Columns

ડૂબી રહેલા પાકિસ્તાનને હવે તો ખુદા જ બચાવી શકે તેમ છે

પાકિસ્તાનમાં ડોલરનો ભાવ એક જ દિવસમાં ઉછળીને ૨૩૦ રૂપિયા પરથી ૨૫૫ રૂપિયા પર પહોંચી ગયો છે. પાકિસ્તાન સરકારને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું ૬.૫ અબજ ડોલરનું પેકેજ જોઈએ છે. તેની એક શરત એવી હતી કે પાકિસ્તાન સરકારે તેના રૂપિયાને કૃત્રિમ ટેકો આપીને ટકાવી રાખવાને બદલે મુક્ત રીતે પડવા દેવો. ગભરામણનો ભોગ બનેલી પાકિસ્તાની સરકારે તે શરત માની લીધી માટે ગણતરીના કલાકોમાં રૂપિયો ગબડી પડ્યો હતો. જો આ રીતે પાકિસ્તાની રૂપિયાનો ફ્રી ફોલ ચાલુ રહ્યો તો ડોલરનો ભાવ વધીને ૩૦૦ રૂપિયા પર પહોંચી જશે ત્યારે પાકિસ્તાનમાં ઇંધણ, અનાજ અને શાકભાજીના ભાવો છાપરું પણ તોડીને બહાર નીકળી જશે.

પાકિસ્તાનમાં ફુગાવો ૩૫ ટકાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. ફુગાવાને નાથવા માટે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજના દરો સતત વધારવામાં આવી રહ્યા છે. વ્યાજના દરો ૧૭ ટકા કર્યા પછી પણ ફુગાવો માઝા મૂકી રહ્યો છે. લોટના ભાવો ક્યાંક ૩,૦૦૦ રૂપિયે કિલો પર પહોંચી ગયા છે. ગરીબ લોકો ભૂખે મરી રહ્યા છે. પાકિસ્તાનની બરબાદીનું મુખ્ય કારણ ફિસ્કલ ડેફિસિટની પદ્ધતિ છે. પાકિસ્તાનની સરકાર કરવેરાઓ વધાર્યા વિના નોટો છાપીને ખર્ચાઓ કરવામાં ભાન ભૂલી ગઈ હતી. તેને કારણે સરકારનું દેવું વધતું જતું હતું.

સરકારને જે આવક થાય તેના ૮૦થી ૯૦ ટકા તો વ્યાજની ચૂકવણીમાં જ ખર્ચાઈ જતા હતા. હવે દોરડીનો વળ છેડે આવી ગયો છે. પ્રજાના કલ્યાણ માટે કરવેરાના રૂપિયા ખર્ચવાને બદલે ભારત સાથે યુદ્ધ કરવા માટે પાકિસ્તાન શસ્ત્રોની ધૂમ ખરીદી કરતું આવ્યું છે. પાકિસ્તાનનું લશ્કર સંરક્ષણ પાછળનું બજેટ પોતાની સુખસગવડો વધારવા માટે વાપરતું આવ્યું છે. પાકિસ્તાની શાસકો લોન લઈને ખાધને સરભર કરવામાં માનતા હતા. તેઓ આજનું મોત આવતી કાલ પર ઠેલી રહ્યા હતા. તે આવતી કાલ આવી ગઈ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ૬.૫ અબજ ડોલરની લોન આપશે તો પણ ધરમૂળના ફેરફારો વગર પાકિસ્તાન બચવાનું નથી.

