સુરત: ક્રાઈમ બ્રાંચે ગઈકાલે બપોરે મુંબઈથી ડ્રગ્સ લઈને આવેલી મહિલા અને પુરુષને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની ધનિષ્ઠ પુછપરછ કરવામાં આવતા તેઓએ મોં ખોલી નાંખ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે સહેજ પણ રાહ જોયા વિના ટીમો તૈયાર કરીને રાતભર શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અને આ દંપતિ જેને ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું તેવા પાંચ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ સામે ગુના દાખલ કરી કુલ 35 લાખનું ડ્રગ્સ મળી 37.37 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતએ શહેરમાં યુવાધન નશાના રવાડે ના ચઢે તથા શહેરમાં નશાયુકત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબુદ કરવાના આશય સાથે ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાનને વધુ વેગવંતુ બનાવાયું હતું. જે માટે ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો કામે લાગી હતી ત્યારે ગઈકાલે રાબીયા શેખ નામની મહિલા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પોતાની બેગમાં ભરી મુંબઇથી તેના મિત્ર સફીકખાન સાથે સુર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ બ્રાન્દ્રા- જોધપુર ટ્રેનમાં સુરતમાં ડિલીવરી કરવા આવનાર હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે સુરત રેલ્વે સ્ટેશનની બહાર વોચ ગોઠવી આરોપી રાબિયાબી અબ્દુલ રઝાક શેખ (ઉ.વ.૪૩, રહે. ગોવંડી મુંબઇ, મહારાષ્ટ્ર) અને સફીકખાન બાબુખાન પઠાણ (ઉ.વ.૪૦, રહે.જોનપુર ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી 25.23 લાખની કિમતનું ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ મળી કુલ 25.48 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓની પુછપરછ કરતા તેઓ એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મુંબઇ ખાતેથી અજાણ્યા પાસેથી લાવ્યા હતા. અને સુરત ખાતે રહેતા મોહસીન શેખ તથા સરફરાજ ઉર્ફે સલમાન તથા ફૈસલનાને આપવા આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. અને એક જ રાતમાં ક્રાઈમ બ્રાંચની ટીમએ શહેરમાં ધામા નાખી અલગ અલગ સ્થળ પરથી પાંચેય વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા હતા. અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ પાંચ સ્થળે રેઈડો કરીને કુલ 35.46 લાખનું 354.650 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. આ સિવાય કુલ 37.37 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
રાબિયા અને સફીક છેલ્લા સાતેક મહિનાથી ટ્રીપ મારતા
રાબીયા અને સફીક ખાન છેલ્લા છ સાત મહિનાથી મુંબઈથી સુરત ડ્રગ્સ સપ્લાય કરતા હતા. તેમાંયે છેલ્લા ત્રણ દિવસથી સતત મુંબઈથી સુરત આવીને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. ક્રાઈમ બ્રાંચની તેમની ઉપર વોચ હતી. અને ગઈકાલે તેમને પકડી પાડ્યા હતા. આરોપીઓ તેમને એક ટ્રીપના 5 થી 10 હજાર મળતા હોવાનું રટણ કરી રહ્યાં છે. શહેરમાં પકડાયેલા પાંચેય વોન્ટેડ આરોપીઓને પણ તેઓ જ સપ્લાય કરતા હતા. આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવતા પોલીસ વધારે પુછપરછ હાથ ધરશે.
આરોપી સરફરાજ હોટલમાં લલનાની રાહ જોતો હતો ને પોલીસ ત્રાટકી ગઈ
વોન્ટેડ આરોપી સરફરાજ ઉર્ફે સલમાનની તપાસ કરતા ક્રાઈમ બ્રાંચે તેને મધરાતે પાલ ગૌરવપથ પર સેવીયોન શોપીંગ પેરેડાઈઝ ખાતે આવેલી હોટલ કાસા મરીનામાં છુપાયો હતો. જ્યાંથી આરોપી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડીયાળી યાકુબભાઇ પટેલ (ઉ.વ.૪૩, રહે. રામનગર રાંદેર રોડ, સુરત તથા મુળ જંબુસર, ભરૂચ) ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 2.87 લાખનું 28.790 ગ્રામ એમડી ડ્રગ્સ તથા ગાંજો મળી કુલ 3.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અને પાલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાવ્યો હતો.
