Charchapatra

પરિવારને એકસૂત્રે સ્ત્રી જ બાંધી શકે

આપણી સામાજિક પરંપરા-રીતરિવાજ મુજબ લગ્ન બાદ યુવતીએ સાસરે વિદાય થવાનું હોય છે. પુત્રવધૂ સમજુ અને ગુણિયલ હોય તો પારિવારિક શાંતિ અને સંપ પણ જળવાય છે. પરંતુ સામાન્ય રીતે દરેક વ્યકિતને અન્ય વ્યકિતમાં કંઇક ને કંઇક ખામી કે દોષ દૃષ્ટિગોચર થતાં જ હોય છે.  પુત્રવધૂ હોય ત્યારે સાસુ ન ગમતી હોય પછી એ જ સાસુ બને ત્યારે પુત્રવધૂના દોષ દેખાતા હોય. જેઠાણીને દેરાણી અણગમતી લાગે અને દેરાણીને જેઠાણી હુકમ કરતી લાગે.  ભાભીને નણંદ પરિવારમાં ચંચુપાત કરતી જણાય અને નણંદની ભાઇ પર ભાભીનું વર્ચસ્વ ખટકતું હોય. કયારેક બે સગી બહેનોમાં પણ અણબનાવ હોઇ શકે. આ બધા જ સંબંધો નારીલક્ષી છે.

પણ આ તમામ સંબંધો જો એકમેકના પૂરક બની જાય તો પરિવાર અત્યંત શાંતિપૂર્ણ બની શકે. વર્તમાન સમયમાં મહિલા સ્વનિર્ભર બની પતિને આર્થિક રીતે ટેકા સમાન બનતી હોય છે. એ સમયે નોકરી સાથે કદાચિત ગૃહકાર્ય સમયસર ન પણ થઇ શકે, તો પરિવારના અન્ય સભ્ય એ સહર્ષ એ કાર્યબોજ ઉઠાવી એને થોડા ગૃહકાર્યમાંથી મુકિત આપવી જરૂરી બની જાય. આજના સમયમાં પતિ પત્ની આર્થિક ઉપાર્જન કરે એ અત્યંત આવશ્યક છે. સાસુ કે નણંદ કે જેઠાણી કે દેરાણીએ સમજીને કાર્ય વહેંચણી શકય હોય એટલી વહેંચી લેવી જોઇએ જેથી નોકરિયાત સ્ત્રીને સરળતા રહે. ‘આટલાં વર્ષો અમે ઢસરડા કર્યા હવે અમારે આરામ નહીં કરવાનો?’ આ માનસિકતામાંથી વડીલોએ મુકત થવું જોઇએ.

નોકરિયાત સ્ત્રી પાત્રે પણ કાર્યબોજ ઉઠાવનારનો ગેરલાભ તો ન જ લેવો જોઇએ. શકય હોય એટલી મદદ અવશ્ય કરવી જ જોઇએ. જમાનો બદલાયો અવશ્ય છે અને અપવાદ સર્વત્ર હશે જ. પણ બહેનોએ માનસિકતા બદલવાની જરૂર તો છે જ, નહીં તો સદા માટે ‘સ્ત્રીઓ ઇર્ષાળુ હોય છે’ નું મહેણું સાંભળવું જ રહ્યું.  સંપૂર્ણ કોઇ હોતું નથી. દરેક વ્યકિતમાં ખામી શોધવાને બદલે ખૂબી શોધીશું તો સખીપણા અવશ્ય જળવાઇ રહેશે. સંયુકત કુટુંબના લાભ તો સૌને ખબર હોય જ. મતભેદ હોય પણ મનભેદ ન જ થવા દેવાય, પારિવારિક શાંતિ-સ્નેહનું જતન કરવું હોય તો સમાધાનવૃત્તિ, જતું કરવાની માનસિકતા અને અનુકૂલન સાધવાની તૈયારી પરિવારને એકસૂત્રે બાંધી શકે અને એ સ્ત્રી જ કરી શકે.
સુરત     – નેહા શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિકાસ કે વિનાશ?
ભારત સરકારે જેના માટે શ્રીગણેશ કર્યા છે એવા ‘ધ ગ્રેટ નિકોબાર પ્રોજેકટ’ હવે વિવાદોમાં સપડાયો છે. વિરોધ પક્ષને સત્તાધારી પક્ષ સામે લડવાનો મુદ્દો મળી ગયો છે. જનહિત અને પર્યાવરણ વિનાશી પ્રોજેકટો દ્વારા કદી પણ વિકાસ થઈ શકે નહીં. આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ગણાય છે. અનોખી પ્રાકૃતિક વિશેષતાઓ ધરાવતા આ દુલર્ભ સ્થળ સુરક્ષિત રાખવા માટે યુનેસ્કોએ તેને ‘બાયોસ્ફિયર રિઝર્વ’ જાહેર કર્યું છે.

આ પ્રોજેકટ બનાવવા માટે 20 લાખથી પણ વધારે વૃક્ષોનો ભોગ લેવાશે જેનાં વિપરીત પરિણામ હેઠળ સીધી જનજીવન અને પર્યાવરણને નુકસાનકારક અસરો ઉદ્દભવશે અને વૃક્ષોના જંગલમાં વસતાં લાખો-કરોડો જીવો પોતાનું રહેઠાણ ગુમાવશે તેમજ ‘નિકોબેરીસ’ જેવા અલાસષ્પક આદિવાસીઓનું ઘર પણ છે જે આદિવાસીઓના જૂથના અસ્તિત્વ સામે પણ પ્રોજેકટને કારણે જોખમ સર્જાયું છે. હવે વિચારવાનું કે કેટલી હદે બુધ્ધિગમ્ય નિર્ણય છે.
સુરત     – રાજુ રાવલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top