કોઈ દેશ પાસે પોતાનું ઉત્પાદન ન હોય અને તે પોતાની જરૂરિયાતો સંતોષવા ખાતર માત્ર આયાત પર આધાર રાખતો હોય ત્યારે તેની કેવી હાલત થાય? તેનું આદર્શ ઉદાહરણ પાકિસ્તાન છે. પાકિસ્તાનમાં આયાત-નિકાસ વચ્ચેની ખાઈ સતત પહોળી બનતી જતી હતી. તેને સરભર કરવા માટે આયાત ઘટાડવાને અને નિકાસ વધારવાને બદલે પાકિસ્તાને દેવું કરીને આયાત પર નિર્ભર રહેવાનો રસ્તો અપનાવ્યો હતો, જેને કારણે તેના હૂંડિયામણના ભંડારો ખાલી થઈ ગયા હતા. આજની તારીખમાં પાકિસ્તાન પાસે માત્ર ૪.૪ અબજ ડોલર બચ્યા છે, જેના વડે ત્રણ અઠવાડિયાનું ઇમ્પોર્ટ બિલ જ ચૂકવી શકાય તેમ છે. પાકિસ્તાને ખનિજ તેલની આયાત પર નિયંત્રણો મૂક્યાં તેને કારણે દેશમાં ઊર્જાની કટોકટી પેદા થઈ છે. પેટ્રોલ પમ્પો પર વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે અને દેશનાં લોકોને કલાકો સુધી અંધારપટમાં રહેવું પડે છે, કારણ કે થર્મલ પાવર સ્ટેશનો ચલાવવા માટે ગેસની વિદેશોથી આયાત કરવામાં આવતી હતી તેમાં કાપ મૂકવાની ફરજ પડી છે.

પાકિસ્તાનમાં ઇંધણની જે કટોકટી પેદા થઈ છે તે સરકારની ખોટી આર્થિક નીતિનું ફળ છે, પણ જે અનાજની કટોકટી પેદા થઈ છે, તેના માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે. પાકિસ્તાનમાં ગયા વર્ષે વિનાશક પૂરો આવ્યાં હતાં, જેને કારણે ઘઉંનો ૮૦ ટકા પાક નાશ પામ્યો હતો. સરકારે વેળાસર જરૂરી ઘઉંની આયાત ન કરી અને આયાત કરવામાં આવેલા ઘઉંનું પદ્ધતિસર વિતરણ ન કર્યું તેને કારણે દેશમાં ભૂખમરો અને રોટી રમખાણો જોવા મળી રહ્યાં છે. જે ગરીબો પોતાની મર્યાદિત આવકમાંથી માંડ માંડ અનાજ ખરીદી શકતા હતા તેઓ ફુગાવાને કારણે હવે અનાજ ખરીદી શકતા નથી. સરકાર દ્વારા રાહતના ભાવે જે ઘઉં આપવામાં આવે છે, તેનો પુરવઠો મર્યાદિત છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ૬.૫ અબજ ડોલરની લોન આપવા માટે જે શરતો મૂકવામાં આવી છે, તેમાંની એક શરત અનાજ પર આપવામાં આવતી સબસિડી નાબૂદ કરવાની છે. જો પાકિસ્તની સરકાર આ શરત માની લેશે તો ગરીબોને સસ્તા ભાવે જે થોડુંઘણું અનાજ પણ મળે છે તે બંધ થઈ જશે. ત્યાર બાદ વિદેશી કંપનીઓ પાકિસ્તાનમાં મોટા પાયે અનાજની આયાત કરીને નફો રળી શકશે. આ રીતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પણ પાકિસ્તાનને લૂંટવા માટે જાળ બિછાવી રહ્યું છે. પાકિસ્તાને પોતાનું અર્થતંત્ર આયાત પર નિર્ભર બનાવ્યું તેને કારણે તેને આ દિવસો જોવા પડ્યા છે. પછેડી કરતાં મોટી સોડ તાણવાનું પરિણામ પાકિસ્તાન ભોગવી રહ્યું છે. જે લોન લેવાને કારણે પાકિસ્તાન બરબાદ થયું તે લોન લઈને તે આજનું મોત આવતી કાલ પર ઠેલવા માગે છે.