બે આરોપી રાંદેર રામા રેસિડેન્સી પાસે પકડાયા
આ સિવાય બીજો વોન્ટેડ આરોપી ફૈસલ શેખની તપાસ કરતા રાંદેર રામા રેસિડેન્સી પાસે જાહેર રોડ ઉપરથી ફૈસલ અલ્લારખ્ખા કચરા (ઉ.વ.૨૬, રહે. તાડવાડી રાંદેર રોડ) અને યાશીન બાબુલ મુલ્લા (ઉ.વ.૨૪, રહે. તાડવાડી રાંદેર) ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી પણ 3.15 લાખની કિમતનું 31.55 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. અન્ય મુદ્દામાલ મળી કુલ 3.27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. અને રાંદેર પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાયો હતો.
પોલીસને જોઈને એક બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગ કુદતા પટકાયો
ત્રીજો વોન્ટેડ આરોપી મોહસીન શેખ તેના મિત્ર અસ્ફાક મોહમંદ યુનુસ શેખના ઘરે છુપાયો હોવાની બાતમી મળી હતી. તેના આધારે તપાસ કરવા ગયા હતા. ત્યારે એક વ્યક્તિ નવી બિલ્ડીંગ કુંભારવાડ રૂદરપુરા ખાતે એક બિલ્ડીંગના ટેરેસ પરથી બીજી બિલ્ડીંગમાં કુદીને ભાગવા જતા તેને ઇજા થઈ હતી. તેને કોર્ડન કરી પકડી તેનું નામ પુછતા અસ્ફાક મોહમંદયુનુસ શેખ (ઉ.વ.૨૭, રહે. કુંભારવાડ અલ ખાલીદ ટીની સામે, ખ્વાજાદાના ન્યુ રોડ, રૂદરપુરા કુંભારવાડ અઠવા) હોવાનું જણાવ્યું હતું. તેને સારવાર માટે નવી સિવિલમાં લઈ ગયા હતા. અને બાદમાં તેની અંગઝડતી કરતા 1.44 લાખની કિમતનું 14.470 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની પાસેથી કુલ 1.59 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. અને અઠવા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.
નાનપુરા શૃતિ હોસ્પીટલ પાસેથી વધુ એક પકડાયો
આ સિવાય વોન્ટેડ આરોપીઓની તપાસ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નાનપુરા શૃતિ હોસ્પિટલની સામેથી સૈયદ આસીફ ઉર્ફે બાબુ હૈદર ઉર્ફે કાલુ સૈયદ (ઉ.વ.૪૦, રહે. બારોટ ટેકરા, બડી મસ્જીદની સામે, રાંદેર) ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 2.75 લાખની કિમતનું 27.500 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તેની પાસેથી કુલ 3.80 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અને અઠવા પોલીસમાં એનડીપીએસનો ગુનો નોંધાવ્યો હતો.
આરોપી સરફરાજ હત્યા અને હત્યાના પ્રયાસનો આરોપી
આરોપી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડીયાળી સામે રાંદેર પોલીસમાં અગાઉ વર્ષ 2020 માં હત્યાના પ્રયાસનો અને વર્ષ 2022માં હત્યાનો ગુનો નોંધાયો છે. આ સિવાય પણ તેની સામે બીજા 6 ગુના દાખલ છે. આરોપી ફૈસલ અલ્લારખ્ખા કચરા સામે લાલગેટ અને અઠવાલાઈન્સ પોલીસમાં તથા યાશીન બાબુલ મુલ્લાની સામે રાંદેરમાં અગાઉ ગુનો નોંધાયો છે.