સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગ કોન્ટ્રાક્ટરની ઉઘાડી લૂંટ હજી અટકી નથી. પત્નીને સુરત એરપોર્ટ પર પિક કરી ટોલ બુથ સુધી પહોંચતા માંડ 3-4 મિનિટ થઇ છતાં 30 રૂપિયાનો ચાર્જ મંગાયો હતો. કારચાલકે 30 રૂપિયા નહીં ભરતા ફાસ્ટ ટેગમાંથી 120 રૂપિયા કાપી લેવાયા હતા. આ ઘટના 25/3/2025ના રોજ 18.49 કલાકે બની હતી.
- સુરત એરપોર્ટ પર 30 રૂપિયા પાર્કિંગ ચાર્જ મંગાયો, ન આપ્યા તો ફાસ્ટેગમાંથી 120 રૂપિયા કપાઈ ગયા
- પત્નીને લેવા આવેલા કારચાલકને કડવો અનુભવ, ચારેક મીનિટમાં માંડ થઈ હશે ને પાર્કિંગના માણસોએ મોઢું ફાડ્યું
- રૂ.30ની વસૂલી ગેરકાયદે હોવાનું કારચાલકે સાબિત કરી દીધું તો જવા દીધો, પરંતુ બાદમાં ફાસ્ટેગમાંથી રકમ કાપી
કારચાલકે આક્ષેપ કર્યો હતો કે, સુરત એરપોર્ટ પર આવેલી પત્નીને ત્વરિત બેસાડી ટોલ બુથ સુધી પહોંચતા માંડ ત્રણ-ચાર મિનિટ થઈ હોવા છતાં તેમની પાસે 30 રૂપિયા મિનીમમ ચાર્જ માંગવામાં આવ્યો હતો, જો કે નિયમ મુજબ 09.30 મીનિટ ડ્રોપ અને પિક અપ ફ્રી છે.
અશ્વિન કેડિયા નામના યુવકે 30 રૂપિયા ભરવા ઇનકાર કર્યો હતો, પણ તે ઘરે પહોંચે તે દરમિયાન તેના મોબાઈલ ફોનમાં મેસેજ આવ્યો હતો કે, સુરત એરપોર્ટ પર તેના ફાસ્ટ ટેગમાંથી 120 રૂપિયા કાપવામાં આવ્યા છે. IDFC બેંક એકાઉન્ટમાંથી એ રકમ કાપી લેવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી.
અશ્વિન કેડીયાએએ ઉઘાડી લૂંટ વિશે કહ્યું હતું કે, “25મી માર્ચે પત્નીને લેવા સુરત એરપોર્ટ ગયો હતો, પાર્કિંગ સ્લિપ લઈ 6.50 વાગ્યે તેણે પ્રવેશ કર્યો હતો. અંદર ગયો, પાર્કિંગ સ્લિપ લીધી, પત્નીને પિક અપ કરી અને 3- 4 મિનિટમાં બહાર આવ્યો, ત્યારે એક્ઝિટ પાર્કિંગ બેરિયર પર એક વ્યક્તિએ 30 રૂપિયા ચાર્જની માંગ કરી દલીલ કરી હતી કે, ડ્રોપ ફ્રી છે અને પિકઅપ ચાર્જ 30 રૂપિયા છે. કેડિયાએ સામે સવાલ કર્યો હતો કે, આવું ક્યાં લખ્યું છે? તો તેણે દૂર લાગેલા રેટ બોર્ડ તરફ ઈશારો કર્યો હતો પણ ત્યાં આવું કંઈ લખ્યું ન હોવાથી ચાર્જ ચૂકવવા ઇનકાર કર્યો હતો.
પાર્કિંગ કોન્ટ્રાકટરના માણસને કોમર્શિયલ મેનેજર સાથે વાત કરાવવા આગ્રહ કરતા તેને જવા દીધો હતો. પરંતુ એરપોર્ટની બહાર નીકળ્યા પછી ફાસ્ટટેગથી 120 રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. પેસેન્જરને સંદેશો આ રીતે આપવામાં આવ્યો છે કે, જો 30 રૂપિયા મિનીમમ પાર્કિંગ ચાર્જ નહીં ભરો તો ફાસ્ટેગમાંથી 120 કાપી લેવામાં આવશે.
કોન્ટ્રાક્ટરની કામગીરી વિવાદી, ચાર્જ વસૂલવા ઈરાદાપૂર્વક ટ્રાફિકજામ કરાવે છે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સતત વિવાદો બહાર આવી રહ્યા હોવા છતાં તેની સામે ઓથોરિટીએ કોઈ દાખલારૂપ કાર્યવાહી કરી નથી. કોન્ટ્રાકટરના માણસો પાર્કિંગ ચાર્જ વસૂલવા ઇરાદાપૂર્વક ટ્રાફિક જામ કરાવે છે, જેને લીધે રોજે રોજ પિક અવર્સમાં વાહનોની લાંબી લાઈનો લાગે છે.
