Columns

માત્ર પાંચ મિનિટ

એક મિત્રે સરસ વાત કરી. રોજ મિત્ર સવારે તેનાં બે બાળકોને બરાબર સવારે ૭.૪૦ શાળામાં મૂકવા જાય. જો બંને બાળકો સમયસર તૈયાર થઈ જાય અને એ કારમાં ગોઠવાઈ જાય તો તેઓ સાત જ મિનિટમાં શાળામાં પહોંચી જાય અને બાળકોને શાળામાં મૂકી મિત્ર 8:00 વાગ્યા પહેલાં તો ઘરે પાછા પણ આવી જાય પણ જો સવારે ઊઠવામાં કે તૈયાર થવામાં જરાક ચૂક કે ઢીલાશ થાય અને બાળકો બરાબર ૭.૪૦ એ તૈયાર ન હોય અને માત્ર પાંચ જ મિનિટનું મોડું થાય એટલે કાર ૭.૪૦ ને બદલે ૭.૪૫ એ ચાલુ થાય તો શું થાય?

 મિત્રે આગળ જણાવ્યું, આપણને બધાને એમ થાય કે માત્ર પાંચ મિનિટ મોડું થાય તેમાં શું ફરક પડે પણ મારો અનુભવ કહે છે કે ઘણો ફરક પડે. મોડું માત્ર પાંચ મિનિટનું થયું હોય પણ આ પાંચ મિનિટમાં જ રસ્તામાં એવો ટ્રાફિક વધી જાય કે શાળામાં સાત મિનિટમાં પહોંચવાનું હતું તેને બદલે ૧૫ થી વધારે મિનિટ લાગે. ઘરે પણ ૧૦ મિનિટમાં પાછા આવી જવાને બદલે ૨૦ મિનિટ વધુ લાગે એટલે હું ૮:00 વાગ્યાની અંદર ઘરે પહોંચી જતો તેની બદલે ૮.૨૦ એ ઘરે પહોંચું એટલે સવારમાં ૨૦ મિનિટ વધુ વેડફાઈ જાય. માત્ર પાંચ મિનિટનું મોડું થાય તેમાં ૨૦ મિનીટનું નુકસાન થાય.  મિત્રની વાત સાંભળી આપણને એમ થાય અરે તો શું થયું?

૨0 મિનિટ આમ કે આમ પણ એમ ન હોય, સમયની કિંમત કરવી જોઈએ. મિત્રે પોતાની વાત આગળ સમજાવતાં કહ્યું કે આવી પાંચ મિનિટ આપણા જીવનમાં ઘણી વાર મોટો ફરક પાડે છે. સવારના પાંચ મિનિટ મોડું થાય તો ૨0 મિનિટ બગડી જાય. જીવનમાં ક્યારેક પાંચ મિનિટનો ફરક પડે તેમાં કોઈ તક ચૂકી જઈએ. કોઈ નિર્ણય લેવામાં પાંચ મિનિટ મોડું કરીએ કે પછી પાંચ મિનિટ રડવામાં કે દુઃખી અને નિરાશ રહેવામાં વિતાવી દઈએ તો જીવનમાં જે કામ જલ્દી થઈ શકે, જે સુખ સફળતા મળી શકે, જે મંઝિલ સુધી પહોંચવાનું હોય ત્યાં પહોંચવામાં મોડું થઈ જાય. માત્ર પાંચ કિંમતી મિનિટના ફરકને કારણે જલ્દી સફળતા મળી શકે. જીવનમાં તક ઝડપી શકાય. ક્યાંક પાંચ મિનિટ માટે ચૂકી ગયા તો તક હાથમાંથી છૂટી જાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top