Comments

રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે સલામતી સમિતિનો ઠરાવ કેટલો અસરકારક રહેશે એ તો આવનાર સમય જ કહેશે

યુનાઇટેડ નેશન્સ બીજા વિશ્વયુદ્ધ પછી જગતમાં વિનાશક યુદ્ધો ના થાય તે માટે સ્થપાયેલી સંસ્થા છે. જેમ જેમ વર્ષો વીતતાં ગયાં તેમ યુનાઈટેડ નેશન્સ, ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ, વર્લ્ડ બૅન્ક જેવી વિશ્વકલ્યાણ માટે સ્થપાયેલી સંસ્થાઓ ધીરે ધીરે વીટો પાવરવાળા દેશોની અને તેમાંય ખાસ કરીને અમેરિકાની કઠપૂતળી તરીકે કામ કરતી થઈ ગઈ. યુનાઇટેડ નેશન્સે દુનિયાનું ક્યાંક ક્યાંક ભલું કર્યું હશે પણ ગાઝા પટ્ટી અને વેસ્ટ બૅન્કમાં નરસંહાર થયો, પેલેસ્ટિલિયનવાસીઓ આર્તનાદ કરતાં રહ્યાં અને એમને બચાવવા નીકળેલ હમાસ, હિઝબુલ્લા અંશતઃ હુથી તેમજ લેબેનોન, ઇરાન જેવા દેશો માથાં પટકતાં રહી ગયાં.

એ જ રીતે ઝેલેન્સ્કીનું યુક્રેન અને પુતિનનું રશિયા દીવાળીમાં સૂતળીબૉમ્બ કે ટેટા ફોડતા હોય એ રીતે વિનાશક શસ્ત્રના ધડાકાભડાકા કરતા રહ્યા. મોટા પાયે સંપત્તિની અને માનવજીવોની ખુવારી થઈ. પણ અમેરિકા ખૂબ મોટા પાયે ઇઝરાયલ તેમજ યુક્રેનને નાણાંકીય અને શસ્ત્રસહાય આપતું રહ્યું. ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા વતી લડતા રહ્યા. જગત જમાદાર અમેરિકાએ દુનિયા આખી જાણે કે એની બાપીકી મિલકત હોય એમ મરજીમાં આવે એ રીતે પ્રતિબંધો લાદ્યા પણ શાંતિ સ્થપાય એવો એક પ્રયત્ન કરવાનું એને ના સૂઝ્યું. સિક્યોરિટી કાઉન્સિલે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટેનો ઠરાવ પણ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં મૂક્યો જેમાં રશિયાને આક્રમક ગણાવવામાં આવ્યું નહોતું.

ફ્રાન્સના પ્રમુખ મેક્રોન દ્વારા એવી ચેતવણી આપવામાં આવી હતી કે, શાંતિનો અર્થ એવો ન થાય કે યુક્રેને શરણાગતિ સ્વીકારી. નિષ્ણાતો પણ આખીયે શાંતિ વાર્તાને ખામીયુક્ત ગણાવે છે. એનાથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નહીં આવે. રશિયન આર્મીએ જે તીવ્ર હુમલાઓ કર્યા છે એનો સામનો કરવાનું યુક્રેને ચાલુ રાખ્યું છે પણ આ યુદ્ધ હવે એ તબક્કે પહોંચ્યું કે જ્યારે નાના એવા વિસ્તાર પર કાબૂ મેળવવા બહુ મોટી કિંમત/ખુવારી માગી લે છે.

રશિયાએ ત્રણ વર્ષ પહેલાં આક્રમણ કર્યું ત્યાંથી શરૂ કરીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીનાં ત્રણ વર્ષમાં જે નુકસાન થયું તેમાંથી યુક્રેનને જો પાછું ઊભું કરવું હોય તો એ માટે ૨૦૨૪ના વર્ષ માટેના એમના કુલ આર્થિક ઉત્પાદનની ત્રણ ગણી રકમ જરૂરી બનશે એવું વિશ્વ બૅન્ક, યુનાઇટેડ નેશન્સ, યુરોપિયન કમિશન અને યુક્રેનિયન ગવર્નમેન્ટ દ્વારા નવેસરથી જે અભ્યાસ કરવામાં આવ્યો તેનું તારણ છે. રશિયન હુમલાઓને કારણે યુક્રેનના ૭૦ ટકા એનર્જી ઇન્ફ્રાસ્ટક્ચર એટલે કે, ઊર્જા માટેની આંતરમાખાકીય સવલતોને નુકસાન થયું છે.

આ બધી સંસ્થાઓના સંયુક્ત અભ્યાસમાં અગાઉ એક વર્ષ પહેલાં ૪૮૬ અબજ ડૉલરના નુકસાનનો અંદાજ મૂકવામાં આવ્યો હતો તેમાં કમસેકમ ૬૦ ટકા જેટલો વધારો થયો હોવાનું જણાયું છે. અત્યારે પ્રાથમિકતા તો શક્ય તેટલું વહેલું યુદ્ધ પૂરું કરવાની છે. યુક્રેન ઉ૫૨ સમાધાન સ્વીકારવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે પણ યુક્રેનની લાંબા ગાળાની સંરક્ષણ જરૂરિયાતો બાબતે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી. આ કારણોથી કદાચ તાત્કાલિક અને કામચલાઉ ધોરણે યુદ્ધ અટકી શકે પણ એનાથી લાંબા ગાળાની શાંતિ નહીં સ્થપાય.

સામા પક્ષે રશિયાએ યુક્રેન સંબંધિત અમેરિકન અભિગમને આવકાર્યો છે. રશિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિમાં મતદાન બાદ અમેરિકાએ જે વલણ અખત્યાર કર્યું છે તે આવકારદાયક છે. આ બધા વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે એક કરતાં વધારે સરહદે યુદ્ધ ચાલુ જ છે. સલામતી સમિતિમાં ઠરાવ પસાર કર્યા પછી પણ યુદ્ધની ગતિવિધિઓ તો ઉભય પક્ષે ચાલુ જ રહી છે. કદાચ થોડા દિવસોમાં એ શાંત પડતી જાય એવું બની શકે પણ હાલ, એ અંગે કંઈ પણ કહેવું વહેલું છે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top