સુરત: કોરોના ફરી વકરી રહ્યો છે ત્યારે સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા ચાર તબીબોની બદલી કરી દેવાતા અન્ય તબીબોમાં કચવાટ ઉભો થયો છે. પીએમ રૂમમાં ફરજ બજાવતા ચાર તબીબની બદલી, એક પોઝિટિવ તબીબ, એક મેડિકલ રજા પર રહેતા પીએમ કરવામા વધારે મુશ્કેલી પડી રહી છે. પીએમ રૂમમાં ત્રણ જ તબીબની નોકરી દર્શાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં દરરોજ પાંચથી સાત જેટલા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. ખાસ કરીને વરાછા, કાપોદ્રા, સરથાણા, પુણા, અમરોલી, કતારગામ, મહિધરપુરા, લિંબાયત, ઉધના, ડિંડોલી પોલીસ કેસમાં થતા મોતનું પોસ્ટમોર્ટમ સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવે છે. આ તમામ વિસ્તારોમાં ક્રાઇમ રેટ પણ ખુબ વધુ રહે છે. ખાસ કરીને હત્યાના બનાવોમાં પણ સ્મીમેરના પીએમ રૂમમાં પેનલ પીએમ કે ફોરેન્સિક પીએમ કરવામાં આવે છે.
તાજેતરમાં ચાર જ દિવસમાં એક વૃદ્ધ મહિલા સહિત ત્રણ યુવકોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. બુધવારે આણંદ જિલ્લાના માથાભારે સિદ્ધાર્થ રાવની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. જેના કારણે તબીબોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યુ હતું. સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં હાલ નવ તબીબો સેવા આપી રહ્યા છે. જે પૈકીના બે તબીબો ડો. રાજેશ પટેલ, દિપક ગઢિયા અને ડો. જયેશ કાનાની કોવિડમાં, ડો. આસિત ગામીતની સમરસમાં, જ્યારે ડો. વિજય કૌશીક ખુદ પોઝિટિવ દર્દી તરીકે સારવાર લઇ રહ્યા છે. જ્યારે ડો. પ્રણવ પ્રજાપતિને અકસ્માતમાં પગે ફેકચર થયું છે. જેથી તેઓ હાલ મેડિકલ રજા પર છે.
કયારેક તો 10થી વધારે મૃતદેહ આવે ત્યારે પીએમ માટે લાઈન લાગી જાય છે
હાલ પોસ્ટમોર્ટમ રૂમમાં માત્ર ત્રણ તબીબ ડો. દિપક સિંઘલ, ડો. જયેશ બ્રહ્મભટ્ટ અને ડો. સંદિપ સેવા આપી રહ્યા છે. જ્યારે ડિપાર્ટમેન્ટના એચઓડી તરીકે ડો. ઇલ્યાસ શેખ ફરજ બજાવી રહ્યા છે. કોવિડના વધતા કેસો સામે કોવિડના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ પાંચથી સાત જેટલા મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. કયારેક તો 10થી વધારે મૃતદેહ પીએમ માટે આવે છે. કારણ કે સાંજે છ વાગ્યા પછી આવતા મૃતદેહનું પોસ્ટમોર્ટમ બીજા દિવસે કરવામાં આવે છે અને બીજા દિવસે સવારે પણ આપઘાતના બનાવો વધતા હોય તો પોસ્ટમોર્ટમ રૂમાં પીએમ કરવા માટે લાઇનો લાગતી હોય છે. આવા સમયમાં માત્ર ત્રણ તબીબોએ ફરજ બજાવી મુશ્કેલ બની છે.