ્પલ્સ તપાસમાં નકલી કે ભેળસેળયુક્ત સાબિત થશે, તો સંચાલકો વિરુદ્ધ NDPS સમાન કડક પગલાં ભરાશે.

DCP નકુમે સ્પષ્ટ કહ્યું છે, “જેને સુધરવું હોય તે સુધરી જાય. રસોડામાં જે નકલી ચીજ છે તેનો નાશ કરી નાંખો. આવનારા દિવસોમાં જે કોઈ ભેળસેળ કરતો મળી આવશે, તેના પર કાયદાની સંપૂર્ણ કડકાઈથી કાર્યવાહી થશે.”તેમણે ઉમેર્યું કે સુરત પોલીસની ટીમ હવે મીડિયા સાથે લાઈવ રેડ પણ કરી શકે છે. ઉદ્દેશ સ્પષ્ટ છે સુરતીઓના સ્વાસ્થ્ય સાથે કોઈને રમવા નહીં દેવામાં આવે.

પોલીસ સીધી પ્રસંગમાં પહોંચશે
SOGના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાજદીપસિંહ નકુમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘શહેરમાં નકલી ખાદ્ય પદાર્થ બનાવનારા કે વેચનારા સામે કોઈ દયા નહીં રાખવામાં આવે.અમે હવે ચકાસણી માટે સીધા પ્રસંગસ્થળે જ પહોંચશું. તેમણે વધુમાં કહ્યું કે “લગ્નસરા અને ભોજન પ્રસંગોમાં પીરસાતું ખોરાક મહેમાનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ન બને તે અમારી જવાબદારી છે.’

‘ઓપરેશન શુદ્ધિ’ શું છે
ઓપરેશન શુદ્ધિ એ સુરત પોલીસનું વિશેષ અભિયાન છે જેનો હેતુ ખોરાકમાં ભેળસેળ સામે જનજાગૃતિ અને કડક કાર્યવાહી કરવાનું છે. છેલ્લા દિવસોમાં નકલી ઘી અને પનીર બનાવનારા રેકેટ પકડાયા બાદ પોલીસ હવે વધુ સતર્ક બની છે. આ અભિયાન હેઠળ શહેરના કેટરર્સ, મીઠાઈ ઉત્પાદકો અને રેસ્ટોરન્ટ્સની વિગતવાર યાદી તૈયાર થઈ રહી છે.

આગામી દિવસોમાં લગ્ન પ્રસંગો, ભોજન સમારંભો અને મોટી ઇવેન્ટ્સમાં SOGની ટીમ અચાનક રેડ કરીને ખાદ્ય સેમ્પલ લેશે. જો ખોરાક ભેળસેળયુક્ત સાબિત થશે, તો આરોપીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ગુનો દાખલ થશે અને ફૂડ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ થશે.

Most Popular

To Top