એક દુકાન આગળ ઊભા રહી સોક્રેટિસ વિચારે છે, આમાંથી એક પણ વસ્તુ વગર મારું કશું પણ અટકી નથી પડતું. ઈચ્છા અને મહત્ત્વાકાંક્ષા એ તો જીવનનાં ચાલકબળ છે. અત્યારે દુનિયા જ્યાં પહોંચી છે એની પાછળ પ્રમુખ કારણ છે માનવીય ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ. Necessity is mother of invention. જરૂરિયાત એ શોધની માતા છે. ટેકનોલોજી સગવડ આપશે પણ એ ટેકનોલોજીના ઉપયોગમાં “વિવેક” નહીં જળવાય તો અધઃપતન નિશ્ર્ચિત છે. જેમ ગાડીને ગતિ આપવા માટે એકસેલેટર હોય છે અને યોગ્ય સમયે અટકાવવા માટે બ્રેક હોય છે, એમ યોગ્ય સમયે ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પર બ્રેક ન લાગે તો અકસ્માતની સંભાવના વધી જતી હોય છે. ગાંધીજી કહેતા કે, માનવીય જરૂરિયાતોને સંતોષી શકે એટલું પ્રકૃતિ પાસે છે, પણ માણસના લોભને સંતોષી શકે એટલું નહીં.
સમય બચાવવા સાધનો (ટેકનોલોજી) શોધાયાં, આજે વદતોવ્યાઘાત એ છે કે એ જ સાધનો “સમય” ખાઈ જાય છે…સુખ – સગવડ માટે ટેકનોલોજી શોધાયાં. આજે એ જ ટેકનોલોજી ક્યાંક દુઃખ, પીડા અને અગવડનું કારણ પણ બન્યાં છે. દરેક યુગ અને ટેકનોલોજીના લાભાલાભ અલગ અલગ રહેવાનાં. યુગ કોઈ પણ હોય, સારાસાર અને નીર ક્ષીર “વિવેકબુદ્ધિ” નો દીવો પ્રજ્વલિત રહે તો અંધકારથી દૂર રહી શકાય.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આયુષ્યમાન કાર્ડમાં નીતિ-નિયમ જરૂરી છે
આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતાં લોકોને પણ જરૂરી તબીબી સારવાર મળી શકે એ હેતુથી આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં આવી, જેમાં સંયુકત કુટુંબની વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોય તે પરિવારોને આ યોજનાનો લાભ મળી શકે છે. પરંતુ આ યોજનાનો અયોગ્ય રીતે લાભ લેનારાઓ કે જેમની સંયુકત કુટુંબની વાર્ષિક આવક ચાર લાખથી વધુ છે તેવાં મોટી સંખ્યામાં લોકો થઈ રહ્યાં છે. હવે રાજ્ય સરકારે આ યોજનાનો લાભ યોગ્ય પરિવારોને જ મળે તે અંગે કડક જરૂરી નીતિ-નિયમો બનાવવા અને તેનો કડક યોગ્ય અમલ થાય તે અંગે જોગવાઈ કરવી જરૂરી બન્યું છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.