Editorial

રચનાના 150 વર્ષ પુરા કરનાર વંદે માતરમ્ ગીતના બે જ અંતરા રાષ્ટ્રીય ગીત તરીકે માન્ય છે

જે વંદમાતરમ્ ગીતે સ્વાતંત્ર્ય સંગ્રામના નરબંકાઓને પાનો ચડાવ્યો હતો, જે ગીતે ભારતને આઝાદી અપાવવામાં ભારે મદદ કરી હતી તે ગીતની રચના અન્ય કોઈએ નહીં પરંતુ બ્રિટિશ સરકારના ડેપ્યુટી મેજિસ્ટ્રેટે કરી હતી. શુક્રવારે 7મી નવેમ્બરના રોજ આખા દેશમાં વંદેમાતરમ્ ગીતની રચનાના 150 વર્ષ પુરા થયાની ઉજવણી કરવામાં આવી પરંતુ વંદેમાતરમ્ ગીતની રચના કેવી રીતે થઈ તે જાણવા જેવી છે. કલકત્તા યુનિ.માં પ્રથમ બે સ્નાતકો થયા તેમાં એક બંકિમચંદ્ર ચટોપાધ્યાય હતા. બંકિમચંદ્ર ભણીગણીને બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ બન્યા પરંતુ તેમનો જીવ સાહિત્યનો હતો અને તેઓ દેશભક્તિના રંગે રંગાયેલા હતા.

એક વખત આ ડેપ્યુટી મેજીસ્ટ્રેટ બંકિમચંદ્ર પશ્ચિમ બંગાળમાં હાલના નૈહાટી વિસ્તાર એવા શિવપુરથી કાઠલપરા સુધી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બારી બહારથી દેખાતા સુંદર દૃશ્યો જોઈને તેમણે વંદેમાતરમ્ કવિતાની રચના કરી હતી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વન્દે માતરમ્ ગીતની પહેલી બે ટૂંક ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખી હતી. આ બન્ને ટૂંકમાં કેવલ માતૃ-ભૂમિ ની વંદના છે. તેમણે ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનંદ મઠ નામની નવલકથા લખી અને આ ગીતને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતની બાકીની ટૂંકો બંગાળી ભાષામાં ઉમેરવામાં આવી હતી. આ બાકીના કાવ્યમાં દુર્ગાની સ્તુતિ છે.

ભારતની સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનું સૂર આપનાર ગીત ‘વંદે માતરમ્’ એ માત્ર એક રાષ્ટ્રગીત નહીં પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના છે. આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે. ‘વંદે માતરમ્’ ગીતને અડધું સંસ્કૃત અને અડધું બંગાળી ભાષામાં રચ્યું હતું ‘વંદે માતરમ્’ શબ્દનો અર્થ છે  ‘હે માતૃભૂમિ, તને નમન’. આ ગીત પ્રથમવાર સને 1882માં બંકિમચંદ્રની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’માં પ્રગટ થયું હતું.

આ ગીતમાં માતૃભૂમિને દેવીરૂપે આરાધવામાં આવી છે, જેની પવિત્રતા, સૌંદર્ય, સમૃદ્ધિ અને શૌર્યનું કાવ્યાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. બંકિમચંદ્રે આ ગીતને અડધું સંસ્કૃત અને અડધું બંગાળી ભાષામાં રચ્યું હતું. આ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ રવીન્દ્રનાથ ટાગોરે તૈયાર કર્યું હતું અને કોંગ્રેસનાં કલકત્તા અધિવેશનમાં 1896માં રવીન્દ્રનાથ ઠાકુરે એને લય બદ્ધ રીતે અને સંગીત સાથે ગાયું. અરવિંદે આ ગીતનું અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ ખાને ઉર્દૂમાં ભાષાંતર કર્યું છે. કોંગ્રેસના સત્રમાં આ ગીત ગવાયા બાદ  ‘વંદે માતરમ્’ એ સ્વાતંત્ર્યસેનાનીઓ માટે આંદોલનની ગર્જના બની ગયું. લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદો ઘોષ જેવા ક્રાંતિકારીઓ માટે આ ગીત પ્રેરણાનું સ્ત્રોત બન્યું.

1937માં આ ગીતની ઉપર કોંગ્રેસમાં ચર્ચા થઈ અને જવાહરલાલ નહેરૂ દ્વારા અધ્યક્ષિત સમિતિએ ફક્ત આના પહેલા બે અનુચ્છેદોને માન્યતા આપી. આ સમિતિમાં અબુલ કલામ આઝાદ પણ હતા. પહેલા બે અનુચ્છેદોને માન્યતા આપવાનું કારણ હતું કે આ બે અનુચ્છેદોમાં કોઇ પણ દેવી-દેવતાની સ્તુતિ નથી અને તે દેશનાં સમ્માનમાં માન્ય હતાં. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં ૨૪ જાન્યૂઆરી ૧૯૫૦નાં રોજ એક વક્તવ્ય રજૂ કર્યું. જેનો સ્વીકાર કરવામાં આવ્યો. આ વક્તવ્યમાં વંદે માતરમ્ કાવ્યના ફક્ત પહેલા બે અનુચ્છેદોને જ માન્યતા આપવામાં આવી છે. આ બે અનુચ્છેદ જ પ્રાસંગિક છે અને તેને જ રાષ્ટ્રગાનનો દરજ્જો પ્રદાન કરેલો છે. 15 ઑગસ્ટ 1947ની મધરાતે જ્યારે સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરક્યો ત્યારે જનસમૂહે એકસાથે ‘વંદે માતરમ્’ના નાદ સાથે સ્વાતંત્ર્યનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. 1950માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. જોકે, ભારતનું રાષ્ટ્રગીત ‘જનગણમન’ જ રાખવામાં આવ્યું.

Most Popular

To Top