SURAT

સુરતમાં માત્ર 20થી 25 હજારમાં ધર્મપરિવર્તનના રેકેટનો પર્દાફાશઃ હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો

સુરત : ડિંડોલી વિસ્તારમાં આવેલ રાજમહેલ મોલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ગુપ્ત રીતે હિન્દુ પરિવારોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે હિન્દુ સંગઠનોએ રવિવારે સાંજે સ્થળ પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

  • ચાર વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં માફીનામું લખી આપતા મામલો થાળે
  • જે વ્યક્તિ અન્યને જોડે તેને 5 હજાર રૂપિયાનું કમિશન આપવામાં આવતું હોવાનો પણ આક્ષેપ

મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરી હતી.

સંગઠનના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો મધ્યમ વર્ગના હિન્દુ પરિવારોને આર્થિક લાભની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રેરિત કરતા હતાં. એક વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે તો 20 થી 25 હજાર રૂપિયા આપવામાં આવતા અને જે વ્યક્તિ અન્યને જોડે તેને પ્રતિ વ્યક્તિ 5 હજાર રૂપિયાનું કમિશન આપવામાં આવતું હોવાનો આક્ષેપ છે.

માહિતી મળતા હિન્દુ સંગઠનના કાર્યકરો સાંજના સમયે રાજમહેલ મોલમાં પહોંચ્યા હતા અને ત્યાં ચાલુ પ્રવૃત્તિ દરમિયાન કેટલાક લોકોને પકડી પોલીસને સોંપ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન મોલની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને નારા લગાવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસે ઘટના સંદર્ભે સાંકળાયેલા ચાર વ્યક્તિઓને સ્ટેશનમાં બોલાવી પૂછપરછ કરી. બાદમાં બંને પક્ષોની ચર્ચા અને માફીનામાથી મામલો સમાપ્ત કરવામાં આવ્યો છે.

જો કે, પોલીસે તપાસ ચાલુ રાખી છે કે પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં અન્ય લોકો સંકળાયેલા છે કે નહિ. દરમિયાન ઘટના સ્થળે દોડી આવેલા ઘારાસભ્ય મનુ પટેલે કડક નિવેદન આપતાં જણાવ્યું કે, જો ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ફરી જોવા મળશે તો સમાજ પોતાની સંસ્કૃતિની રક્ષા માટે કડક વલણ અપનાવશે. આ પ્રકારની પ્રવૃત્તિઓને સહન કરવામાં નહીં આવે.

Most Popular

To Top