પાકિસ્તાનમાં અત્યારે શાહબાઝ શરીફની સરકાર છે. પહેલાં ઇમરાન ખાનની સરકાર હતી. ઇમરાન ખાનની સરકારે આડેધડ લોન લઈને દેશને દેવાદાર કર્યો માટે તે અળખામણી થઈ  ગઈ હતી અને તેણે વગર ચૂંટણીએ સત્તા ગુમાવી હતી. શાહબાઝ શરીફના પક્ષે લોકોને હથેળીમાં ચાંદ દેખાડ્યો હતો. હવે તે પણ દેવાના ડુંગર હેઠળ દબાઈ ગઈ ત્યારે ઇમરાન ખાન ફરી સત્તા પર આવવા ઉતાવળો થયો છે. તેનો દાવો છે કે જો તેને વડા પ્રધાન બનાવવામાં આવશે તો તે ચપટી વગાડતાં તમામ સમસ્યાઓ હલ કરી દેશે.

હકીકતમાં પાકિસ્તાનના કોઈ નેતા પાસે આર્થિક સમસ્યાનું સમાધાન નથી. આ સમસ્યા પેદા કરનારું લશ્કર શાંતિથી તમાશો જોઈ રહ્યું છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં કોઈ સરકાર નિષ્ફળ જાય તો લશ્કર સત્તાનાં સૂત્રો સંભાળી લેતું હોય છે. આ વખતે લશ્કર તેમ કરવા તૈયાર નથી, કારણ કે તેને આર્થિક બાબતોમાં ગતાગમ પડતી નથી. પાકિસ્તાને ભારત સામે લડવા માટે શસ્ત્રો ખરીદવાને બદલે પોતાના અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવા ઉપર જો ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો પણ કદાચ તે વર્તમાન કટોકટીમાંથી બચી ગયું હોત.

પાકિસ્તાન સરકારે રૂપિયાને ડૂબતો રોકવા માટે મોડે મોડે આયાત પર નિયંત્રણો મૂકવાની યોજના બનાવી હતી. તેમાં અગાઉ જે અનાજ અને દવાના ઓર્ડરો આપવામાં આવ્યા હતા તેની ડોલરમાં ચૂકવણી પણ અટકાવી દેવામાં આવી હતી. પાકિસ્તાની બંદરો પર કાંદા અને દવાઓ લઈને સ્ટીમરો આવી ચૂકી છે, પણ તેનાં બિલો ચૂકવાયાં ન હોવાથી માલ પાકિસ્તાનમાં ઉતારી શકાતો નથી. કાંદાના ભાવો બેકાબૂ થઈ ગયા છે. દવાઓ માટેના કાચા માલની આયાત પણ ખોરવાઈ ગઈ હોવાથી પાકિસ્તાનમાં જીવનસંરક્ષક દવાઓની અછત પેદા થઈ છે. પાકિસ્તાનના પોલ્ટ્રી ફાર્મવાળા તેમના ચિકનને આયાતી સોયાબીન ખવડાવે છે. તેની આયાત અટકી ગઈ હોવાથી ચિકન અને ઇંડાંના ભાવો પણ વધી ગયા છે. પાકિસ્તાનની અવદશાનું કારણ આયાત ઉપરની નિર્ભરતા છે.

ડૂબતો માણસ તણખલું પકડે તે ન્યાયે પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને ચીન જેવા મિત્ર દેશો પાસે પણ ડોલરની ભીખ માગી છે, પણ કોઈ દેશ પોતાના સ્વાર્થ વગર પાકિસ્તાનને મદદ કરવા તૈયાર નથી. ચીને તો ડોલરની મદદ સામે પાકિસ્તાનનું બંદર પોતાના નામે કરી લીધું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની જેમ તેઓ પણ કરવેરા વધારવાની અને સબસિડી ઘટાડવાની માગણી કરી રહ્યા છે. પાકિસ્તાનનું અર્થતંત્ર દેવું કરીને જલસા કરવાને કારણે નિષ્ફળ ગયું તે નીતિ પર જ ભારતનું અર્થતંત્ર ચાલી રહ્યું છે. આપણે પણ સાવધાન થઈ જવાની જરૂર છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top