સત્સંગપૂર્તિમાં ‘શાસ્ત્રસ્રોત’ કટારમાં શ્રી આઇ.જી. મેકવાને, મધર ટેરેસાને ૧૯૯૦ ના યુદ્ધ વખતે અમેરિકન પ્રમુખ જયોર્જ બુશ તથા ઇરાકના રાષ્ટ્રપ્રમુખ સદ્દામ હુસેનને પત્રો લખ્યા હતા, એની વાત કરી છે. પત્રમાં મધર ટેરેસા લખે છે કે, ‘યુદ્ધમાં કોઇક જીતે છે અને કોઇક હારે છે. પણ તે પહેલાં ભીષણ નરસંહાર થઇ ચૂકયો હોય છે. અનેક નિર્દોષ માનવીઓની અને સંખ્યાબંધ સૈનિકોની લાશો પડી ચૂકી હોય છે.’ આ વાત અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ બાબતે સો ટકા સાચી પુરવાર થતી જાય છે. યુક્રેનમાંથી યુદ્ધથી બચવા લાખો લોકો, ભયંકર યાતનાઓ વેઠીને ભાગી ચૂકયા છે. એટલું જ નહિ રશિયાના તોપમારાઓમાં બીજાં સેંકડો નિર્દોષ, યુક્રેનવાસીઓ માર્યા પણ ગયા હશે. બન્ને દેશો તરફના સેંકડો સૈનિકો પણ માર્યા ગયા હશે. કેટલાક ઘાયલ થયા હશે. તો કેટલાક કાયમને માટે અપંગ બની ગયા હશે. યુદ્ધ તો કાલે પૂરું થઇ જશે.
પણ એની કરુણ વિભીષિકાઓ, માનવજાતને પાછળથી રંજાડતી રહેતી હોય છે. સૈનિકોની અનેક પત્નીઓ, પોતાના ધણીઓને ગુમાવતી હોય છે. અનેક બાળકો અને સૈનિકોનાં મા-બાપ નોંધારાં થઇ જતાં હોય છે. એમનાં આંસુ, જીવનભર સુકાતાં નથી. યુદ્ધમાં સ્થાવર અને જંગમ મિલકતોને ના ભરપાઇ થઇ શકે, એટલું નુકસાન થતું હોય છે. જે લોકો યુદ્ધની અસર નીચે આવી ગયા હોય છે, એમને બેઠાં થતાં, ઘણી ‘વાર’, લાગી જતી હોય છે. યુદ્ધની વ્યાખ્યા એક જ શબ્દમાં આપવી હોય તો તે શબ્દ છે ‘વિનાશ’. વર્તમાને ચાલી રહેલા યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને, દુનિયાના દેશો રોકી શકતા નથી, એના જેવી બીજી કરુણતા કઇ હોઇ શકે! બધાને ખબર છે કે, યુદ્ધ લાંબુ ચાલશે તો પુટિન, યુક્રેનને મસળી નાંખશે. પણ એમની એ જીતને કોઇ જીત તરીકે ગણશે નહિ. પુટિનની જીત માત્ર ‘સર્વવિનાશ’ થી વધુ હોવાની નથી. પેલા પગારદાર સૈનિકોને બચાવી લેવા માટે પણ યુદ્ધ થંભાવી દેવું રહ્યું.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.