સુરત (Surat) : ધોરણ-1ની પ્રવેશ પ્રક્રિયા શહેરની શાળાઓમાં (School Admission) શરૂ થઈ ગઈ છે. તેવામાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ (DEO) નવા શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા બાળકોને (Child) પ્રવેશ આપવામાં આદેશ કર્યો છે.
- નવા શૈક્ષણિક વર્ષમાં છ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધો.1માં પ્રવેશ મળશે
- અત્યાર સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ કરનારા બાળકોને પ્રવેશ અપાતો હતો
અત્યાર સુધી રાજ્યમાં પહેલી જૂને પાંચ વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવતો હતો. જોકે, બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા આરટીઇના નિયમમાં ફેરફાર કરાયો હતો. જેમાં ધોરણ-1માં પ્રવેશ માટે બાળકોના છ વર્ષ પૂર્ણ થયા હોવું ફરજિયાત કર્યું હતું. પણ સુરત સહિત ગુજરાત રાજ્યમાં ધોરણ-1માં પાંચ વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ પ્રવેશ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે અન્ય બોર્ડે ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને પ્રવેશ આપવાનું શરૂ કર્યું હતું. દરમિયાન રાજ્યમાં વિવિધ બોર્ડમાં એકસૂત્રતા જળવાય રહે એ માટે ગુજરાત શિક્ષણ બોર્ડે પણ છ વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો હતો.
આવા નિર્ણય વચ્ચે પ્રાથમિક શિક્ષણ નિયામકે ધોરણ-1માં પ્રવેશ આપવા મામલે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે, આરટીઇ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ લેનારા બાળકોની ઉંમરના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર શૈક્ષણિક વર્ષના પહેલી જૂનના રોજ જે બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ નહીં થઇ હોય તેવા બાળકોને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
નિયમમાં કરેલા સુધારાની જાણ તમામ પ્રાથમિક શાળાઓને અગાઉ પણ કરવામાં આવી હતી. તેમજ વાલીઓને પણ સલાહ આપવાની રહેશે કે જો બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માંગતા હોય તો, શિક્ષણ વિભાગના જાહેરનામાને ધ્યાનમાં લઇ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક પ્લે ગ્રુપ, નર્સરી, જૂનિયર કે.જી અને સિનિયર કે.જી.માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ-1માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે, ત્યારે બાળકે પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોય. સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે જે બાળકની ઉંમર પહેલી જૂનના રોજ છ વર્ષથી ઓછી હશે તેવા બાળકને ધોરણ-1માં પ્રવેશ આપી શકાશે નહીં. જે મમાલે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે.