તાપીના વ્યારા તાલુકાનું ભાનાવાડી ગામ જેનો કોઈ ચોક્કસ ઇતિહાસ તો જણાઈ આવતો નથી. લોકવાયકા મુજબ ભાણા નામની વ્યક્તિએ અહીં સૌપ્રથમ વખત ખેતીવાડીની શરૂઆત કરી હતી. જે પરથી આ ગામનું નામ ભાનાવાડી પડ્યું હોવાનું માનવામાં આવે છે. 555.18 હેક્ટરનું કુલ ક્ષેત્રફળ ધરાવતા આ ગામમાં હાલ અંદાજિત 1600 જેટલી વસતી છે, જેમાં કુલ 1224 મતદાર પૈકી 645 સ્ત્રી મતદાર અને 584 પુરુષ મતદારનો સમાવેશ થાય છે. ભાનાવાડી ગામમાં ગામઠાણ, કંસારિયા અને ડેરી ફળિયા સહિત ત્રણ ફળિયાં આવેલાં છે. તેમજ ગામમાં મુખ્યત્વે ગામીત અને ચૌધરી બોલી બોલતાં આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરે છે. આ ઉપરાંત આહીર સમાજનાં પણ પાંચેક કુટુંબ તેમજ આદિમ જૂથનાં 3 કુટુંબ ગામમાં વર્ષોથી વસવાટ કરી રહ્યાં છે. ગ્રામ પંચાયતમાં હાલ મહિલા સરપંચ સંગીતાબેન સંદીપભાઈ ગામીત સેવા આપી રહ્યાં છે. જિલ્લા-તાલુકા મથકથી માત્ર 6 કિ.મી.ના નજીવા અંતરે આવેલું ગામ હોવા છતાં ગામમાં સ્થાનિક રસ્તા બિસમાર હાલતમાં જોવા મળી રહ્યાં છે. ગામમાં મોબાઈલ નેટવર્કનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે પંચાયતની ઓનલાઈન કામગીરી પણ બાજુના લોટરવા ગ્રામ પંચાયતમાં કરવી પડે છે.
કંસારિયા પ્રાથમિક શાળામાં રમતગમતનાં સાધનો પણ ઉપલબ્ધ નથી
ભાનાવાડી ગામે કંસારિયા ફળિયામાં તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા કંસારિયાની સ્થાપના પણ-1955ની સાલમાં કરવામાં આવી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પૈકી 4 વિદ્યાર્થિની જ શિક્ષક બની છે. જ્યારે યુવકમાંથી 2 યુવકને બાદ કરતાં કોઈ યુવક સરકારી નોકરી મેળવવામાં સફળ થયો નથી. આ શાળામાં 2011થી શિક્ષક તરીકે જોડાયેલાં સંગીતાબેન સી.ચૌધરી 2023થી શાળાના મુખ્ય શિક્ષક અને રેખાબેન ચૌધરી છેલ્લાં બે વર્ષથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલક તરીકે પ્રિયંકાબેન ગૌરવભાઈ ગામીત ફરજ બજાવે છે. વર્ષોથી ચાલતી આ શાળાના બે ઓરડા પૈકી એક ઓરડો જર્જરિત અવસ્થામાં છે. જ્યારે બીજો ઓરડો મધ્યમ કક્ષાનો છે. શાળાના જર્જરિત ઓરડાને તોડીને નવો ઓરડો બનાવવા દરખાસ્ત કરી હોવાનું કહેવાય છે. ત્યારે વહેલી તકે તંત્ર આ બાબતે રસ દાખવે એ જરૂરી બન્યું છે. આ શાળામાં પણ શેડની જરૂરિયાત તેમજ વિદ્યાર્થિનીઓ માટે સેનિટેશનની વ્યવસ્થા વહેલી તકે પૂરી પાડવામાં આવે તે જરૂરી બન્યું છે. સરકાર એક તરફ શાળાથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી રમતગમતને પ્રોત્સાહન આપે છે ત્યારે અહીં શાળામાં તો રમતગમતનાં સાધનોય નજરે પડતાં નથી.
ગામમાં શિક્ષણની સુવિધા
ગામમાં ત્રણેય ફળિયાંમાં આંગણવાડી કેન્દ્ર કાર્યરત છે. તેમજ ગામમાં ગામઠાણ અને કંસારિયા ફળિયામાં બાળવાટિકાથી ધોરણ-5 સુધીની બે પ્રાથમિક શાળા આવેલી છે તેમજ કંસારિયા ફળિયામાં ખાનગી ટ્રસ્ટ સંચાલિત 1થી 8 સુધીની આશ્રમશાળા પણ આવેલી છે. જ્યાં ડાંગ, ધરમપુર, ઉમરપાડા, સોનગઢ સહિતના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી આવતાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
મુખ્ય રસ્તા સહિત અન્ય સ્થાનિક રસ્તા વર્ષોથી બિસમાર
ભાનાવાડી ગામમાં મુખ્ય રસ્તા સહિત અન્ય સ્થાનિક રસ્તા વર્ષોથી બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામઠાણ ફળિયામાં સ્મશાન પાસેથી નહેર સુધીનો રસ્તો છેલ્લાં ઘણાં વર્ષથી ઉભડખાબડ બન્યો છે. જેને કારણે ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ ગામઠાણ ફળિયામાં સ્મશાનથી ડેરી ફળિયા સુધીનો ત્રણ કિમીનો રસ્તો તેમજ ડેરી ફળિયાથી ધામોદલા થઈ ડુંગર ગામને જોડતો રસ્તો પણ ઘણાં વર્ષોથી બનાવવામાં ન આવતાં રસ્તાની હાલત દયનીય જોવા મળી રહી છે. ઉપરાંત કંસારિયા ફળિયાથી ડેરી ફળિયાને જોડતો રસ્તો મરામતના અભાવે બિસમાર હાલતમાં છે તેમજ કંસારિયાથી ગામઠાણ ફળિયાને જોડતો 3થી 4 કિમીના સીધા રસ્તાને પાકો ડામર રસ્તો બનાવવા માટે વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે. છતાં આજદિન સુધી આ રસ્તાને બનાવવા કોઈ તસ્દી લેવામાં આવી નથી. ગામમાં અન્ય ખેતરોમાં જતાં સ્થાનિક રસ્તાઓ પર હજુ કાચા અને ધૂળિયા હોવાથી પાકા કરવામાં આવે એ જરૂરી બન્યું છે.
કંસારિયા પ્રાથમિક શાળામાં રમતગમતનાં સાધનો પણ ઉપલબ્ધ નથી

ભાનાવાડી ગામે કંસારિયા ફળિયામાં તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા કંસારિયાની સ્થાપના પણ-1955ની સાલમાં કરવામાં આવી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પૈકી 4 વિદ્યાર્થિની જ શિક્ષક બની છે. જ્યારે યુવકમાંથી 2 યુવકને બાદ કરતાં કોઈ યુવક સરકારી નોકરી મેળવવામાં સફળ થયો નથી. આ શાળામાં 2011થી શિક્ષક તરીકે જોડાયેલાં સંગીતાબેન સી.ચૌધરી 2023થી શાળાના મુખ્ય શિક્ષક અને રેખાબેન ચૌધરી છેલ્લાં બે વર્ષથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલક તરીકે પ્રિયંકાબેન ગૌરવભાઈ ગામીત ફરજ બજાવે છે. વર્ષોથી ચાલતી આ શાળાના બે ઓરડા પૈકી એક ઓરડો જર્જરિત અવસ્થામાં છે. જ્યારે બીજો ઓરડો મધ્યમ કક્ષાનો છે. શાળાના જર્જરિત ઓરડાને તોડીને નવો ઓરડો બનાવવા દરખાસ્ત કરી હોવાનું કહેવાય છે. ત્યારે વહેલી તકે તંત્ર આ બાબતે રસ દાખવે એ જરૂરી બન્યું છે. આ શાળામાં પણ શેડની જરૂરિયાત તેમજ વિદ્યાર્થિનીઓ માટે સેનિટેશનની વ્યવસ્થા વહેલી તકે પૂરી પાડવામાં આવે તે જરૂરી બન્યું છે. સરકાર એક તરફ શાળાથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી રમતગમતને પ્રોત્સાહન આપે છે ત્યારે અહીં શાળામાં તો રમતગમતનાં સાધનોય નજરે પડતાં નથી.
ભાનાવાડી નવચેતન આશ્રમશાળામાં ફાયર સેફ્ટીનાં સાધનો પર ધૂળ

ભાનાવાડી ગામે કંસારિયા ફળિયામાં ખાનગી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નવચેતન આશ્રમશાળા પણ આવેલી છે. જેની સ્થાપના 1990ની સાલમાં કરવામાં આવી હતી. છેક 2019 સુધી આ આશ્રમશાળા કાચા-અર્ધ કાચા મકાનમાં ચાલતી હતી અને વિદ્યાર્થીઓને શિક્ષણ અપાતું હતું. જો કે, વિવિધ દાતાઓના સહયોગથી છેલ્લાં કેટલાંક વર્ષથી આશ્રમશાળાની સુવિધામાં થોડો સુધારો જોવા મળ્યો છે અને 2019થી આશ્રમશાળાનું નવું મકાન બનાવવામાં આવતાં શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો છે. અહીં હાલ ડાંગ, ધરમપુર, ઉમરપાડા, સોનગઢ સહિતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં કુલ 104 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. હાલ આચાર્ય તરીકે વિપુલભાઈ જી.ગામીત સહિત પાંચ શૈક્ષણિક કર્મચારીઓ ઉપરાંત 3 કર્મચારી ઈતર સેવામાં તેમજ 1 કાયમી રસોઇયા સહિત 2 કર્મચારી સેવામાં ફરજ બજાવી રહ્યા છે. આશ્રમશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકીના 50 જેટલા વિદ્યાર્થીઓ હાલ શિક્ષક, ક્લાર્ક, પોલીસ સહિતના સરકારી વિભાગોમાં નોકરી કરી રહ્યા છે. જે આશ્રમશાળા માટે ગૌરવની વાત છે. દાતાઓના સહયોગથી આશ્રમશાળાનું નવું મકાન બનતાં હાલ શાળામાં કુલ 8 ઓરડા આવેલા છે, જેમાં 1થી 8 ધોરણનું શિક્ષણ છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતાં વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. આશ્રમશાળા હજુ પણ સેનિટેશન સહિત રમતગમતનાં પૂરતાં સાધનો તેમજ લાઈબ્રેરી ઉપરાંત કેમ્પસની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આશ્રમશાળામાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બને એ જરૂરી બન્યું છે. આશ્રમશાળામાં ફાયર સેફ્ટીનાં સાધનો એક ખૂણામાં ધૂળ ખાઈ રહ્યાં છે. જેને આશ્રમશાળાના મકાનમાં જે-તે જગ્યાએ ઇન્સ્ટોલ કરવા તંત્ર જાણે કોઈ મુહૂર્તની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ભાનાવાડી પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ

ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા ભાનાવાડીની વાત કરીએ તો આ શાળાની સ્થાપના દેશની આઝાદી બાદ 1955ની સાલમાં થઈ હતી. તે સમયે ધોરણ-7 સુધી ભણેલા ગામનાં આગેવાન ઠગણીયાભાઈ જીવણભાઈ ગામીતે ગામઠાણ ફળિયામાં પોતાના કાચા ઘરમાં સૌપ્રથમ વખત શાળાકીય શિક્ષણ હાથ ધર્યું હોવાનું કહેવાય છે. ગામઠાણ ફળિયાની પ્રાથમિક શાળામાં અત્યાર સુધીમાં 4 જેટલા શિક્ષકો શિક્ષણનો દીપ પ્રગટાવી ગયા છે. આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીએ Ph.dની પદવી મેળવી છે તેમજ 6 વિદ્યાર્થીએ શિક્ષક બન્યા છે. તેમજ 3 વિદ્યાર્થિની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છે. 5 જેટલા વિદ્યાર્થીઓ પોલીસ ખાતામાં નોકરી કરી રહ્યા છે. સાલ 2002થી શાળામાં મુખ્ય શિક્ષક અને આચાર્ય તરીકે અર્જુનભાઈ પીલજીભાઈ ચૌધરી ફરજ બજાવે છે. તેમજ શાળામાં ચંપાબેન ફતેસિંગભાઈ ચૌધરી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાં છે. હાલ બાળવાટિકાથી ધોરણ-5 સુધી શાળાના બે ઓરડામાં 33 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક તરીકે સવિતાબેન ધનાભાઈ ગામીત ફરજ બજાવે છે. શાળામાં હાલ શેડના અભાવે વિદ્યાર્થીઓને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં મુશ્કેલી પડે છે તેમજ શેડ ન હોવાથી ખાસ કરીને ચોમાસા દરમિયાન બાળકોને બપોરે જમવા બેસવા માટે હાલાકી વેઠવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે શાળાની શેડની જરૂરિયાત પૂરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.