Charchapatra

બે જ માર્ગ

ઘણા લાંબા સમયથી પકડદાવની રમત  પછી છેવટે ઈ.ડી.એ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી. ઘટનાક્રમ સમજવા જેવો છે, લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. અરવિંદ કેજરીવાલ ચૂંટણીમાં પ્રચાર ના કરી શકે એ માટેનું આ કારસ્તાન છે. મોદી સરકાર વિપક્ષ અને વિરોધીઓ પાછળ આદુ ખાઈને પડી છે.  હમણાં જે રીતે ઈ.ડી., આઈ.ટી., સી.બી.આઇ.અને ઇ.સી.(ઈલેકશન કમિશન)નો દુરુપયોગ થઈ રહ્યો છે, એ જગજાહેર છે.  કેમ વિરોધીઓ અને વિરોધ પક્ષોના માણસો પર જ ઈ.ડી‌. અને અન્ય સરકારી સંસ્થાઓના દરોડા પડી રહ્યા છે? ભાજપમાં શું ભ્રષ્ટાચાર નથી? ભાજપનાં લોકો શું દૂધે ધોયેલા છે?

“ભાજપ કરે તે લીલા અને બીજા કરે તે ભવાઈ” જેવો ઘાટ છે. મજબૂત કહેવાતી મોદી સરકાર વિરોધીઓથી કેમ આટલી બધી ગભરાઈ છે? આમ આદમી પાર્ટીના દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાને કેટલાય વખતથી જેલમાં નાંખી દીધા છે,બીજા આપના મંત્રી સત્યેન્દ્ર જૈન અને સંજયસિંહને પણ જેલમાં પૂરવામાં આવ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ હમણાં ધરપકડ થઈ છે. મોદી સરકાર વિરુદ્ધ બોલનાર જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકને ત્યાં પણ અને તેમની નજીકનાં લોકોને ત્યાં પણ સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા છે.

અત્યારે જેટલો સરકારી સંસાધનોનો દુરુપયોગ થઈ રહ્યો છે, એટલો ભૂતકાળમાં ક્યારેય નથી થયો. એનસીપીના અજીત પવાર પર ભાજપે 70,000 કરોડના  કૌભાંડનો આરોપ મૂક્યો, એના થોડા દિવસ પછી જ ભ્રષ્ટાચારી અજીત પવાર સાથે ભાજપે (નાતરું)ગઠબંધન કરી  મહારાષ્ટ્રમાં સરકાર બનાવી,  એટલું જ નહીં અજીત પવારને નાણાંમંત્રી પણ બનાવવામાં આવ્યા. ભાજપે વિરોધીઓ અને વિપક્ષો માટે બે જ માર્ગ ખુલ્લા રાખ્યા છે, ક્યાં તો ભાજપ જોઈન્ટ કરી લો, (તો તમારા બધા ભ્રષ્ટાચાર અને ગુનાઓ માફ) અથવા જેલમાં જાવ.
સુરત     – પ્રેમ સુમેસરા       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ન્યાયપાલિકાઓ પર વિશ્વાસ રાખો
વિરોધ પક્ષો દ્વારા નિરંતર સરકારની એજન્સી સંસ્થાઓ પર ચૂંટણી આયોગ પર તેમજ દેશની ન્યાયપાલિકાઓ પર અયોગ્ય રીતે સ્વાર્થ સિધ્ધ કરવાના હેતુથી દુરુપયોગ થાય છે એવા આક્ષેપો કર્યા છે અને કરી રહ્યા છે. હાલમાં જ મની લોન્ડરીંગ કેસમાં આમઆદમી પાર્ટીના વરિષ્ઠ સભ્ય સંજયસિંહને 6 મહિના પછી કોઇ ચોક્કસ પુરાવા નહીં મળતાં અને ઇડી વિભાગ દ્વારા કોઇ વિરોધ નહીં નોંધાવતાં સુપ્રીમ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. ટૂંકમાં જે વ્યકિત નિર્દોષ છે અને ન્યાયપાલિકા પર શ્રદ્ધા વિશ્વાસ રાખે છે તે સજામુકત થવાનો જ છે પરંતુ જે દોષી છે અને પોતાના બચાવ માટે સરકારી એજન્સીઓ પર અયોગ્ય આરોપો મૂકે છે જેને ન્યાયપાલિકા પર વિશ્વાસ નથી અને પ્રાપ્ત પુરાવા હોય તો સંપૂર્ણ સજાને યોગ્ય છે. તમે નિર્દોષ છો? તો પછી ભય કેમ? તમે ન્યાયપાલિકા પર વિશ્વાસ રાખો એ યોગ્ય ન્યાય કરશે અને તમને કલીનચીટ આપશે જ.
સુરત     – રાજુ રાવલ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top