Business

જીવનનું રહસ્ય પામો તો જ સાચું જીવન

એક ભાઈને ઘેર મહેમાન આવ્યા, એટલે એ ભાઈ બજારમાં જઇ શાકભાજી લઇ આવ્યા. એમાં બે દડા કોબીજના લાવેલા, પત્ની નવીસવી, પરણીને આવેલી, પતિએ કોબીજ આપીને કહ્યું, ‘લે, આનું શાક બનાવ’ પત્નીએ કહ્યું : આ શું છે? પતિએ કહ્યું : આ કોબીજ છે. પત્નીએ કોબીજનાં પાંદડાં ઉખેડવા માંડયા, એણે પહેલી વાર કોબીજ જોઈ હતી. એક પછી એક બધાં પાંદડાં ઉખેડી ઢગલો કર્યો પછી એણે પતિને પૂછયું: આ કોબીજ આખી ફોલી નાખી પણ એમાંથી કોબીજ ના નીકળી કોબીજ કયાં છે? પતિએ કહ્યું: આ બધું ફોલીને ઢગલો કર્યોને એ જ તો કોબીજ છે ચાલ એને સમારીને શાક બનાવી દે. ત્યારે પત્નીને ખબર પડી કે, આ પાંદડા જ કોબીજ છે. આવું આપણા જીવનનું ઘણાને જીવન વિશે સાચી સમજ જ નથી હોતી, એ આખી જીંદગી જીવી જાય અને સમયનાં પાંદડાં એક પછી એક ઉખેડતો રહે વર્ષે પસાર થતા રહે અને પછી સમય પૂરો થવા આવે ત્યારે કોબીજ કયાં છે? એમ જીવન શું છે? એવો પ્રશ્ન થાય.

જીવનના પ્રશ્નનું રહસ્ય ઉકેલી ના શકે ત્યાં તો એનું જીવન પુરું થવા આવ્યું હોય એ શા માટે જીવે છે, કોના માટે જીવે છે કેમ જીવે છે? આ બધા પ્રશ્નો વણઉકલ્યા જ રહી જાય છે અને કોબીજનાં બધા પાંદડા ઉખેડયા પછી કશું ન બચે, એમ સમય પસાર થઇ ગયા પછી કશું નથી રહેતું કદાચ અંત સમયે ખબર પડે કે આપણે આવું કરવું ન હતું. આમ કર્યું હોય તો વધુ સારું વગેરે અનેક વિચારોના પડ એની આસપાસ વીંટળાયેલા રહે છે ત્યારે જીવનને સાર્થક કરવા સમયસર માણસ ચેતી જાય અને પોતાના આત્મ કલ્યાણ સાથે સમાજને કંઇક આપી જાય તો એનું જીવન સાર્થક ગણાય છે.

પોતાના પરિવાર માટે અને પોતાની સુખ સગવડતા માટે કે ઉપભોગો માટે બધા જીવે છે પણ પોતાની અંદર બેઠલો જે અમર છે, જે આ શરીર છોડીને પણ જીવતો રહેવાનો છે એના માટે શું કર્યું? એ મહત્વનું છે. જીવનનું રહસ્ય પામો તો જ સાચું જીવન છે એ રહસ્ય બહુ ઓછા ઉકેલી શકે છે એના માટે આત્મજ્ઞાન, ગુરુજ્ઞાન કે સંસ્કાર કામ કરે છે. આ ગુરુજ્ઞાનની વાત નીકળી તો એક બીજી વાત યાદ આવી. એકવાર ગુરુ અને તેમના શિષ્યો નાવમાં નદી પાર કરી રહ્યા હતા. શિષ્યો રસ્તામાં ખાવા ચણા અને ખજૂર લાવેલા, તેઓ ખજૂર ખાવા લાગ્યા, અને જરા મસ્તીએ ચડી ગયા, એક જણ ખજૂરના ઠળિયા આગળ બેઠેલા ગુરુના માથા પર ફેંકી રહ્યો હતો બીજા શિષ્યોએ જોઈ હસી રહ્યા હતા.

ગુરુને ખબર હતી પણ તે મૌન હતા, મનમાં પોતાના ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા, એવામાં ભગવાન ગુરુના ચિત્તમાં પ્રગટ થયા, અને કહ્યું, આ શિષ્યોને શિક્ષા કરો, અથવા હું હોળી ડૂબાવી દઉં.’ ગુરુએ ભગવાનને કહ્યું, ના એવું ના કરશો, હોળી ડૂબે તો હું પણ ડૂબી જાઉં. મારા શિક્ષણમાં કોઇ ખામી રહી ગઈ લાગે છે. ભગવાન તમે એમને સદ્દબુદ્ધિ આપો, અને એમને જીવવા દો, મને પણ જીવવા દો. હું તેમને માફ કરી દઉં છું. ભગવાન આ વાત સાંભળી  ખુશ થયા અને તથાસ્તુ કહી દીધુ. અહીં અચાનક શિષ્યોને ભાન થયું કે, પોતે ખોટું કરી રહ્યા છે, એટલે એમણે ગુરુને પગે પડી માફી માગી શિષ્યોને સાચું જ્ઞાન થયું, એ જોઇ ગુરુ રાજી થયા.આમ સાચું જ્ઞાન થવું એ જ જીવનનું રહસ્ય છે.

Most Popular

To Top