વડોદરા : વડોદરાના કેમિકલ કંપની પર સાયબર એટેકની ઘટના સામે આવી છે. જેમાં નાઇજીરિયન હેકર ગેંગ દ્વારા કંપનીના ઉત્પાદનને લગતા મોનોપોલી ડેટા હેક કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હેકર ગેંગ દ્વારા આ ડેટાને સાર્વજનિક નહીં કરવા અને તેને ફરીથી એક્સેસ આપવા માટે કરોડોની ખંડણી ક્રિપ્ટો કરન્સીમાં માંગવામાં આવી રહી છે.
વડોદરા શહેરની આસપાસના ઉદ્યોગિક વસાહતોમાં પોતાનો ઉત્પાદન યુનિટ ધરાવતી એક કેમિકલ કંપનીના મહત્વપૂર્ણ ડેટા સર્વરને હેક કરી કંપનીના મેનેજમેન્ટને બ્લેકમેઇલ કરવાનું કાવતરું નાઇજીરિયન ગેંગ દ્વારા પાર પાડવામાં આવ્યું છે. આ કાવતરામાં કંપનીના કેટલાક ટોપ સિર્કેટ ડેટા અને ફોર્મ્યુલા હેકર્સ ગેંગના હાથે લાગી ગયા છે.
જેને લઈને કેમિકલ કંપનીના સંચાલકોની ચિંતા વધી છે. છેલ્લા એક સપ્તાહથી આ સાયબર એટેકને નિષ્ફળ કરવા માટે કંપની ની આઈ.ટી. ટીમ સતત પ્રયત્નશીલ છે. જ્યારે હેકર ગેંગ દ્વારા કંપની સત્તાધીશોને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી ક્રિપ્ટોકરન્સીમાં માંગવામાં આવી રહી છે.
કેમિકલ કંપની દ્વારા હાલ સુધી કોઈ કાનૂની ફરિયાદ કરવામાં આવી નથી.જ્યારે નાઇજીરીયન હેકર્સ સામે એથીકલ હેકર્સની ટીમ કાર્યરત છે અને કિંમતી ડેટા સિક્યોર કરવાની કવાયત હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં અગાઉ મહાનગર પાલિકામાં મેયર, ધારાસભ્ય, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સહિત વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સીટી પણ હેકર્સના સકંજામાં આવી હતી.ત્યાર બાદ આજરોજ વડોદરા નજીક આવેલી કેમિકલ કંપની પર સાયબર એટેક થતા કંપનીની આઈટી ટીમ દ્વારા અગત્યના ડેટા સુરક્ષિત કરવા તજવીજ શરૂ કરી છે.